– સ્ટ્રીટ લાઇટના દોરડા કાપી ચોરીને અંજામ આપ્યો
– રૂા. 1.50 લાખની સાડી સહિતના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો નાસી છુટયા
સુરેન્દ્રનગર : લખતરના તનમનીયા રોડ પર આવેલી એક સાડીની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરોએ દુકાનનું તાળુ તોડી દુકાનમાંથી સાડી સહિત અંદાજે રૂા.૧.૫૦ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
લખતરના તનમનીયા રોડ પર વીજ સબસ્ટેશન પાસે આવેલી હંસાબેન વાઘેલાની સાડીની દૂકાનમાં રાબેતા સવારે આવીને જોતા દુકાનનું શટર તેમજ તાળુ તુટેલી હાલતમાં જોવા મળ્યું હતું. હંસાબેને દૂકાનમાં અંદર જઈ તપાસ કરતા તસ્કરો દ્વારા દુકાનમાંથી રૂા.૧.૫૦ લાખની સાડીઓની ચોરી થઈ હોવાનું જણાઈ આવ્યું હતું. તસ્કરો દ્વારા ચોરીને અંજામ આપવા માટે વિસ્તારની સ્ટ્રીટ લાઈટના દોરડા કાપી નાંખી અંધારામાં દુકાનને ટાર્ગેટ બનાવી હતી. જે અંગેની જાણ ભોગ બનનાર દુકાનના માલીકે લખતર પોલીસને કરતા પોલીસે નિવેદનના આધારે ફરિયાદની તજવીજ હાથધરી છે. જ્યારે લખતર તાલુકામાં ચોરીનો બનાવ બનતા અન્ય દુકાનદારો સહિત રહિશોમાં પણ ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. આ જ્યારે લખાઈ રહ્યું છે ત્યારે આ મામલે હજુ સુધી કોઈ પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ નથી.