કડક કાર્યવાહી કરવામાં આવે તો આપોઆપ ઉપયોગ પણ બંધ થઈ શકે
રસ્તા ઉપર જ્યાં-ત્યાં ફેંકવામાં આવતા પ્લાસ્ટિક મૂકપશુઓના પેટમાં ઉતરે છે, માણસોને પણ ગંભીર રોગો થઈ શકે
સિહોર: સિહોર શહેરમાં ૫૦ માઈક્રોનથી પાતળી પ્લાસ્ટિકની ચીજવસ્તુઓના ઉપયોગ ઉપર કહેવા પૂરતો જ પ્રતિબંધ છે. હકીકતમાં ચાના કપ, પ્લાસ્ટિકના ઝબલા વગેરેનો બેફામ અને બિંદાસ્ત વેચાણ-ઉપયોગ થઈ રહ્યો છે. તેમ છતાં નગરપાલિકા તંત્ર ભેદી મૌન સેવી પ્લાસ્ટિક ઝુંબેશની કોઈ કાર્યવાહી કરી રહ્યું નથી.
સિહોરમાં ચાની હોટલો પર પ્લાસ્ટિકના કપ-ઝબલા, શાક-બકાલા, ફ્રૂટની લારી, ફરસાણની દુકાનો, કરિયાણાની નાની દુકાનો, હોટલો અને અન્ય વેપારીઓની દુકાનમાં હલકી ગુણવત્તાના પ્લાસ્ટિકના ઝબલાનો બેફામ ઉપયોગ થઈ રહ્યો છે. આવા પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઝબલાથી માણસોની જિંદગી સાથે પણ ચેડા થતાં હોય છે. કેન્સર, હૃદય, ફેફસા, લીવર જેવી ગંભીર બીમારીઓનું કારણ હલકી ગુણવત્તાનું પ્લાસ્ટિક બની શકે છે. તેમજ જાહેર રસ્તાઓ પર જ્યાં-ત્યાં પ્લાસ્ટિકને ફેંકવામાં આવતું હોવાથી કચરાના ઢગલામાં અને ઝબલાની અંદર રહેલ ખાવાની વસ્તુ સાથે મૂકપશુઓ પ્લાસ્ટિક પણ પેટમાં ઉતારી દેતા હોવાથી ઘણાં કિસ્સામાં મૂકપશુના મોત પણ થાય છે.
સિહોર નગરપાલિકા તંત્રને લોકોની આરોગ્યની કોઈ જ ચિંતા નથી તેમજ નિયમને ઘોળી પી જનારા હોલસેલના વેપારી સામે તંત્રનું કુણું વલણ હોવાથી સિહોરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનોઉપયોગ થઈ રહ્યો છે. માનવ અને પશુઓ માટે નુકશાનકારક આવા પ્લાસ્ટિકનું વેચાણ-ઉપયોગ થતો અટકે તે માટે ન.પા. તંત્રએ કુંભકર્ણની નિંદ્રાંમાંથી જાગીને વેપારીઓ, લારી-ગલ્લા, ફરસાણવાળા સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. જો પ્લાસ્ટિક ઝુંબેશ શરૂ કરવામાં આવે તો લોકો ગંભીર રોગના ભરડામાંથી બચી શકશે અને બેફામ વપરાતા ઝબલા, ચાના કપ આપોઆપ બંધ થઈ જશે. ત્યારે આ બાબતે ન.પા.એ ગંભીરતા દાખવવી જોઈએ તેવી સિહોરની જનતાની માંગણી છે.