- માર્ગો પર પશુઓ અડિંગો જમાવાતા ટ્રાફિકની સમસ્યા
- નાના -મોટા અકસ્માતના બનાવો પણ વધ્યા
- દૂધ કાઢી પશુ છૂટા મુકી દેતા માલિકો સામે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નહિ
વિરપુરમાં ઠેર ઠેર જાહેર માર્ગો તેમજ જાહેર સ્થળોએ રખડતા પશુઓનો ત્રાસ દિન પ્રતિ દિન વધી રહ્યો છે. જેના કારણે નગરજનોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. પશુઓના ઝુંડને કારણે ધણીવાર માર્ગ પર થોડો સમય માટે ટ્રાફ્કિ જામના દ્રશ્યો સર્જાયા છે.બાઈક સવારો ને અકસ્માતમા નાની મોટી ઇજા પહોંચી હોવાના કિસ્સા પણ બનવા પામેલ છે. વિરપુર ગામ સહિત મુખ્ય માર્ગ પર રખડતા પશુઓનો ત્રાસ વધવા પામ્યો છે. વિરપુર નગરના અમુક ખાસ અને માથાભેર વ્યક્તિઓ ના પશુજ ગામમા ફ્રતા મૂકતા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. આવા વ્યકિતઓ પર તંત્ર દ્વારા લગામ કસવામાં આવે તેવી માંગ પણ ઉઠી છે. વિરપુર બસ સ્ટેન્ડ સામેના મુખ્ય માર્ગ સી એમ દેસાઈ હાઈસ્કૂલ રોડ, કોલેજ રોડ, મીલ રોડ, લીમડા ભાગોળ સહિતના વિસ્તારોમાં જાહેર રોડ ઉપર દિનરાત રખડતા પશુઓ જોવા મળી રહ્યા છે. તો વળી આ પશુઓનું ટોળું ક્યારેય રોડની વચ્ચે અડીંગો જમાવતા વાહન ચાલકો તેમજ રાહદારીઓને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. અમુક વખતે તો આ પશુઓ રોડ વચ્ચેથી ખસતા નહોવાને કારણે સમગ્ર વિસ્તારમાં ટ્રાફ્કિ જામ પણ થઈ જાય છે. નગરમાં આવેલા જાહેર સ્થળો જેવા કે બસ સ્ટેન્ડ, જનતા સીનેમા વિગેરે સ્થળો પર વધારે પ્રમાણમા રખડતા પશુઓના ઝુંડેઝુંડ જોવા મળે છે.
જેના કારણે રાહદારીઓ અને આવા જાહેર સ્થળોએ આવન-જાવન કરી રહેલા મુસાફરોને હાલાકી ભોગવવી પડે છે. તેમાં મોટેભાગે સિનિયર સિટીઝનનોને આ પશુઓનો ડર સતાવતો હોય છે ત્યારે સ્થાનિક તંત્ર દ્વારા રખડતા પશુઓ પર લગામ લગાવી ડબ્બામાં બંધ કરે તો આવનારા દિવસોમાં પશુઓ થકી અકસ્માતોમાં આશકીત ધટાડો જોવા મળશે.