શક્તિપીઠ અંબાજી મંદિરમાં સાતમા નોરતે શક્તિની અનોખી ભક્તિના દ્રશ્યો જોવા મળ્યા હતા. યાત્રાધામ અંબાજીમાં 501 દિવડાની આરતી કરવામાં આવી હતી. સાતમા નોરતે ચાચરચોકમાં હૈયેથી હૈયું દળાય તેવી ભીડ જોવા મળી હતી. મોટી સંખ્યામાં ભક્તો ગરબે ઘુમ્યા હતા. ત્યારે એક માઈ ભક્તએ 501 દિવડાની આરતી ઉતારી. સતત 21 વર્ષથી રોહિતભાઈ પટેલ પોતાના શરીરે લોખંડની ફ્રેમમાં દિવાની ગોઠવણી કરીને નવરાત્રિમાં માં અંબાની આરતી ઉતારી શક્તિની આરાધના કરે છે. આણંદના લિંગડા ગામના ખેડૂતે સારી ખેતીવાડી અને વ્યવસાય થતા માતાજીની 501 દિવડાની આરતીની ટેક લીધી હતી, જે પુરી થતા વર્ષોથી પોતાની પરંપરા જાળની રાખી છે. તેમની સાથે મોટી સંખ્યામાં ખેડૂતો અંબાજી મંદિર આવે છે અને સાતમા નોરતે માતાજીની આરાધના કરે છે. ઝળહળતા દીવા સાથે માતાજીની આરાધના થતી જોઈ ચાચરચોકમાં ઉપસ્થિત ભક્તો પણ આસ્થાના રંગમાં રંગાઈ ગયા.
Source link