Sensex and Nifty Update: શેરબજારમાં છેલ્લા કેટલાંક દિવસોથી કડાકો જોવા મળી રહ્યો છે. આજે પણ સેન્સેક્સ અને નિફ્ટીમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે. પરંતુ સ્મોલ કેપ અને મિડકેપ ઈન્ડેક્સના મોટા ભાગના શેરમાં વધારો થઈ રહ્યો છે. આ ઘટાડો હેવીવેઇટ શેરોમાં દબાણને કારણે વધારે છે, જે રોકાણકારો માટે સૌથી મોટો ડર બન્યો છે. આજે સેન્સેક્સમાં 288 પોઇન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે નિફ્ટીમાં 88 પોઇન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો.
સેન્સેક્સ હાલમાં 355 પોઇન્ટના ઘટાડા સાથે 81,393.11 પર ટ્રેડ કરી રહ્યો છે, જ્યારે નિફ્ટી 110 પોઇન્ટ ઘટીને 24,558.95 પર ટ્રેડ કરી રહ્યો છે. બેન્ક નિફ્ટી 190 પોઈન્ટ ઘટીને 53,391.80 પર છે. BSE સેન્સેક્સના ટોચના 30 શેરોમાંથી 22 શેરોમાં ઘટાડો થયો છે, જ્યારે બાકીના 6 શેરોમાં તેજી જોવા મળી રહી છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં સૌથી વધુ 1 ટકાનો ઘટાડો નોંધાયો હતો. તેમજ NSE પર નિફ્ટી 50 ના 34 શેરોમાં ઘટાડો છે, જેમાં શ્રીરામ ફાઇનાન્સ, રિલાયન્સ અને ભારતી એરટેલ જેવા હેવીવેઇટ શેરોનો સમાવેશ થાય છે.
આ પણ વાંચોઃ ડોલર સામે રૂપિયો રૂ.84.88ના નવા તળિયે
આ 10 શેરમાં સૌથી વધારે ઘટાડો
બ્લુ સ્ટાર, ભારત ડાયનેમિક, શ્રીરામ ફાઇનાન્સના શેર 2 ટકાથી વધુ તૂટ્યા છે. પિડિલાઇટ, એલ એન્ડ ટી ફાઇનાન્સ, મેક્સ ફાઇનાન્સ સર્વિસિસ, રેમન્ડ અને આઇટીઆઇના શેરમાં 1 ટકાથી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે. આ સિવાય ગ્રેસિમ ઈન્ડસ્ટ્રીઝ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને વેદાંતાના શેરમાં પણ 1 ટકાનો ઘટાડો થયો હતો.
કેમ દરરોજ તૂટી રહ્યું છે બજાર?
આ સપ્તાહના અંત સુધીમાં ફેડરલ રિઝર્વ બેન્ક તરફથી વ્યાજ દર અને ફુગાવા અંગે નિર્ણય લેવામાં આવશે. જેના કારણે શેરબજાર તેની રાહ જોઈ રહ્યું છે અને અત્યારે મોટું રોકાણ આવી રહ્યું નથી. બીજી તરફ વિદેશી રોકાણકારો ભારતીય બજારમાંથી નાણાં ઉપાડી રહ્યા છે. આ સિવાય ભારતમાં VIXમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. આ તમામ કારણોને લીધે શેરબજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચોઃ રશિયાથી ભારતની ક્રૂડની આયાત 55 ટકા ઘટીને અઢી વર્ષના તળિયે
ક્યારે આવશે તેજી?
માર્કેટ એક્સપર્ટ્સનું કહેવું છે કે, હેવીવેઇટ શેરમાં ઘટાડાનું મુખ્ય કારણ ત્રિમાસિક પરિણામો છે. જોકે, ટૂંક સમયમાં આ ઘટાડા પર બ્રેક લાગી શકે છે. તેમજ, સારા વૈશ્વિક સંકેતો અને ફેડરલ રિઝર્વના નિર્ણય પછી, ભારતીય શેરબજાર પણ વધી શકે છે. અત્યારે રોકાણકારોએ ધીરજ રાખવાની જરૂર છે.