- મામલતદારને આવેદનપત્ર આપી પગાર વધારવા રજૂઆત કરી હતી
- કમ્પ્યુટર ઓપરેટરોને આઉટ સોર્સિંગ એજેંસીઓ દ્વારા કોન્ટ્રાક્ટ ઉપર રાખવામાં આવે છે
- ઓછા પગારમાં અમારું ઘર ચાલતું ના હોવાથી પગાર વધારવાની માગ
મહેમદાવાદ જનસેવા કેન્દ્ર/એટીવીટીમાં ફરજ બજાવતા આઉટ સોર્સિંગ કર્મચારીઓએ મામલતદારને આવેદનપત્ર આપી પગાર વધારવા રજૂઆત કરી હતી.
મામલતદાર કચેરીમાં જનસેવા કેન્દ્ર/એટીવીટીમાં ફરજ બજાવતા આઉટ સોર્સિંગ કર્મચારીઓ રોજ સવારે વહેલા આવે છે. સાંજે મોડા સુધી રોકાય છે. સરકારના કેટલાય ડેટાં સાચવવાનું કામ કરે છે. સરકારી કામોમાં સગવડતાનું ધ્યાન રાખે છે. સેવાસેતુ જેવા કાર્યક્રમોમાં ભાગીદાર બંને છે. ત્યારે આવા કમ્પ્યુટર ઓપરેટરોને આઉટ સોર્સિંગ એજેંસીઓ દ્વારા કોન્ટ્રાક્ટ ઉપર રાખવામાં આવે છે. તેમને પગાર પાંચ હજારથી પ,500 જેટલો જ હોય છે. તેમનું ટીએડીએ પણ નથી કપાતું. જેથી શનિવારે મામલતદાર કચેરી ખાતે જનસેવા કેન્દ્ર / એટીવીટીમાં ફરજ બજાવતા આઉટ સોર્સિંગ કર્મચારીઓએ ભેગા મળીને મહેમદાવાદ મામલતદારને આવેદન પત્ર આપ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે અમારો પગાર માત્ર ખૂબ ઓછો છે. આટલા ઓછા પગારમાં અમારું ઘર ચાલતું ના હોવાથી અમારો પગાર પાંચ હજારથી વધારી ને સરકારના ધારાધોરણો પ્રમાણે લઘુતમ વેતન ધારા પ્રમાણે રૂ. 10થી 15 હજાર સુધી કરી આપવા માટે આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી.