Chhotaudepur Death Incident : છોટાઉદેપુર જિલ્લામાં પ્રસૂતાને ઝોળીમાં નાખીને લઈ જતી વખતે મૃત્યુ થયું હતું. આ ગંભીર ઘટનાને લઈને સરકાર અને પ્રશાસન સામે લોકોએ રોષ ઠાલવ્યો હતો. તો ગુજરાત હાઈકોર્ટે પણ તેની ગંભીરતાની નોંધ લઈ સુઓમોટો રિટ દાખલ કરી સરકારને ફટકાર લગાવી હતી. જેથી સરકારે રાતોરાત છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના તુરખેડા ખાતે રૂ.18.50 કરોડના ખર્ચે 9 કિલોમીટરનો રસ્તો મંજૂર કર્યો છે.
એકના મોત બાદ રસ્તો બનાવાની મંજૂરી
આ ઘટના બાદ માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાત્કાલિક આ રોડને મંજૂર કર્યો છે. જેમાં તુરખેડા ગામના હાંડલાબારી ફળિયાથી ગીરમટીયા આંબા ફળિયા અને બસ્કરીયા ફળિયાને જોડતો 9 કિલોમીટર લાંબો રોડ બનાવવામાં આવશે.
શું હતી આખી ઘટના?
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના તુરખેડા ગામે પ્રસૂતાને ઝોળીમાં નાખીને લઈ જતી વખતે મૃત્યુ થયું હતું. માતાના મૃત્યુ બાદ તેના ચાર બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી છે. તુરખેડા ગામમાં 12 ફળિયા છે, જ્યારે આ ફળિયામાં આઝાદીના આટલા વર્ષો પછી પણ રસ્તાની સુવિધા ન હોવાથી 108 એમ્બ્યુલન્સ ગામ સુધી પહોંચી શકતી નથી. જ્યારે આ ઘટનામાં હાઈકોર્ટે સુઓમોટો દાખલ કરીને મુખ્ય સચિવ પાસે ખુલાસો માંગ્યો હતો.