- આ ગંદકીને અટકાવવા તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી થતી નથી
- પાણી ભર્યા રસ્તા પર ચાલવું પણ મુશ્કેલ, રોગચાળાનો ભય
- રસ્તાઓ ઉપર પાણી ભરાઇ રહેવાથી ગંદકી ફેલાતા રોગચાળાની ભિતિ
દહેગામના સાણોદામાં ગામના જાહેર રસ્તાઓ ઉપર ગંદકીએ માજા મુકી હોવાના દ્રશ્યો નજરે પડયા છે. લોકોને પાણી ભરાયેલા રસ્તા ઉપરથી ચાલતા નિકળવુ મુશ્કેલ પડી રહ્યુ છે. ગંદકીના કારણે સ્થાનિક ગ્રામજનોને રસ્તાઓ ઉપરથી પસાર થતી વખતે અસહ્ય દુર્ગંધનો સામનો કરવો પડી રહ્યો છે.
સાણોદામાં વીસેક દિવસથી પાણીની લાઇનો તથા ગટર તુટવાથી ઠેર ઠેર પાણી ભરાયા છે. જેના કારણે કાદવ તથા કીચડ થયા છે. રસ્તાઓ ઉપર પાણી ભરાઇ રહેવાથી ગંદકી ફેલાતા રોગચાળાની ભિતિ પણ ગ્રામજનોએ સેવી છે. 14 ગામના મુખ્ય મથક સમાન આરોગ્ય કેન્દ્રના જવાબદાર કર્મચારીઓ ગંદકી બાબતે જોવા સુધ્ધા ફરકતા નથી. ક્યાંય ફોગીંગ નથી કરવામાં આવતું, કે ભરેલા પાણીમાં દવાનો છંટકાવ પણ નથી થતો. ગામના જાહેર માર્ગો ઉપરની ગંદકી તથા રોગચાળાને ફેલાતો રોકવા માટે તાત્કાલીક પગલા ભરવામાં આવે એવી માંગ સાણોદા ગામના નાગરીકોએ કરી છે.