રાજભા ગઢવી વિવાદ, દિલગીરી નહીં દિલથી માફી માગવી પડશે: સાંસદ ધવલ પટેલ

HomeNavsariરાજભા ગઢવી વિવાદ, દિલગીરી નહીં દિલથી માફી માગવી પડશે: સાંસદ ધવલ પટેલ

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

રાજભા ગઢવી દ્વારા ડાંગ-આહવાના આદિવાસીઓ વિશે કરવામાં આવેલ ટિપ્પણી મુદ્દે આદિવાસીઓ દ્વારા વિરોધ કરવામાં આવેલ, જેને લઈને રાજભા ગઢવી દ્વારા ખુલાસો કરતો વીડિયો જાહેર કરેલ. વીડિયો જોતા સાંસદ ધવલ પટેલએ જણાવ્યું કે, આવી ગોળ-ગોળ વાતો નહીં ચાલે અને દિલગીરી નહીં ચાલે દિલથી માફી માગે રાજભા. રાજભા ગઢવીએ માફી માગી જ નથી માત્ર ગોળ ગોળ વાતો કરી છે. ડાંગમાં ગુનાખોરી ન હોવાનું રાજભા એ કબૂલ્યું નથી. રાજભાનો આ છેલ્લો વાણી વિલાસ હશે તેવી તેઓ ખાતરી આપે. કોઈ પણ સમાજ કોઈ પણ ધર્મ વિશે ભવિષ્યમાં વાણી વિલાસ નહીં કરે તેવી રાજભા બાંહેધરી આપે.

લોકકલાકાર રાજભા ગઢવી સાથે જોડાયેલો એક વિવાદ શાંત પડવાનું નામ નથી લઇ રહ્યો. રાજભાએ વીડિયો જાહેર કરીને માફી તો માગી લીધી છે એમ છતાં આદિવાસી સમાજમાં રાજભા ગઢવી સામે હજુ રોષ છે.

સમગ્ર વિવાદ શું હતો?

ગુરુવારે રાજભા ગઢવીનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તેઓ ડાયરામાં બોલી રહ્યા હતા. તેમની સામે મોટી સંખ્યામાં લોકો બેઠા હતા. આ સમયે રાજભા કેન્યામાં રાત્રે એરપોર્ટ જવાની વાત કરતા હતા. તેઓ કહી રહ્યા હતા કે કેન્યામાં રાત્રે અમારી કારની આગળ-પાછળ પોલીસની કાર હતી, કારણ કે જો પોલીસ ન હોય તો જંગલી લૂંટી લે.

કેન્યા અને ભારતની વાત કર્યા બાદ ડાંગ-આહવા વિશે બોલ્યા

વાયરલ વીડિયોમાં કેન્યાની વાત કર્યા બાદ રાજભા ભારતની વાત કરે છે. તેઓ આગળ કહે છે, ભારતના બિહાર, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશ રાજ્યનાં અમુક જંગલોમાં રાત્રે તમને અધિકારીઓ કહી દે કે આ જંગલમાંથી પસાર ન થતાં, ફરીને જાઓ, આ જંગલમાંથી પસાર ન થવું, કારણ કે ત્યાં તમને લૂંટી લેશે. ગુજરાતમાં ડાંગ-આહવાનાં જંગલોમાં કેટલાયને લૂંટી લે, કપડાં પણ ન રહેવા દે. આ ગુજરાતની વાત છે, પણ મને ગૌરવ થાય છે કે આખી દુનિયામાં એક જ ગાંડી ગીર એવી છે કે રાત્રે દોઢ વાગે પણ તમે ભૂલા પડો તો નેહડાવાળા તમને જમાડવા માટે લઈ જાય એ પોતે લૂંટાઈ જાય, પણ તમને જમાડે.

આ વીડિયો વાઇરલ થયા બાદ આદિવાસી સમાજ અને ભાજપ-આપના આદિવાસી નેતાઓએ રાજભાની ટિપ્પણીને આદિવાસી સમાજના અપમાન સમાન ગણાવી હતી. વીડિયો વાયરલ થયાના બીજા જ દિવસે રાજભાએ એક નવો વીડિયો જાહેર કર્યો, જેમાં તેમણે દિલગીરી વ્યક્ત કરી.

