Last Updated:
અમદાવાદમાં પોલીસે એક કોલ સેન્ટરમાં રેડ પાડી હતી. જેમાં પોલીસે ત્યાંથી આરોપીઓના મોબાઈલ અને લેપટોપ કબજે કર્યા અને સાયબર એક્સપર્ટને આપ્યા હતા. જોકે સાયબર એક્સપર્ટે આરોપીની 41 લાખ રકમ ટ્રાન્સફર કરી મોટો ખેલ ખેલી કાઢ્યો હતો. આખી ઘટના વીશે જાણીને તમે પણ નવાઈ પામી જશો.
અમદાવાદ: સામાન્ય રીતે કોઈપણ વ્યક્તિ સાથે જ્યારે છેતરપિંડી થાય ત્યારે તે પોલીસની મદદ લેતી હોય છે, પરંતુ પોલીસ જ છેતરપિંડીનો શિકાર બની જાય તો? જી હા, આ જ પ્રકારની એક ઘટના અમદાવાદમાં સામે આવી છે. વિદેશી નાગરિકોને ઠગાઈ કરનાર કોલ સેન્ટરની બાતમીના આધારે પોલીસે દરોડા પાડી મોબાઈલ ફોન કબજે કર્યા અને તે ફોનમાંથી પુરાવા મેળવવા માટે એક વ્યક્તિને મદદ લીધી અને તે વ્યક્તિએ કરી નાખી લાખો રૂપિયાની ઠગાઈ.
મણીનગર પોલીસની કસ્ટડીમાં આવેલ આરોપી યુવકનું નામ દેવેન્દ્ર પટેલ છે. ગાંધીનગરના રહેવાસી આ યુવકનું મૂળ કામ આમ તો સાયબર એક્સપર્ટ તરીકેનું છે. જેમાં તે અમદાવાદ સહિતના અનેક શહેરોમાં કોઈપણ પ્રકારના ગુનામાં પોલીસને જ્યારે તેને મદદની જરૂર પડે ત્યારે તે મદદ પૂરી પાડતો હતો, પરંતુ શેર બજારમાં રોકાણ કરવા માટે અને અન્ય ખર્ચ માટે તેને પૈસાની જરૂર પડતા તેણે પોલીસ સાથે જ વિશ્વાસઘાત કરી નાખ્યો હતો જેના કારણે તેને જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે.
ઝોન 6 LCB ને ગત 30 ડિસેમ્બર 2024 ના રોજ દેવેન્દ્ર પટેલે બાતમી આપી હતી કે બોમ્બે હોટલ BRTએસ વર્કશોપની પાછળ આવેલી જૈનભ રેસીડેન્સી વિભાગ બેમાં રહેતા શેખ આયાજ નામનો યુવક ઘેર કાયદેસર રીતે પોતાના ઘરે કોલ સેન્ટર ચલાવી રહ્યો છે જે બાતમીના આધારે ઝોન 6 LCB એ રેડ પાડતા ત્યાંથી 2.41 લાખથી વધુ રોકડ, 33 મોબાઇલ ફોન, લેપટોપ, પાસપોર્ટ, પેન ડ્રાઈવ અને એટીએમ કાર્ડ તેમજ માસ્ટર કાર્ડ અને કાર સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને જે દરોડા દરમિયાન મળી આવેલા મોબાઈલ ફોનની તપાસ માટે સાયબર એક્સપર્ટ દેવેન્દ્ર પટેલની મદદ લેવામાં આવી હતી અને બાદમાં પોલીસે તમામ મોબાઈલ FSL માં મોકલ્યા હતા.
પોલીસે રેડ કરી તેના 19 દિવસ બાદ 18 જાન્યુઆરી 2025 ના રોજ મોહમ્મદ અયાદ શેખે લેખિત રજૂઆત કરી હતી કે તે પોતાના ફોનમાં ફાઇનાન્સ એપ્લિકેશન થકી ટ્રેડિંગ કરવાનું કામ કરે છે અને પોલીસે જ્યારે તેના ઘરે રેડ કરી તે સમયે તેના ફોનમાં 48,300 USDT કરન્સી જમા હતી, જેમાં બીજા દિવસે તેણે પોતાનું ઇ-મેલ આઇડી ચેક કરતા તેમાં તેનું ટ્રેડિંગ એપ્લિકેશન ખાતું બંધ થઈ ગયું હોવાનું ધ્યાને આવ્યું હતું અને તમામ કરન્સી ઉપાડી લેવામાં આવી હોવાની જાણ થઈ હતી. અંદાજે 41 લાખ રૂપિયાની રકમની 48,300 USDT એના ફોનમાંથી ટ્રાન્સફર થઈ જતા પોલીસે આ અંગે તપાસ હાથ ધરી હતી જેની તપાસમાં પોલીસને જાણ થઈ હતી કે સાયબર એક્સપર્ટ દેવેન્દ્ર પટેલે આ રકમ અલગ અલગ ખાતામાં ટ્રાન્સફર કરી લીધી છે અને બાદમાં આંગડિયા થકી રોકડ મેળવી અલગ અલગ જગ્યા ઉપર રોકાણ કરી નાખ્યું છે.
ઉલ્લેખનીય છે કે પોલીસે દેવેન્દ્ર પટેલને બોલાવી પોલીસની ભાષામાં પૂછપરછ કરતાં તેણે આ ગુનાની કબુલાત કરી હતી જેથી આ સમગ્ર મામલે પોલીસે દેવેન્દ્ર પટેલનો ફોન ચેક કરતા તેમાંથી પણ પુરાવાઓ મળી આવ્યા હતા. આ મામલે મણીનગર પોલીસ સ્ટેશનમાં દેવેન્દ્ર પટેલ સામે ઝોન 6 LCB ના પોલીસ કર્મીએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી દેવેન્દ્ર પટેલની ધરપકડ કરી છે. દેવેન્દ્રની સાથે ગુનામાં અન્ય એક આરોપી પણ સામેલ છે. ઝડપાયેલા આરોપીએ આ રીતે મેળવેલા 41 લાખ માંથી 30 લાખ રૂપિયા શેર બજારમાં રોકાણ કર્યા છે જ્યારે અન્ય રૂપિયા જુદી જુદી જગ્યા ઉપર ખર્ચ કર્યા અથવા તો લેણદારોને ચૂકવ્યા છે.
Ahmedabad,Gujarat
March 12, 2025 8:51 PM IST