રાજકોટમાં લુખ્ખા તત્ત્વો બેફામ બન્યા. યુનિવર્સિટી રોડ ખાતે આવેલ નકળંગ ટી સ્ટોલ પર પેટ્રોલ બોમ્બ ફેંકાયાની ઘટના સામે આવી. આ સમગ્ર ઘટના હોટલના CCTVમાં કેદ થઈ.
શહેરમાં અસમાજિક તત્ત્વોની દાદાગીરી વધી છે. લોકો કોઈપણ ભોગે પોતાની મનમાની કરવા સામાન્ય લોકો સહિત હોટલ જેવા સ્થાનને નુકસાન પંહોચાડી રહ્યા છે. શહેરમાં યુનિવર્સિટી રોડ પરની નકળંગ ટી સ્ટોલમાં સામાન્ય બાબતે તોફાની તત્ત્વોએ માથાકૂટ કરી. અને બબાલ કરી બહાર નીકળેલા લુખ્ખાતત્વોએ સોડાની બોટલમાં પેટ્રોલ ભરી આગ લગાડી ટી સ્ટોલ પર પેટ્રોલ બોમ્બ ફેંક્યો. નકળંગ ટી સ્ટોલના માલિકે તોફાની તત્ત્વો સામે પોલીસ ફરિયાદ નોંધાવી.
નકળંગ ટી સ્ટોલમાં કેટલાક શખ્સ ખાણીપીણીની મોજ કરવા પંહોચ્યા હતા. દરમ્યાન આ ઇસમોની પાન મસાલાની રૂપિયાની લેતીદેતી મામલે બબાલ થઈ. પાનની દુકાને રૂપિયાની ચૂકવણીને લઈને ઇસમોએ મોટી માથાકૂટ કરી. જેના બાદ ગુસ્સે ભરાયેલ ઇસમો બહાર નીકળ્યા બાદ થોડા સમય પછી હોટલ પર પેટ્રોલ બોમ્બ ફેંકયો. હોટલ માલિકની ફરિયાદના પગલે જયદેવ રામાવત અને ચિરાગ બાવાજી વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કર્યો.
રાજકોટ શહેરમાં મારામારીની ઘટના અંગે ડીસીપી જગદીશ બાંગરાવા દ્વારા પ્રેસ યોજવામાં આવી હતી. ડીસીપીના જણાવ્યા મુજબ નકળંગ ટી સ્ટોલ ખાતે 15 જાન્યુઆરી 2025ની રાત્રે પેટ્રોલ બોમ્બ જેવા જ્વલન્શીલ પ્રવાહી ભરેલી સળગતી બોટલ ફેંકી આતંક મચાવ્યો હોવાની ઘટના સામે આવી છે. ત્યારે સમગ્ર મામલે ટી સ્ટોલ સંચાલક જિલ્લાભાઈ ઉર્ફે મુન્નાભાઈ ભરવાડ દ્વારા યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની કલમ 326 (G), 115 (2), 62 સહિતની કલમ હેઠળ જયદેવ રામાવત, ચિરાગ બાવાજી તેમજ બે અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
DCPએ જણાવ્યું કે આવા લુખ્ખા તત્ત્વો પર લગામ લગાવવામાં આવશે. ફરી આવા બનાવ ના બને માટે સંવેદનશીલ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવામાં આવશે. જો કે આ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. પોલીસ FSL રિપોર્ટ બાદ કાર્યવાહી કરશે. લુખ્ખા તત્ત્વો પેટ્રોલ ક્યાંથી લાવ્યા તેની તપાસ થઈ રહી છે. અને બોટલમાં પેટ્રોલ આપનાર શખ્સ સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.