• તાપી જિલ્લા કલેક્ટરને આપેલા આવેદનપત્ર
• રાષ્ટ્રીય ઓલ્ડ પેન્શન પુનઃ સ્થાપન સંયુક્ત મોરચાના નેજા હેઠળ રેલી કાઢી આવેદન
• અને બેનરો સાથે કર્મચારીઓ કલેકટર કચેરીએ પહોંચ્યા હતા
તાપી જિલ્લાના વ્યારા ખાતે શનિવારે સરકારી કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં જ સમાવેશ કરી જે ચાલુ રાખવા માટે ચાલી રહેલા આંદોલનના ભાગરૂપે રાષ્ટ્રીય ઓલ્ડ પેન્શન પુનઃસ્થાપન સંયુક્ત મોરચા તાપીના નેજા હેઠળ સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
તાપી જિલ્લા કલેક્ટરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, ગુજરાત રાજ્યમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત, ભારતીય મજદૂર સંઘ ગુજરાત તથા અન્ય સંગઠનો લાંબા સમયથી નવી પેન્શન યોજના બંધ કરી જૂની પેન્શન યોજના પુનઃ લાગુ કરવા બાબતે રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરી ચૂક્યા છે, સંગઠનોના એકત્રીકરણથી બનેલા રાષ્ટ્રીય ઓલ્ડ પેન્શન સંયુક્ત મોરચા ગુજરાતની માંગણી છે ક,ે ગુજરાત રાજ્યમાં નવી પેન્શન યોજના બંધ કરી જૂની પેન્શન યોજના પુનઃ શરૂ કરવામાં આવે, બંધારણની સાતમી અનુસૂચિ હેઠળની રાજયના વિષયોમાં 42મા સ્થાને રાજ્ય દ્વારા ચૂકવવામાં આવતા પેન્શન અથવા એકીકૃત ભંડોળમાંથી ચૂકવવામાં આવતા પેન્શન એ રાજ્ય સરકારનો વિષય છે, તેવો ઉલ્લેખ કરાયો છે. કેન્દ્ર સરકાર આમા હસ્તક્ષેપ કરી શકે નહીં, આથી 22 ડિસેમ્બર-2003ના રોજ જારી કરાયેલી નવી પેન્શન યોજનાના કેન્દ્ર સરકારના ઠરાવમાં રાજ્ય સરકાર દ્વારા નવી પેન્શન યોજના ફરજિયાતપણે સ્વીકારવા જણાવ્યું નથી, આ વ્યવસ્થાને વૈકલ્પિક રાખવામાં આવી છે, જૂની પેન્શન યોજનાની સામે નવી પેન્શન યોજનામાં કર્મચારીઓનું નજીવું પેન્શન મળે જ છે તે નિર્વિવાદ બાબત છે, નિવૃત્તિ બાદ પેન્શનની નજીવી રકમમાં જીવનનિર્વાહ થઇ શકે તેમ નથી, દેશના વિવિધ રાજ્યમાં જૂની પેન્શન યોજના લાગુ છે, ત્યારે ગુજરાતમાં પણ કર્મચારીઓના હિતમાં જૂની પેન્શન યોજના પુનઃ અમલમાં લાવવી જોઇએ, કર્મચારીઓનું નિવૃત્ત જીવન સુરક્ષિત બનાવવા નવી પેન્શન યોજના દૂર કરી જૂની પેન્શન યોજના પુનઃ લાગુ કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી. રેલી, સૂત્રોચ્ચાર અને બેનરો સાથે કર્મચારીઓ કલેકટર કચેરીએ પહોંચ્યા હતા.