મમુઆરા બાદ માધાપરની હોટલમાં કાયદાની ઐસી-તૈસી
સ્થાનિક લોકોએ લેખિત ફરિયાદ આપ્યા બાદ બે દિવસ કાર્યવાહી ન કરનાર પોલીસે હોબાળો થતાં રૂદ્રા હોટલમાં દરોડો પાડયો
ભુજ: ભુજ તાલુકાના મમુઆરા ગામ પાસેની હસ્તિક હોટલમાંથી ગેરપ્રવૃતિ પકડાયા બાદ માધાપરમાં રૂદ્ર હોટલમાં ચાલતી ગેરરીતી બાબતે સ્થાનિક લોકોએ એસપી અને માધાપર પોલીસને લેખિત ફરિયાદ આપી હતી. પરંતુ પોલીસ કોઇ જ કાર્યવાહી ન કરતી હોવાથી સ્થાનિક લોકોએ હોબાળો મચાવતાં માધાપર પોલીસે રેડ પાડીને હોટલ રૂદ્રામાંથી શાળામાં ભણતી સગીરા અને ગામના જ એક યુવાનને પકડી પાડી પોલીસ મથકે લઇ આવ્યા હતા. માધાપર પોલીસે હોટલ માલિક સામે જાહેર નામના ભંગની કાર્યવાહી કરી હતી.
તાજેતરમાં મમુઆરા ગામે હોટસ હસ્તિકમાં સગીરા સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાયા બાદ માધાપર જુનાવાસમાં આવેલી હોટલ રૂદ્રામાં આધાર પુરાવા લીધા વીના રૂમો આપીને ગેરપ્રવૃતિ ચાલતી હોવાની સ્થાનિક લોકોમાંથી ફરિયાદ ઉઠી હતી. જે અંગે સ્થાનિક લોકોએ ૨૦ નવેમ્બરના રોજ લેખિત પશ્ચિમ કચ્છ એસપી અને માધાપર પોલીસ મથકના ઇન્સ્પેકટરને લેખિત અરજી આપી હતી. બે દિવસ સુધી કાર્યવાહી ન થતાં શનિવારે સવારે હોબાળો મચી ગયો હતો. જેને પગલે માધાપર પોલીસે લોકો સાથે હોટલ રૂદ્રામાં દરોડો પાડયો હતો.
દરોડા દરમિયાન હોટલના રૂમમાંથી ગામની શાળાનો યુનિફોર્મ પહેરલ સગીરા અને ગામના યુવકને પકડી પાડી પોલીસ મથકે લઇ જવાયા હતા. પોલીસ તપાસ દરમિયાન હોટલ રૂદ્રાના માલિકમા માલિક કમલેશ ભોજરાજભાઇ આહિરે પોતાની હોટલમાં સગીરા સાથે આવેલા યુવક પાસેથી કોઇ આધાર પુરાવાઓ ન લઇ રૂમ રહેવા આપી દીધો હોવાનું સામે આવ્યું હતું. માધાપર પોલીસે ભુજના કૈલાશનગરમાં રહેતા અને માધાપરમાં હોટલ રૂદ્રાના માલિક કમલેશ ભોજરાજભાઇ આહિર સામે જાહેર નામના ભંગનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી હતી.
– સગીરાના પરિવારે ફરિયાદ ન નોંધાવતાં યુવક સામે કોઈ પોલીસ કાર્યવાહી નહીં
માધાપર પોલીસે જણાવ્યું હતું. કે, હોટલ રૂદ્રામાંથી બપોરના દોઢ વાગ્યે સગીરા છોકરી અને યુવકને પકડી પાડયા હતા. સગીરા અને યુવક એક જ્ઞાાતિ છે. અને બન્ને જણાઓ માધાપર ગામના જ છે. બન્ને પકડાયા પછી સગીરાના પરિવારજનોને પોલીસ સ્ટેશનમાં બોલાવ્યા હતા. પણ સગીરાના પરિવારજનોએ આબરૂ જવાના કારણે પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. પકડાયેલો યુવાન કોઇ જ કામ ધંધો કરતો નથી સગીરા યુવક સાથે સ્કુલ યુનિફોર્મમાં જ હોટલમાંથી પકડાઇ છે. પરિવારજનોએ ઇન્કાર કરતાં પોલીસે કોઇ જ કાર્યવાહી કરી નથી.