Rajbha Gadhvi Statement Controversy : જાણિતા ગુજરાતી લોકસાહિત્ય કલાકાર રાજભા ગઢવીએ એક લોકડાયરામાં ગીરની વાત કરતા સમયે ડાંગના જંગલો માટે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. ડાંગ-આહવાના જંગલોમાં કેટલાયને લૂંટી લેવાય છે અને કપડાં પણ રહેવા દેતા નથી. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. રાજભાના આ નિવેદન બાદ ડાંગના રાજવી ધનરાજસિંહ સૂર્યવંશી, આપના ધારાસભ્ય ચૈતર વસાવા, વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલ અને ડાંગના સામાજિક કાર્યકર સહિત ડાંગ-આહવાના લોકોએ રાજભા ગઢવીના નિવેદનનો વિરોધ કર્યો છે. ડાંગ-આહવાના આદિવાસી સમાજમાં રોષ ફેલાયો છે. કેટલીક જગ્યાએ રાજભાના પૂતળાનું દહન કરાયું છે. ત્યારે હવે વિવાદ વકરતા રાજભા ગઢવીને ભૂલનું ભાન થયું છે અને તેમણે માફી માગી છે. તેમણે કહ્યું કે, ‘ડાંગમાં લૂંટાય છે એવું કહ્યું છે આદિવાસીઓનો ઉલ્લેખ નથી કર્યો. ફક્ત પ્રાંતનું નામ લઈ દાખલો આપ્યો હતો. હવે હું ડાંગ-આહવાનો ઉલ્લેખ કરીને નહીં બોલું.’
રાજભા ગઢવીએ માગી માફી
ડાંગના જંગલો અંગે વિવાદિત ટિપ્પણી બાદ વિવાદ વકરતા લોકસાહિત્ય કલાકાર રાજભા ગઢવીએ વીડિયો બનાવીને માફી માગી છે. તેમણે કહ્યું છે કે, ‘બે દિવસથી વાત ચાલ છે કે વનબંધુ-આદિવાસીભાઈઓને એવું લાગ્યું છે કે હું આદિવાસીઓ વિશે આવું બોલ્યો છું, લૂંટી લે એવું. વિદેશની વાત કરતા કરતા મેં ડાંગનું નામ લીધું હતું. હું આદિવાસી-વનવાસી શબ્દ ક્યાંય બોલ્યો નથી. હું પણ વનબંધુ પરિવારનો સભ્ય છું. હું પણ ગીરમાંથી આવું છું. મેં લૂંટી લે તેમના માટે બોલ્યો છું, બીજે ક્યાંકથી આવીને લૂંટી લેતા હોય એવું બનતું હોય છે. મેં દરેક સમાજની સારી જ વાત કરી છે. આજે પણ સમાજના નામથી કરી નથી.’
હવે ડાંગ કે આહવાનો ઉલ્લેખ કરીને નહીં બોલું : રાજભા ગઢવી
રાજભા ગઢવીએ કહ્યું કે, ‘મેં આદિવાસીભાઈઓની અનેક સારી વાતો કરી છે. ખાસ કરીને આદિવાસી બંધુઓ સાચી રીતે જોજો. છતાંય મારા બોલવાથી દુઃખ થયું તેની ખબર પડતા જ મને ખુબ દુઃખ થયું છે. મેં જ્ઞાતિ-જાતિની વાત જ નથી કરી. મારૂં નિવેદન ડાંગના નાગરીકોને લઈને નહોંતુ. આદિવાસીઓ આપણી સંસ્કૃતિ જાળવે છે. કોઈ સમાજને દુ:ખ થાય તેવું નથી બોલ્યો. વિસ્તારની વાત કરતા મારાથી બોલાયું. મારા બોલવાથી કોઈને દુ:ખ થયું છે તો તેનું મને પણ દુ:ખ થયું છે. હું તે બદલ દિલગીરી વ્યક્ત કરું છું. મારી વાતને જુદી રીતે ન લો તેવી વિનંતી છે. આ સમગ્ર વિવાદ પુરો કરી મને ભાઈ તરીકે ગણજો. હવે ડાંગ કે આહવાનો ઉલ્લેખ કરીને નહીં બોલું.’
આ પણ વાંચો : વાવ બેઠક પર રાજપૂતોનું રાજ કે પછી ઠાકોર સમાજનો ઠાઠ? જાણો કેવા છે જાતિગત સમીકરણો
રાજભા ગઢવીના આ નિવેદનથી સર્જાયો હતો વિવાદ
એક લોકડાયરામાં રાજભા ગઢવી દુનિયાભરના જંગલોમાં લૂંટફાટની ઘટનાઓ વિશે વાત કરી રહ્યા હતા. રાજભા ગઢવીએ ડાયરાના એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, ‘ભારતના બિહાર, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશ રાજ્યનાં અમુક જંગલોમાં રાત્રે તમને અધિકારીઓ કહી દે કે આ જંગલમાંથી પસાર ન થતાં, ફરીને જાવ, આ જંગલમાંથી પસાર ન થવું, કારણ કે ત્યાં તમને લૂંટી લેશે. ગુજરાતના ડાંગ આહવાના જંગલોમાં કેટલાયને લૂંટી લે અને કપડાં પણ રહેવા દેતા નથી. આખી દુનિયામાં એક જ ગાંડી ગીર એવી છે કે રાત્રે ભુલા પડો તો નેહડા વાડા આડા ફરી જમાડવા માટે લઈ જાય. એ પોતે લૂંટાઈ જાય, પણ તમને જમાડે.’
એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં માંગણી કરાઈ
રાજભા ગઢવી દ્વારા એક લોક ડાયરામાં કહેવામાં આવ્યુ હતુ કે, ડાંગ જિલ્લાનાં આહવાનાં જંગલોમાં કપડા કાઢીને લૂંટી લે છે. આ શબ્દોને પગલે ડાંગના આદિવાસી લોકોમાં ભારે આક્રોશ ફેલાયો છે. આ મુદ્દે રાજભા ગઢવી સામે ગુનો નોંધવાની માંગ સાથે સામાજીક કાર્યકર સ્નેહલ ઠાકરે પોલીસ અધિક્ષક અને આહવા પોલીસ ઇન્સ્પેકટરને લેખિત અરજી કરી છે. તેમાં જણાવ્યું છે કે, લોક ડાયરાનાં જાહેર મંચ પર આ પ્રકારના શબ્દોનો ઉપયોગ થયો તે ડાંગના આદિવાસી સમાજ માટે કલંક સમાન છે. ડાંગ જિલ્લાના આદિવાસી સમાજને જાહેરમાં બદનામ કરવાનું કૃત્ય, કાવતરું કરવામાં આવ્યું છે. જેથી કલાકાર રાજભા ગઢવી વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ એફઆઈઆર નોંધવામાં આવે. જો કાર્યવાહી નહીં થાય તો કચેરીનો ઘેરાવો કરી ધરણા પ્રદર્શન અને વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.
રાજા ધનરાજસિંહ સૂર્યવંશીએ રાજભાને આપી હતી ચેલેન્જ
ડાંગ જિલ્લામાં પાંચ રાજવી પૈકી વાસુર્ણ સ્ટેટનાં રાજા ધનરાજસિંહ સૂર્યવંશીએ જણાવ્યું કે, ‘કલાકાર રાજભા ગઢવીની ટીપ્પણી આદિવાસી સમાજને લાંછન લાગે તેવી છે. ડાંગ જિલ્લામાં અનેક પ્રવાસીઓ આવે છે. ભગવાન રામે પણ દંડકારણ્ય ડાંગ જિલ્લાનાં શબરીધામ ખાતે આવી પાવન પગલા પાડી શબરી માતાને દર્શન આપ્યા હતા. ભગવાન રામનાં પગલાથી પાવન બનેલો ભૂમિ પર ડાંગનો આદિવાસી સમાજ વસવાટ કરે છે. જેથી અમારો આદિવાસી સમાજ ઉચ્ચ વર્ણમાંથી આવે છે. તેવામાં અહીંની ભલી, ભોળી આદિવાસી પ્રજા કઈ રીતે લોકોને લૂંટી શકે છે. આ પ્રકારની ટિપ્પણીના કારણે પ્રવાસીઓ પણ અસમંજસમાં મુકાય તેમ છે અને પ્રવાસીઓ અહીં આવવા માટે ટાળે તેમ છે.’ ત્યારે આ રાજભા ગઢવીને ચેલેન્જ છે કે, ‘આ મામલે માફી માંગવામાં આવે નહીં તો આદિવાસી સમાજ દ્વારા વિરોધ નોંધાવવામાં આવશે અને આવેદનપત્ર અપાશે.’
રાજભાની ટિપ્પણીને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ : ચૈતર વસાવા
આ મામલે આપના ધારાસભ્ય અને આદિવાસી નેતા ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, ‘આજે ડાંગથી ઘણા સામાજિક આગેવાનોના મારા પર ફોન હતા અને સોશિયલ મીડિયાના માધ્યમથી મેં જોયું ત્યારે મને જાણ થઈ સૌરાષ્ટ્રના લોક ડાયરા કાર્યક્રમમાં સાહિત્યકાર રાજભા ગઢવી દ્વારા જાહેરમાં ગૌરવભેર એવી વાત કરવામાં આવી કે, ગુજરાતના ડાંગ અને આહવાના જંગલોમાં જઈએ ત્યારે ત્યાંના જંગલી લોકો દ્વારા લૂંટી લેવામાં આવે છે અને કપડાં પણ ઉતારી લેવામાં આવે છે. ત્યારે આવી ટિપ્પણી આદિવાસી સમાજને નીચું બતાવવા માટે કરી છે. જેને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. આ રાજભા ગઢવી આદિવાસી સમાજની જાહેરમાં માફી માંગે અને પોતાના શબ્દો પાછા ખેંચે. લોકોમાં ખૂબ મોટો આક્રોશ છે, લોકોની લાગણી દુભાયેલી છે. આવનારા દિવસોમાં એમના પર કડક કાર્યવાહી કરાવવા માટે અમે સમગ્ર આદિવાસી સમાજ રોડ પર પણ ઉતરવાનું થશે તો અમે રોડ પર પણ ઉતરીશું.
આદિવાસી સમાજ કાયમ અતિથિઓનો આદર કરતો આવ્યો છે : સાંસદ ધવલ પટેલ
વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલે આ અંગે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, ‘લોક કલાકાર રાજભા ગઢવીએ આદિવાસી સમાજ માટે કરેલી ટિપ્પણીને હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું. આદિવાસી સમાજ કાયમ અતિથિઓનો આદર કરતો આવ્યો છે. ડાંગ-આહવાની પોતાની આગવી મહેમાનગતિની સંસ્કૃતિ રહી છે. ત્યારે આ લોક કલાકારે ભોળા, સરળ અને પુરુષાર્થી આદિવાસીઓ માટે ઉચ્ચારેલા શબ્દો ખૂબ જ પીડા આપે તેવા છે. રાજભા ગઢવી તેમણે કરેલી ટિપ્પણી બદલ આદિવાસી સમાજની માફી માંગે તેવી માગ સાથે હું તેમની ટિપ્પણીને વખોડું છું.’