- રેતી, કપચી, સિમેન્ટ હલકી ગુણવતાનું વપરાયાનો આક્ષેપ, યોગ્ય તપાસની માગ
- ભાજપના ઉપપ્રમુખના પ્રતિનિધિએ આક્ષેપો કરી સવાલ ઉઠાવ્યા
- કામમાં વ્યાપક ભ્રષ્ટાચાર થઇ રહ્યો હોવાની બૂમ ઉઠી
વીરપુર તાલુકાના ભાટપુર મોતીપુરા ગામના તળાવની પાળીનુ કામ ચાલી રહ્યું છે. જે સિંચાઇ વિભાગના કોન્ટ્રાકટર દ્વારા કરાવવામાં આવી રહ્યું છે. જેમાં હલકી ગુણવતાનું મટીરિયલ વપરાતું હોવાની ફરિયાદ ઉભી થઇ છે. જેને લઇ ભાજપ ઉપપ્રમુખ, માજી સરપંચ તેમજ ગ્રામજનો દ્વારા યોગ્ય તપાસની માંગણી કરાઇ છે.
ભાટપુરના મોતીપુરા ગામનું તળાવ બે વર્ષ પહેલા થયેલા ભારે વરસાદને પગલે તળાવની પાળ તુટી ગઈ હતી. જેનું કામ છેલ્લા 20 દિવસથી ચાલી રહ્યું છે. જે કામમાં વ્યાપક ભ્રષ્ટાચાર થઇ રહ્યો હોવાની બૂમ ઉઠી છે. તળાવની બનાવેલ પાળમાં પેચીંગ, લેવલિંગ વગર કામ ચાલું કરાયું હતુ. રેતી, કપચી, સિમેન્ટ હલકી ગુણવતાનું વપરાયાનો આક્ષેપ ભાજપ તાલુકા ઉપપ્રમુખના પ્રતિનિધિ મહેન્દ્રભાઇ બારીયા તેમજ માજી સરપંચ જુજારસિંહ દ્વારા કરાયો છે. તળાવની પાળીમાં ચાલુ કામમાં જ મોટી મોટી તિરાડો પડતા ગેરરીતિ બહાર આવી હતી. આ મામલે યોગ્ય તપાસ કરવાની માગ ઉઠી છે.
અમારા પર આક્ષેપ કરી ગેરરીતિ છુપાવવાનો પ્રયાસ
તાલુકા ભાજપ ઉપપ્રમુખ પ્રતિનિધિ મહેન્દ્ર બારિયાએ જણાવ્યું હતું કે નાની સિંચાઇના અધિકારી તેમજ સુપરવાઇઝર ક્યારે આવે કયારે જોઇને જતા રહે, એ કોઇને ખબર નથી. તળાવનું કામ હલકી ગુણવતાનું થાય છે તેવી ફરિયાદ કરતા અમને સ્થળ પર રહી ધ્યાન રાખવાનું જણાવે છે. SO દ્વારા તેમના રોજમદારો પર હુમલો થયાના આક્ષેપ કર્યા છે જે ખોટા છે. અમારા પર આક્ષેપ કરી ગેરરીતિ દબાવી કોન્ટ્રાકટરને બચાવવાના પ્રયત્નો થાય છે. આ અંગે તપાસ થાય તે જરૂરી છે.