Moti Daman Theft incident : મોટી દમણમાં એક NRI પરિવારના ત્યાંથી ચોરોએ 1 કરોડનું સોનું અને 8000 યુકે પાઉન્ડની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. આ સાથે ચોરોએ પરિવારના ઘરની સામે આવેલા મંદિરની દાનપેટીને તોડીને તેમાંથી પણ રોકડ રકમ ચોરી કરીને ભાગી ગયા હતા. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી. મળતી માહિતી મુજબ, દમણમાં ટંડેલ પરિવારના ઘરમાંથી 1 કરોડનું સોનું અને 8000 યુકે પાઉન્ડની ચોરી કરીને ચોર ફરાર થઈ ગયા હતા. આ મામલે પોલીસને જાણ કરતાંની સાથે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, મોટી દમણના મંદિર શેરીમાં ઇશ્વરભાઇ ગોપાલભાઈ ટંડેલના ઘરે ચોરી થઈ છે. આખો પરિવાર લંડનમાં સ્થાયી થયેલો છે. હાલ તેઓ ફરવા માટે ભારત આવેલા છે. ગત 27 ફેબ્રુઆરીની રાત્રે 2 કલાક પછીના કોઈ સમયે અજાણ્યા ચોર તસ્કરો બંધ ઘરના મુખ્ય દરવાજાને તોડી ઘરમાં પ્રવેશી બેડરૂમમાં મૂકેલા કબાટના લોકરમાંથી અંદાજિત 1 કરોડની આસપાસનું સોનું અને રોકડા 8 હજાર યુ.કે. પાઉન્ડની ચોરી કરી હતી. ત્યારબાદ તસ્કરો ઘરની સામે આવેલા શ્રી રણછોડરાયજી મંદિરની દાનપેટીને તોડી અંદરથી 20થી 25 હજાર જેટલી રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
આ પણ વાંચો: અંબાજીના માઈ ભક્તો માટે અગત્યના સમાચાર, ગબ્બર રોપ-વે 6 દિવસ બંધ, જાણો કારણ
સમગ્ર ઘટના મામલે વલસાડ એફ.એસ.એલ અને ડોગ સ્ક્વોર્ડની ટીમ દ્વારા તપાસની કામગીરી હાથ ધરવામાં આવી છે. જ્યારે ચોરીની આ ઘટનાને લઈને અલગ અલગ એંગલથી પોલીસે તપાસ આદરી.