- એકટીવાની સીટ નીચે દારુની બોટલ સંતાડી હતી
- ઘરમાંથી વધુ દારુ-બિયરનો જથ્થો મળ્યો
- કુલ 88 હજારની કિંમતનો દારુ તથા બિયરની 765 નંગ બોટલો કબજે
દહેગામના રખીયાલમાં એક બુટલેગર બજારમાં વિદશી દારુ વેચવા માટે નીકળ્યો હતો ત્યારે રંગેહાથ પોલીસની ઝપટમાં આવી ગયો હતો. એક્ટીવાની સીટના નીચે સંતાડીને બોટલ વેચવા જતો હતો. આ મામલે પોલીસે છેક ઘર સુધી તપાસ કરતા ના ઘરના પાણીયારા નીચેથી વિદેશી દારુ તથા બિયરની વધુ 765 નંગ બોટલો મળી આવી હતી.જથ્થો પોલીસે કુલ 88 હજારની કિંમતનો દારુ તથા બિયરની 765 નંગ બોટલો કબજે કરીને ઝડપાયેલા ઇસમ વિરુધ્ધ પ્રોહીબીશન મુજબ ગુનો નોંધ્યો હતો.
આ અંગે મળતી વિગતો મુજબ રખીયાલ પોલીસને એક ઇસમ એક્ટીવા નંબર જીજે.09.ડીએચ.9745માં વિદેશી દારુ લઇને રખીયાલના બજારમાં છુટકમાં વેચવા માટે નીકળ્યો હોવાની બાતમી મળી હતી. આ હકીકતના આધારે પોલીસ રખીયાલ બસસ્ટેન્ડ પાસે વોચમાં ગોઠવાઇ ગઇ હતી. દરમિયાન બાતમીવાળો એક્ટીવા ચાલક નીકળતાં તેને રોકી પુછતાછ કરતાં કિશન દશરથભાઇ રાવળ (રહે. આવકાર સોસાયટી, રખીયાલ બજાર , રેલવે ગરનાળા નજીક) હોવાનુ જણાવ્યુ હતુ. એકટીવાની સીટના નીચે સંતાડેલી વિદેશી દારુની બોટલ મળી આવતા વધુ પુછપરછ કરતા તેના ઘરેથી બોટલ લાવ્યો હોવાની હકીકત જણાવી હતી. પોલીસે રખીયાલ બજારમાં આવેલી આવકાર સોસાયટીમાં તેના ઘરે તપાસ કરતા રસોડામાં પાણીયારાની નીચેથી વિદેશી દારુ તથા બિયરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કુલ 88 હજારની કિંમતની 765 બોટલ તથા ટીન કબજે કર્યા હતા. એક્ટીવા સહીત કુલ 1.23 લાખનો મુદ્દામાલ કબજે કરીને ઝડપાયેલા બુટલેગર કિશન રાવળ વિરુધ્ધ પ્રોહીબીશન મુજબ ગુનો નોંધ્યો હતો.