માફી માગતાં રાજભાએ શું કહ્યું?

વિવાદ બાદ રાજભા ગઢવીએ એક વીડિયો જાહેર કરીને માફી માગી હતી. તેમણે વીડિયોમાં કહ્યું છે કે 2 દિવસથી જે કંઇ વાત ચાલે છે એ આપ બધા જાણો છો. આદિવાસીભાઇઓને એવું લાગ્યું છે કે હું આદિવાસીઓ વિશે આવું બોલ્યો છું કે લૂંટી લે છે. દુનિયાના દેશોની વાત કરતાં કરતાં મેં ડાંગનું નામ લીધું હતું. ક્યારેક એવી ઘટના બની હોય એ મગજમાં આવી જતી હોય. હું આદિવાસી કે વનવાસી શબ્દ ક્યાંય નથી બોલ્યો. હું પણ વનબંધુ છુ. હું પણ ગીરમાંથી આવું છું. વનબંધુઓની લાગણીને વંદન છે.

હું આદિવાસી શબ્દ નથી બોલ્યોઃ રાજભા

દિલગીરી વ્યક્ત કરતાં વીડિયોમાં રાજભાએ આગળ જણાવ્યું છે કે મને ઘણાએ એવું પણ કહ્યું કે અમે પણ મહેમાનગતિ કરીએ છીએ, રોટલા ખવડાવ્યા છે. જે લોકો મહેમાનગતિ કરે છે અને આપણી સંસ્કૃતિ સાચવે છે તેને વંદન છે. હું તો જે લોકો લૂંટી લે છે તેમનું બોલ્યો છું. એ જંગલમાં બીજા કોઇ લૂંટારા ક્યાંકથી આવીને પણ લૂંટી લેતા હોય. હું આદિવાસી એવો શબ્દ નથી બોલ્યો.

મેં આદિવાસી સમાજની સારી વાતો કરી છેઃ રાજભા

દરેક સમાજની સારી વાતો કરી હોવાના દાવા સાથે રાજભાએ ઉમેર્યું કે હું લોકસાહિત્યનો માણસ છું. મેં દરેક જ્ઞાતિની સારી વાતો કરી છે. કોઇ સમાજને દુઃખ થાય એવી વાત મેં આજ સુધી કરી નથી. આજે પણ મેં સમાજના નામથી વાત નથી કરી. એક પ્રાંતનું નામ લેતાં-લેતાં દાખલામાં આવ્યું હોય તો એ પ્રાંતમાં તો કોઇપણ આવીને કંઇપણ કરી શકે. ઘણાં વર્ષો પહેલાં બીજા રાજ્યમાંથી આવીને ગીરમાં સિંહ મારી ગયા હતા એ દાખલો આપણે જોયો છે. ડાંગવાળા જ આ કરે છે એવું નહીં, પણ ત્યાં લૂંટી લે છે એવું છે. મેં આદિવાસીભાઇઓની ખૂબ સારી વાતો કરી છે. ભગવાન બિરસા મુંડાથી લઇને ફાંસિયા વડની વાતો કરે છે. મેં કહ્યું છે કે આદિવાસીઓ અંગ્રેજો સામે કાળઝાળ થઇને લડ્યા હતા તેનો ઇતિહાસ બહાર આવ્યો જ નથી. મારે એની વાતો બહાર લાવવી છે. આવું હું ઘણી જગ્યાએ બોલ્યો છું.

રાજભાએ દિલગીરી વ્યક્ત કરી

પોતાના નિવેદનને અન્ય કોઇ અર્થમાં ન જોવાની અપીલ કરતાં તેઓ કહે છે, આદિવાસીબંધુઓ મારા નિવેદનને સાચી રીતે જુએ, ગેરસમજ ન કરે. મારા બોલવાથી કોઇને દુઃખ થયું છે એ ખબર પડતાં મને પણ બહુ દુઃખ થયું છે. હું બહુ દિલગીરી વ્યક્ત કરું છું. હું કોઇ જ્ઞાતિ-જાતિનો શબ્દ જ નથી બોલ્યો. હું પણ વનબંધુ છું, તમે છો તેમ હું પણ ST સમાજમાંથી આવું છું. બધા જે વડીલો આદિવાસી વિસ્તારોમાંથી બોલ્યા છે તેમની લાગણીને પણ હું માન આપું છું, પણ એવી કોઇ જ્ઞાતિ-જાતિની વાત જ મેં નથી કરી. આ પૂરું કરીને એક ભાઇ તરીકે આપ બધા સાચી રીતે જુઓ.

