• રસ્તા પર જીએસબીની જાડાઈ જાળવવામાં આવી નથી
• પુલોની સાઇડ વોલ ત્રાંસી અને આડીઅવળી બનાવાઇ
• રસ્તા પર રોલિંગ કામ કે પાણીનો છંટકાવ કરાતો ન હોવાથી ધૂળની ઉડતી ડમરીથી પ્રજા પરેશાન
• કાગળ પર મટીરિયલ ટેસ્ટિંગ થતું હોવાની શકયતા
ચોરવાડ-કનાળા રોડના નિર્માણમાં માટી,મેટલ,કપચી અને જીએસબી તેમજ પુલના નિર્માણમાં સિમેન્ટ કોંક્રિટનું જે મટીરીયલ વપરાયુ છે, તે મટીરીયલ ટેસ્ટિંગમાં સફળ થાય તેવું જણાતું નથી. છતાં આવા ખરાબ મટીરીયલનો ઉપયોગ કરી રસ્તાનું નિર્માણ કાર્ય ચાલુ છે. ત્યારે મટેરીયલ ટેસ્ટિંગ વગર રસ્તો બની રહ્યો હોવાની આશંકા છે. અથવા તો ટેસ્ટિંગ કરાતુ હોય તો પણ તે ખરેખરના સેમ્પલ લઇને કરાતું ન હોવાની શકયતા છે.કાગળ પર ટેસ્ટિંગ ઓકે બતાવવાનો વેપલો ચાલતો હોવાની શકયતા નકારી શકાતી નથી.
સોનગઢના ચોરવાડ અને કનાળા ગામ વચ્ચે છેલ્લાં બે મહિના ઉપરથી લગભગ 8 થી 10 કી.મી.લંબાઈનો રસ્તો બનાવવાનું કામ શરૂ થયું છે.આ રસ્તાનું નિર્માણ કોન્ટ્રાક્ટર મનફાવે તે મુજબ કરી રહ્યો છે. ટેન્ડર અને એસ્ટીમેન્ટની જોગવાઇ મુજબ રસ્તા પરથી ડસ્ટ કે ધૂળની ડમરીઓ નહીં ઉડે તે માટે રોજે રોજ પાણીનો છંટકાવ કરવાનો હોય છે. પરંતુ ચોરવાડ-કનાળાના નવા બનતા રસ્તા પર છેલ્લા એક મહિના ઉપરથી જીએસબી અને ડસ્ટ પાથરી રાખી રોલીંગ કામ કે પાણીનો છંટકાવ બિલકુલ કરાતો ન હોવાથી વાહન પસાર થવાના સમયે તેમજ ભારે પવન ફૂંકાવાના સમયે ધુળ અને ડસ્ટ ઉડતી રહે છે. તેના કારણે રસ્તાની આજુબાજુના ઘરો પર ડસ્ટ અને ધુળના પડ ચોંટી ગયા છે. ઘણા લાંબા સમયથી લોકોના શ્વાસમાં ડસ્ટ અને ધુળની રજકણો જતી હોવાથી તેઓના સ્વાસ્થયને ગંભીર નુકસાન પહોંચી રહ્યું છે. પાણીનો છંટકાવ કરવા રજૂઆત કરાતી રહેતી હોવા છતાં રસ્તા પર પાણીનો છટકાવ થતો ન હોવાથી ચોરવાડ અને કનાળા ગામના લોકોની સાથે આ રસ્તેથી પસાર થતા વાહનચાલકોના આંખોમાં ડસ્ટ જતી હોવાથી લોકો હેરાન પરેશાન થઇ ગયા છે.
આ રસ્તાના કામમાં નકરી વેઠ ઉતારવામાં આવી રહી હોવાની પણ ફરિયાદ છે. રસ્તાના નિર્માણમાં એસ્ટીમેટ મુજબનું માટીકામ થયું નથી. સબબેઇઝમાં જીએસબીની જાડાઈ જાળવવામાં આવી નથી. રસ્તા પર સ્ટેજ વાઇઝ રોલિંગ કામ અને પાણીના છંટકાવનું કામ થયું નથી. રસ્તામાં આવતા નાળા અને પુલના કામમાં પણ વેઠ ઉતારવામાં આવી છે. પુલોની સાઇડ વોલ ત્રાંસી અને આડીઅવળી બનાવાઇ છે. પુલની બન્ને સાઇડની દિવાલ સમાંતરમાં નથી તે જ રસ્તા અને પુલના કામમાં નકરી વેઠ ઉતારાઇ રહી હોવાની સાક્ષી પુરે છે. સોનગઢ તાલુકામાં પંચાયત માર્ગ મકાન વિભાગના રસ્તા અને પુલોના કામમાં ગોબાચારી ચાલતી હોવાથી તાલુકામાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાં બનેલા લગભગ તમામ રસ્તા 6 મહિના કે 1 વર્ષના ટુંકા ગાળામાં જ ખરાબ થઈ જાય છે. રસ્તા પર તિરાડો પડવાથી તેમાં વરસાદી પાણી ભરાતા રહેતા રસ્તા તૂટવા લાગે છે.