- કડીના કાર્યક્રમમાં રાજકારણની વાસ્તવિક્તા વર્ણવતા પૂર્વ નાયબ મુખ્યમંત્રી
- કામ કરનારા, ટેકો આપનારા, મદદ કરનારા લોકોની મદદથી મોટા માણસ થવાય
- એકબીજાને મદદ કરવી અને ટેકો આપવો તે આપણા સંસ્કાર : નીતિન પટેલ
કડી શહેરમાં નાની કડી રોડ સ્થિત 27 સમાજ સરદાર યુવક મંડળ ખાતે રવિવારે રક્તદાન કેમ્પ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલનો ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજાયો હતો. રક્તદાન કેમ્પ બાદ ડી. જે. પટેલ કન્યા વિદ્યાલયમાં યોજાયેલી જાહેરસભામાં નીતિન પટેલે રાજકારણની કડવી વાસ્તવિકતા રજૂ કરતા જણાવ્યું હતું કે, અમારા રાજકારણમાં શું હોય છે કે હું એકલો જ આગળ આવું, મારો એકલાનો જ ફોટો પડે, બીજા કોઈને દેખાવા નહીં દેવાના એવી પદ્ધતિ હોય, પરંતુ અહીં હું એકલો નહીં પણ બધાને આગળ કરો, જેમાં સાથી કાર્યકરો, સભ્યો, બોલાવેલા બધા મહેમાનો એક-એક જણનું કાર્યકરો દ્વારા સ્વાગત કર્યું તે બદલ હું મુકેશભાઈને અભિનંદન પાઠવું છું.
નીતિનભાઇએ ઉમેર્યું કે, મોટો માણસ ક્યારે થાય ? જ્યારે તેની પાછળ કામ કરનારા લોકો હોય, ટેકો આપનારા, મદદ કરનારા લોકો હોય. હું આ કક્ષાએ ત્યારે પહોંચ્યો જ્યારે તમારા જેવા હજારો લોકોએ મદદ કરી. મેં એકલાએ કડી, મહેસાણા કે ગુજરાતનો વિકાસ નથી કર્યો, પરંતુ મારી સાથે અનેક બુદ્ધિજીવી, દીર્ઘ દ્રષ્ટિવાળા લોકો જોડાયા એટલે વિકાસની કેડી કંડારી શક્યો. એકબીજાને મદદ કરવી અને ટેકો આપવો તે આપણા સંસ્કાર છે.