મેં આદિવાસી સમાજના ઇતિહાસની ખૂબ વાતો કરી છેઃ રાજભા

તેમણે જણાવ્યું હતું કે મેં આદિવાસી સમાજના ઇતિહાસની ખૂબ વાત કરી છે એટલે એ સારો પોઇન્ટ છે એ પણ તમે જોજો. કોઇ પ્રાંતમાં તો કોઇ ઘટના બને એ તો કોણ આવીને કરી ગયું, એ ઘટના ક્યાંક બની હોય એ મારા મગજમાં આવી ગઇ એટલે હું બોલ્યો છું.

વિદેશમાંથી ડાંગમાં અને સાપુતારામાં લોકો આવે છે: ધવલ પટેલ

લોકસભાના દંડક અને વલસાડ લોકસભા બેઠકના સાંસદ ધવલ પટેલે સંદેશ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું કે મને તેમનો માફીવાળો વીડિયો કોઈએ હમણાં જ સોશિયલ મીડિયાથી મોકલ્યો હતો એ મેં આખો જોયો. તેમણે જે કહ્યું છે એ મારા મતે તો માન્ય નથી જ. સમગ્ર ગુજરાતના ક્રાઈમ રેટની સરખામણીએ ડાંગમાં સૌથી ઓછો ક્રાઈમ રેટ છે. અહીં સમગ્ર ગુજરાત, ભારત અને વિદેશમાંથી ડાંગમાં અને સાપુતારામાં લોકો આવે છે. જો આવું લો એન્ડ ઓર્ડરનું હોત તો દર વર્ષે અહીં આવતા લોકોની સંખ્યામાં વધારો ન થતો હોત.

આદિજાતિ વિકાસમંત્રી કુંવરજી હળપતિએ કહ્યું હતું કે

સુત્રોના જણાવ્યા અનુસાર આદિજાતિ વિકાસમંત્રી કુંવરજી હળપતિએ કહ્યું હતું કે, રાજભાએ જાહેરમાં માફી માંગવી પડશે, નહીંતર તેમના ડાયરા નહીં થવા દઇએ.

અમારું ડાંગ સુરક્ષિત અને શાંત છે: ધવલ પટેલ

સાંસદ ધવલ પટેલે વધુમાં કહ્યું હતું કે અમારા માટે તો આ યોગ્ય નથી જ, કોઈ વિસ્તારને સારો બતાવવા માટે અમારા વિસ્તારને ખરાબ બતાવવાની જરૂર નહોતી, કેમ કે તેમના નિવેદનથી બિલકુલ વિપરીત છે. અમારું ડાંગ સુરક્ષિત અને શાંત છે. આદિવાસી લોકો સેવાભાવી અને આવકારવાવાળા લોકો છે એટલા માટે જ અમે તેમને માફી માગવા કહ્યું હતું.

સાંસદે રાજભાને ચેતવણી આપી

તેમણે ઉમેર્યું, ડાયરામાં રાજભા જે બોલ્યા હતા એ બાબતે અત્યારે દરેક પાર્ટીના લોકો એક થઈ ગયા છે. અમારા આદિવાસી સમાજના દરેક લોકો પછી ભલે તે ગામીત સમાજ હોય કે ધોડિયા પટેલ સમાજ હોય, કુકડા સમાજ હોય કે પછી ભીલ કે ચૌધરી સમાજ હોય, આ બધા જ મારી પાસે આવ્યા હતા. તેમણે તેમની વેદના રજૂ કરી હતી કે રાજભાએ આ ખૂબ જ ખોટું કહ્યું છે એટલે આ બાબતે બધાને બહુ જ આક્રોશ છે. હવે રાજભાને એક જ ચેતવણી આપું છું કે આવનારા દિવસમાં અમારા આદિવાસી સમાજ કે ડાંગ વિશે કોઈપણ ટિપ્પણી ન કરે.



Source link

RATE NOW
wpChatIcon
wpChatIcon