- શાળાના નાગરિક મંડળ લેટર પેડ ઉપર જવાબો મળ્યાં
- મહેસાણા LCBએ એક વ્યક્તિની અટકાયત કરી
- કોંગ્રેસ આક્રામક, વાઘાણીએ કહ્યું- ‘માત્ર કૉપી કેસ’
ગુજરાતમાં સરકારી ભરતીના પેપરો ફૂટવાની ઘટનાઓ છાશવારે સામે આવતી રહી છે. એવામાં આજે વધુ એક વખત પેપર ફૂટવાના આક્ષેપો થતાં સરકારના પરીક્ષામાં પારદર્શક્તાના દાવા પર અનેક સવાલો ઉઠી રહ્યાં છે. જેમાં ઊંઝા તાલુકાના ઉનાવા ખાતે આજે લેવાયેલી વન રક્ષકની પરીક્ષાનું પેપર ફૂટ્યું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જેને લઈને તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ઊંઝા તાલુકાના ઉનાવા ખાતે આવેલી મીરા દાતાર સર્વોદય વિદ્યાલયમાં આજે 12 થી 2 કલાક દરમિયાન વન રક્ષકની ભરતી માટેની પરીક્ષા ચાલી રહી હતી. આ દરમિયાન શાળાના નાગરિક મંડળના લેટર પેડ ઉપર પેપરના તમામ પ્રશ્નોના સાચા જવાબો મળી આવ્યા હતા. જે બાદ શાળાના પ્રમુખે તપાસ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની વાત કરી છે.
એવું કહેવાય છે કે, વન રક્ષકની પરીક્ષા દરમિયાન નાગરિક મંડળના લેટર પેડ પર પેપરમાં રહેલા પ્રશ્નોના જવાબ ફરતા થયા હતા. જેમાં 10 નંબરના બ્લૉકમાંથી પાણી પીવા બહાર આવેલ વિદ્યાર્થી જવાબ સાથેનું લેટર પેડ લઈને રૂમમાં આવતા નિરિક્ષકે પકડતાં ભાંડો ફૂટ્યો હતો.
હાલ તો આ સમગ્ર મામલે વિસનગર DySP ઉનાવાની સ્કૂલમાં જવા રવાના થઈ ગયા છે. જ્યારે મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચે સર્વોદય સ્કૂલના પ્રાથમિક વિભાગમાં ફરજ બજાવતા રાજુ ચૌધરી નામના વ્યક્તિની અટકાયત કરીને તેને પૂછપરછ માટે ઉનાવા પોલીસ સ્ટેશને લઈ ગઈ હોવાની માહિતી મળી છે.
આ સમગ્ર મામલે CCTV ફૂટેજ ચેક કરીને જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવાઈ રહ્યું છે. જો કે શ્રી નાગરિક મંડળ, ઉનાવાનું લેટર પેડ વિદ્યાર્થી પાસે કેવી રીતે આવ્યું? તે પણ તપાસનો વિષય છે. આ સમગ્ર મામલે યોગ્ય તપાસ થાય તો અનેક મોટા લોકોની સંડોવણી બહાર આવી શકે તેમ છે.
મારો દીકરો પણ પાસ ના થાય તેવી વ્યવસ્થા: વાઘાણી
પેપર ફૂટવા અંગે રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીનું નિવેદન સામે આવ્યું છે. જેમાં વાઘાણીએ જણાવ્યું છે કે, મારો દીકરો પણ પાસ ના થાય, તેવી વ્યવસ્થા આ પરીક્ષામાં ગોઠવવામાં આવી છે. તમામ પેપર નથી ફૂટતા, પ્રાથમિક રીતે આ માત્ર કોપી કેસ છે. જો તથ્ય સામે આવશે, તો સરકાર ચોક્કસ કાર્યવાહી કરશે.
કોંગ્રેસ આક્રામક, વિધાનસભામાં ઉઠાવશે મુદ્દો
વન રક્ષકની પરીક્ષાના પેપર લીક મુદ્દે કોંગ્રેસ આક્રામક જોવા મળી રહી છે. એવામાં આવતીકાલે વિધાનસભામાં આ પરીક્ષાનો મુદ્દો કોંગ્રેસ ઉઠાવશે. હકીકતમાં આવતી કાલે ગાંધીનગરમાં કોંગ્રેસે બેરોજગારી મુદ્દે કાર્યક્રમની મંજૂરી માંગી હતી, જે તેને મળી નથી. આમ છતાં કોંગ્રેસ આવતીકાલે વિરોધ કરવા મક્કમ છે. આથી મંજૂરી વિના પણ કોંગ્રેસ ઉગ્ર દેખાવ કરશે.
Source link