પડધરીનાં ત્રણ શખ્સોની ધરપકડ, બે સાગરીતોની શોધખોળ
છ સ્થળેથી વીજ કંપનીનો એલ્યૂમિનીયમનો વાયર ચોર્યાની કબૂલાત, ૧૭૦૦ મિટર વાયર અને બે વાહન સહિત રૂા. ૪ લાખથી વધુનો મુદ્દામાલ કબજે લઇને કાર્યવાહીટ
જામનગર: જામનગર જિલ્લાનાં કાલાવડના ગ્રામ્ય પંથકમાંથી વીજ કંપનીના એલ્યુમિનિયમના વાયરની ચોરીના બે બનાવ બન્યા હતા. તેની તપાસમાં પોલીસે રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના સરપદળ ગામના ત્રણ શખ્સને ચોરાઉ ૧૭૦૦ મીટર વીજ વાયર સાથે પકડી પાડયા છે. જેમણે કાલાવડ ઉપરાંત રાજકોટ પંથકમાં અન્ય બે સાગરિત સાથે મળી છ વાયર ચોરી કર્યાની કબૂલાત આપી છે. પોલીસે ચોરાઉ વાયર, રૂા.૪ લાખના બે વાહન કબજે કરી બાકીના બે સાગરિતની શોધખોળ શરૂ કરી છે.
કાલાવડના ગ્રામ્ય પંથકમાં વીજ કંપનીના એલ્યુમિનિયમના વાયરની ચોરીના જુદા જુદા બે ગુન્હા નોંધાયા હતા. તેમાં સંડોવાયેલા આરોપીઓને પકડી પાડવા માટે કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનનો સ્ટાફ પી આઈ એન.બી. ડાભીની સુચના અને પીએસઆઈ વી.એ. પરમારની દેખરેખ હેઠળ તપાસમાં હતો. તે દરમિયાન સ્ટાફને મળેલી બાતમીના આધારે બે માલવાહક વાહન સાથે રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના સરપદળ ગામના ભરત પરબતભાઈ રાતડીયા, નિલેશ શાંતિભાઈ સોલંકી, સાગર કિશોરભાઈ ડાભી નામના ત્રણ શખ્સને પકડી લેવામાં આવ્યા હતા.
આ શખ્સો પાસે રહેલા જીજે-૩-બીવાય ૨૫૨૩ અને જીજે-૩-બીઝેડ ૧૯૫૯ નંબરના માલવાહક વાહનની તલાશી લેવાતા તેમાંથી એલ્યુમિનિયમના વીજતારના ૨૦ બંડલ મળી આવ્યા હતા. તે બંડલમાં રહેલા અંદાજે રૂા.૪૫ હજારની કિંમતના ૧૭૦૦ મીટર વાયર અંગે પૂછપરછ કરાતા આ શખ્સોએ રાજકોટના ભુરા વઢીયારા, અનિલ વઢીયારા સાથે મળી વીજ કંપનીના કાલાવડ તાલુકાના ખંઢેરા પાસે આવેલા ગોડાઉનમાંથી તે વાયર ચોરી કર્યાની અને તેના બંડલ બંને વાહનમાં લઈ ગયાની કબૂલાત આપી છે. પરિણામે પોલીસે રૂા.૪ લાખના બે વાહન, રૂા.૪૫ હજારનો ૧૭૦૦ મીટર વાયર કબજે કરી ભરત રાતડીયા, નિલેશ સોલંકી, સાગર ડાભી ની ધરપકડ કરી છે અને અનિલ તથા ભુરા ની શોધ હાથ ધરી છે.
આરોપીઓની પૂછપરછમાં આ શખ્સોએ કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં પોતાની સામે ઉપરોક્ત બે ગુન્હા નોંધાયેલા હોવા ઉપરાંત પડધરીના બારનાલા નદીકાંઠેથી એંસી કિલો વાયર ચોર્યાની અને રંગપર ગામના ડેમ પાસેથી ૯૯ કિલો વાયર, કેરાળા-સુવાગ ગામ વચ્ચેથી ૫૦ કિલો વાયર અને આણંદપર અને છાપરા ગામ વચ્ચે નદીના કાંઠેથી ૧૨૦ કિલો વાયર અગાઉ ચોરી લીધાની કબૂલાત આપી છે. આ શખ્સો વીજ કંપનીની બંધ લાઈનના થાંભલા પરથી એલ્યુમિનિયમનો વાયર કાપી લેતા હોવાની કબૂલાત મળી છે.