- તુવેર, કંકોડા, વટાણા સહિતની શાકભાજી રૂા.200ને પાર
- રીંગણનો ભાવ રૂા.100ને પાર પહોંચતા થાળીમાંથી ગાયબ
- ગ્રામીણ વિસ્તારમાં રીંગણનો ભાવ 150 રૂપિયે કિલોએ પહોચ્યો છે.
પવિત્ર શ્રાવણ માસની શરૂઆત સાથે શાકભાજીનો ભાવ આસમાને શાકભાજીના રાજા ગણાતા રીંગણનો ભાવ પણ 100ને પાર થયો છે. તુવેર, કંકોડા, તથા વટાણા 200 રૂપિયે કિલોએ વેચાય છે. ગ્રામીણ વિસ્તારમાં રીંગણનો ભાવ 150 રૂપિયે કિલોએ પહોચ્યો છે. જેને લઇને ગરીબ અને મધ્યમવર્ગના બજેટ ખોરવાયા છે.
પવિત્ર શ્રાવણમાં જ શાકભાજીનો ભાવ વધતા મધ્યમ અને મજૂર વર્ગનુ બજેટ ખોરવાયું. જાણવા મળવા મુજબ ચાર દિવસ પૂર્વે ચાલુ થયેલ પવિત્ર શ્રાવણ માસની શરૂઆત સાથે શાકભાજીના ભાવમાં ધરખમ વધારો થતા મધ્યમ વર્ગ તેમજ મજૂર વર્ગનું બજેટ ખોરવાયું હતું. શાકભાજીના રાજા રીંગણનો ભાવ પણ બે ત્રણ દિવસમાં સો રૂપિયાને પાર થઇ જતા નિત્યક્રમ તમામ શાકભાજીમાં વપરાતા રીંગણ હાલ શાક માર્કેટમાં લુપ્ત થયા હતા અને 10 દુકાન પૈકી એક દુકાનમાં જ રીંગણ જોવા મળતા હતા. હાલ કંકોડાની સીઝન ચાલતી હોઈ કંકોડા પણ રૂા.200 કિલો જ્યારે તુવેર તથા વટાણા પણ રૂા.200 કિલોનો ભાવ છે. કોઈપણ શાકભાજી હોય તેને સ્વાદિષ્ટ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા રીંગણ જેને શાકભાજીના રાજા તરીકે ઓળખાય છે. તેનો ભાવ પણ ત્રણ ચાર દિવસથી સો રૂપિયાને પાર કરતા હાલ બોડેલી- જાંબુઘોડા-પાવી જેતપુર શિવરાજપુર સહિતના માર્કેટમાં રીંગણ હાલ લુપ્ત થઈ રહ્યા છે. કારણકે માર્કેટનો ભાવ રૂા.100 કિલો થયો છે. જેથી નાના ગામોમાં રૂા.સો કિલો લાવી વેપારીઓ દ્વારા રૂા.140થી 150 કિલો વેચાણ કરાય છે.
શાકભાજી પાકમાં જીવાત પડતાં ભાવ વધારો
ભાવ વધારા અંગે વિસાડી ગામના ધરતીપુત્ર ગણપતભાઈ સાથે વાત કરતા તેઓ એ જણાવ્યું હતું કે હાલ શાકભાજીમાં જીવાત વધુ પડી હોવાથી શાકભાજીનો ઉતારો આવતો નથી,માંડ માંડ એક અઠવાડિયે પાંચ કિલો શાકભાજી નીકળે છે જેથી કરીને શાકભાજીના ભાવ વધ્યાં છે
દોઢસો રૂપિયે રોજની મજૂરી દોઢસો રૂપિયા ભાવ
શાકભાજીનો ભાવ વધારો થતાં મધ્યમ અને ગરીબ વર્ગના મજૂરી કામ કરી જીવન ગુજરાન ચલાવતા લલીતાબેન સાથે વાતચીત કરતા તેઓ જણાવ્યું હતું કે, રૂા.150 રોજની મજૂરી કરી બે ટંકના શાકભાજીમાં જ રૂા.100 નીકળી જાય છે. હાલ જીવન ગુજરાન ચલાવવું ખૂબ કઠિન બની ગયું છે. તેમ તેઓએ જણાવ્યું હતું.