- યુવતીના મોતને આકસ્મિક મોતમાં ખપાવવાનો પ્રયાસો કરાયો
- જેમણે ગુનો કર્યો છે તેઓને સજા તો થવી જ જોઇએ: અંજલિનો પતિ
- પુત્રના લવમેરેજથી નારાજ માતા-પિતાએ સંબંધી સાથે મળી કરી હત્યા
વ્યારામાં 23 વર્ષીય પરિણીતાના મોત અંગે આકસ્મિક મોતમાં ખપાવવાના પ્રયાસોમાં હત્યાનો ગુનો નોંધાયો હતો અને હત્યામાં સાસુ આરોપી ઝડપાયા બાદ આખું સુનિયોજીત હત્યાનું નેટવર્ક બહાર આવતા સમગ્ર પ્રકરણમાં સાસુ-સસરા તથા દુરના એક સબંધીની અટકાયત થઇ છે.
સોનગઢ સર્વોદય નગર-1માં રહેતા રોહિત સંભાજીભાઇ કોળીએ અંજલિ નામની યુવતી સાથે લવમેરેજ કર્યા હતા. દીકરાના આંતર જ્ઞાતિ લવ મેરેજ અંગે માતા-પિતા નારાજ રહેતા હતા. તેઓએ યુવક-યુવતીને છૂટાં કરવા માટે સતત પ્રયાસો ચાલુ રાખ્યા હતા. પરંતુ, સફળ ન થતા આખરે હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો.
રોહિત અને અંજલિ વ્યારા નગરમાં વૃંદાવનધામ સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા હતા. જયારે, સાસુ સુનંદાબેન કોળી અને સસરા સંભાજી કોળી સોનગઢ ખાતે રહેતા હતા.તેઓએ વહુનો કાંટો કાઢી નાંખવા માટે પોતાના એક સબંધી હીરાલાલને સોનગઢ ખાતેના ઘરે બોલાવી હત્યાનો પ્લાન ઘડી કાઢયો હતો. હત્યા કરવા બદલ હીરાલાલને રૂ.2,00,000 આપવાનું નક્કી થયું હતું. પ્લાન મુજબ સંભાજીભાઇએ વહુની હત્યાને અંજામ આપવા 10 દિવસ પહેલા જ સુનંદાને દીકરા-વહુ પાસે વ્યારા ખાતે રહેવા માટે મોકલી આપી હતી. વહુના રોજિંદા કાર્યનું નિરીક્ષણ કરતી સાસુ તમામ વિગતો પતિને આપતી હતી.
ગત તા.24ના રોજ દિવસ દરમિયાન અંજલિના પતિ ઘરે હાજર ન હોય તે દરમિયાન સસરા સંભાજીભાઇ મંગાભાઇ કોળી તથા તેમના સબંધી હીરાલાલ ઉર્ફે અન્ના અભિમન્યુ જાદવ(રહે.ખેતીયા શિવાજી ચોક, તા.પાનસમલ, જી.બડવાની) વ્યારા ખાતે પ્લાન મુજબ આવ્યા હતા. વ્યારાના ભાડાના મકાનમાં અંજલી સુતી હતી. તે દરમિયાન હીરાલાલ ઉર્ફે અન્ના અભિમન્યુ જાદવએ મોઢું દબાવી રાખેલ તથા સસરા સંભાજીભાઇએ તેણીના પગ પકડી રાખ્યા હતા, સાસુ સુનંદાબેન રૂમમાં કોઇ આવી ન જાય તે માટે પહેરેદારી કરવા દરવાજા પાસે ઉભા રહી ગયા હતા. ઘટનામાં પ્રથમ આકસ્મિક મોતની ઘટનાની નોંધ થઇ હતી. ત્યારબાદ, યુવતીના પી.એમ.માં મોઢું દબાવવાથી મરણ ગયાનું બહાર આવતા યુવતીના પિતાએ પતિ તથા સાસુ સામે હત્યાના શકદાર તરીકે ગુનો નોંધાવ્યો હતો.
સમગ્ર પ્રકરણમાં પોલીસે તમામ પુરાવા એકત્ર કરી ઘનિષ્ઠ તપાસ હાથ ધરતા આખરે વહુની ઠંડા કલેજે હત્યા કરી, જેને આકસ્મિક મોતમાં ખપાવવાનો પર્દાફાશ થતા હત્યાના ગુનામાં સાસુ-સસરા અને સબંધીની અટક કરવામાં આવી છે. દિવસ દરમિયાન પોતાના કામકાજ અર્થે ગયેલ પતિએ આવીને જ્યારે, પત્નિની હાલત જોયા બાદ હોસ્પિટલમાં ખસેડવા સહિતની કાર્યવાહી થઇ હોય. આખરે સમગ્ર મામલામાં હત્યા માતા-પિતાએ કર્યાનું તપાસમાં બહાર આવતા ગુનો કર્યો છે તેઓને સજા તો થવી જોઇએ તેવું પતિએ જણાવ્યું હતું. સોનગઢથી વ્યારા આવવા માટે ઉપયોગમાં લેવાયેલ મોપેડ નં.GJ.26.AD.994 ની પોલીસે કબ્જે લીધી હતી.