UK Work Visa: યુકે વર્ક વિઝાનું પ્રમાણ ગત વર્ષની તુલનાએ 20 ટકા ઘટ્યું છે. જુન 2023માં 9,06,000 વિઝા સામે ચાલુ વર્ષે જુન 2024 સુધીમાં 7,28,000 વિઝા જારી કરવામાં આવ્યા હતાં. જો કે યુકેના નોન-ઇયુ ઇમિગ્રન્ટ તરીકે ભારતીયો સૌથી વધારે છે. સ્ટડી અને વર્ક વિઝા બંનેમાં ભારતીયો ટોચ પર છે. જુન 2024ના અંતે સ્ટડી અને વર્ક વિઝા બંને કેટેગરીમાં થઈ કુલ 2.40 લાખ ભારતીયોને વિઝા મળ્યા હતા. આ વિઝા નોન ઇયુ ઇમિગ્રન્ટમાં બીજા કોઈ દેશના લોકોને મળેલા વિઝામાં સૌથી વધુ છે.
ભારતીય વિદ્યાર્થીઓએ યુકે યુનિવર્સિટીને ઉગારી
ભારતીય વિદ્યાર્થીઓના લીધે યુકેની યુનિવર્સિટીઓને નાણાકીય ખોટમાંથી બહાર આવવામાં મદદ મળી છે. જો કે બ્રિટિશ વડાપ્રધાન સ્ટારમેર જુન 2023ના 9,06,000 વિઝાના આંકડાથી ખુશ નથી. તેઓ ઇચ્છે છે કે કાયદેસરના ઇમિગ્રન્ટ્સનો આંકડો આનાથી પણ નીચો જાય. તેમણે હંમેશા કન્ઝર્વેટિવ્સની ઇમિગ્રેશન પોલિસીઓ બદલ આકરી ટીકા કરી હતી. કન્ઝર્વેટિવ્સે બહારના લોકો માટે દેશની સરહદો ખુલ્લી મૂકી હતી. કન્ઝર્વેટિવ પાર્ટી વારંવાર ઇમિગ્રેશનનો આંકડો નીચે લઈ જવાનું વચન આપતી હતી અને તેનું પાલન કરવામાં વારંવાર નિષ્ફળ જતી હતી. જેથી તેને ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો.
આ પણ વાંચોઃ વિદેશ અભ્યાસ માટે એજ્યુકેશન લોન લેવા માગો છો? આ બાબતોને ધ્યાનમાં રાખશો તો થશે ફાયદો
ઈમિગ્રાન્ટ્સમાં 20 ટકાનો ઘટાડો કર્યો
ભૂતપૂર્વ કન્ઝર્વેટિવ પ્રધાનોએ માઇગ્રેશનમાં 20 ટકાના ઘટાડાને દર્શાવીને તેમના રેકોર્ડને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો. નોન ઇયુ ઇમિગ્રન્ટમાં ભારતીયોને 1,16,000 વર્ક વિઝા અને 1,27,000 સ્ટડી વિઝા આપવામાં આવ્યા હતા. ભારતીય વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ માટે પરંપરાગત ધોરણે યુકેની પસંદગી કરે છે. તેમા પણ માસ્ટર્સ લેવલે 81 ટકા ગ્રાન્ટેડ વિઝા પોસ્ટગ્રેજ્યુએટ અભ્યાસ માટે હતા. સ્ટુડન્ટ માઇગ્રેશનમાં વધારો થવાનું કારણ 2021માં રજૂ કરાયેલા ગ્રેજ્યુએટ રૂટ વિઝા છે, જે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સને યુકેમાં બે વર્ષ રહેવાની છૂટ આપે છે. આમ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ તેનો અભ્યાસ પૂરો કર્યા પછી યુકેમાં બે વર્ષ રહી શકે છે. યુકેના પોસ્ટ સ્ટડી વિઝા પ્રોગ્રામમાં ભારતીયોનું પ્રભુત્વ છે.