Umreth News : ગત શનિવારે આણંદ જિલ્લાના ઉમરેઠ ગામના લાલ દરવાજા નજીક રામ તળાવ પાસે ત્યજી દીધેલી હાલતમાં એક મૃત નવજાત બાળક મળી આવ્યું હતું. જે મામલે પોલીસે સઘન તપાસ કરતા આ બાળકને એક માનસિક દિવ્યાંગ યુવતીએ જન્મ આપ્યો હોવાનું સામે આવ્યું હતું. નવજાત બાળકી મૃત હાલતમાં મળ્યા બાદ તપાસમાં નવો વળાંક આવ્યો છે. યુવતીના પિતાએ ઉમરેઠના BAPS મંદિરના પૂજારીએ દુષ્કર્મ આચરીને પોતાની પુત્રીને ગર્ભવતી બનાવી હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. પીડિતાના પરિવારજનોએ જણાવ્યું છે કે, ‘BAPS મંદિરના પૂજારીએ અમારી મંદબુદ્ધિની દીકરીને ધાકધમકી આપીને દુષ્કર્મ ગુજાર્યું હતું. મારી દીકરીને પૂજારીએ દુષ્કર્મ આચરીને ગર્ભવતી બનાવી છે.’ ઉમરેઠ પોલીસે ભોગ બનનારી યુવતીના પરિવારની અરજી લઇને વધુ તપાસ શરૂ કરી છે.
મારી દીકરીને પૂજારીએ દુષ્કર્મ આચરીને ગર્ભવતી બનાવી : પીડિતાના પિતા
પીડિતાના પિતાએ જણાવ્યું છે કે, “આ સ્વામિનારાયણ મંદિરની જ્યારથી ઈંટ મૂકી છે ત્યારથી મારા બા આ મંદિરમાં કામ કરતાં હતાં. મારા બાના અવસાન બાદ મારી પત્ની અને દીકરી અહીં કામ કરતાં હતાં. મારી પુત્રી મંદબુદ્ધિની છે અને તે બપોરે ટિફિન લેવા માટે મંદિરે જતી હતી. આ દરમિયાન મંદિરના પૂજારીએ દુષ્કર્મ કરીને મારી દીકરીને ગર્ભવતી બનાવી હતી.
તે ગઈકાલે સવારે ઘરની બહાર શૌચાલય જવા ગઈ ત્યારે જ બાળક જન્મી ગયું હતું. મારી દીકરીને બ્લિડિંગ વધારે થતું હોવાથી અમે બાળકને ત્યાંજ મૂક્યું અને દીકરીને નડિયાદ સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. બાદમાં અમે ત્યાંથી વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઈ જવાઈ છે. હાલ, મારી દીકરી સારવાર હેઠળ છે. મંદિરના પૂજારીએ મારી દીકરીને છરી મારીને જાનથી મારી નાખીશ તેવી ધમકીઓ પણ આપી હતી. એટલે મારી દીકરીએ કોઈને જણાવ્યું ન હતું. અમને ન્યાય મળે અને આવું કૃત્ય કરનારને સજા થાય તેવી અમારી માગ છે.”
મને ફસાવવામાં આવી રહ્યો છે : પૂજારી કાંતિ વાઘેલા
જે પૂજારી પર દુષ્કર્મનો આક્ષેપ કરવામાં આવ્યો છે તે પૂજારીએ આરોપને નકાર્યા છે. પૂજારી કાંતિ વાઘેલાએ જણાવ્યું હતું કે, આ મને ફસાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. આ યુવતી અવાર-નવાર મંદિરમાં જમવાનું લેવા આવતી હતી. કોઈ દિવસ જમવાનું ના આપતા આ પ્રકારનો આરોપ લગાવ્યો છે. છેલ્લે ત્રણ મહિના પહેલાં તે ખાવા લેવા આવી હતી, પછી આવી જ નથી. મને ફસાવવા માટે આ બધું કર્યું છે.
આ ઘટના ખુબ દુર્ભાગ્યપૂર્ણ છે : અમિત ચાવડા
પૂજારી દ્વારા દુષ્કર્મના આરોપ પર અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું છે. અમિત ચાવડાએ કહ્યું છે કે, પ્રાથમિક મળેલી માહિતી મુજબ આ ઘટના ખૂબ દુર્ભાગ્યપૂર્ણ છે. ધાર્મિક સંસ્થાના સંત દ્વારા આવું કૃત્ય આઘાતજનક છે. આવું કૃત્ય ધર્મ અને તેની સાથે જોડાયેલા માટે આઘાતજનક છે. ઘટનાની ચોક્કસ તપાસ થવી જોઈએ. કોઈપણ સંપ્રદાયના સંત હોય, તેને ખુલ્લો પાડવો જોઈએ. તેની સામે કડક કાર્યવાહી થવી જોઈએ.
યુવતી કાંઈ બોલી નથી, તપાસ ચાલુ છે : ઉમરેઠના PSI પાવરા
આ અંગે ઉમરેઠના PSI પાવરાએ જણાવ્યું છે કે, ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવેલી મૃત બાળકીને જન્મ આપનાર યુવતી હાલ અમદાવાદની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ યુવતીના પિતાએ મંદિરના પુજારી ઉપર દુષ્કર્મના આક્ષેપ મુક્યો છે. આ આક્ષેપના આધારે અમે બાળકને જન્મ આપનાર યુવતીની પુછપરછ કરી હતી. પરંતુ, યુવતી કાંઈ બોલી નથી. હાલ, તપાસ ચાલુ છે.