સુરેન્દ્રનગર જિલ્લાના સૌથી મોટા ગણાતા હળવદ માર્કેટિંગ યાર્ડમાં માર્ચ એન્ડિંગ બાદ શરૂ થયેલુ યાર્ડ વિવિધ જણસોથી ધમધમી રહ્યું છે. જેમાં બુધવારે એક જ દિવસમાં વરિયાળી આવક 16 હજાર મણ, જીરૂની આવક 13 હજાર મણ અને એરંડાની આવક 27 હજાર મણ નોંધાતા યાર્ડ આ જણસોથી ભરાઈ ગયું હતું.
હળવદ તાલુકામાં ખાસ એરંડાના પાક અને વરિયાળી અને જીરાના પાકમાં ચાલુ વર્ષે ઉત્પાદન પણ સારુ આવ્યું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. આ ઉપરાંત હળવદ સિવાય આજુબાજુના અન્ય તાલુકામાં પણ ઉપરોક્ત ત્રણેયના પાકનું વાવેતર વધતા હાલ તેનો તૈયાર પાકનું વેચાણ કરવા ખેડૂતો હળવદ મોટી સંખ્યામાં ઉમટી પડયા છે. એક અંદાજ મુજબ હળવદ યાર્ડમાં રોજ બરોજની 16 હઝાર મણ વરિયારીની આવક નોંધાઇ રહી છે. તેમજ બુધવારે વહેલી સવારથી યાર્ડ ખાતે ખેડૂતો એરંડા, વરીયારી અને જીરાની જણસો સાથે આવતા વાહનોના થપ્પા લાગ્યા હતા. આ ઉપરાંત અન્ય જણસીની આવક પણ સામાન્ય નોંધાઈ હોવાનું યાર્ડના સેક્રેટરી મહેશભાઈ પટેલે જણાવ્યું હતું. હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે બુધવારે બોલાયેલી હરાજીમાં વરિયાળીના ભાવ પ્રતિ વીસ કિલોએ રૂ. 1,850થી રૂ. 2,900 જ્યારે જીરૂના ભાવ રૂ. 4,000થી રૂ. 4,800 તેમજ એરંડાના બજાર રૂ. 1240થી 1200 ભાવ રહ્યા હોવાનું માર્કેટ યાર્ડના સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.