- વાલીઓ-બાળકોએ શિક્ષિકાની બદલી ના થાય તે માટેના કચેરી બહાર સૂત્રોચારો કર્યા
- બાળકો-વાલીઓ મને જવા દેવા માગતા નથી
- વાલીઓએ મહેમદાવાદ તાલુકા પંચાયત કચેરીનો ઘેરાવ કર્યો હતો
મહેમદાવાદ શહેરના ટેકરીઓ વિસ્તારના માધવપુરા પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષિકા અર્ચનાબેન ગોહિલની બદલી કતારપુરા પ્રાથમિક શાળામાં થતા માધવપુરા પ્રાથમિક શાળાના બાળકો, વાલીઓએ મહેમદાવાદ તાલુકા પંચાયત કચેરીનો ઘેરાવ કર્યો હતો. જેથી તાલુકા પંચાયત કચેરીને અંદરથી બંધ કરી પોલીસે જાણ કરાતા મહેમદાવાદ પોલીસે તાલુકા પંચાયત પહોંચી PSI ડી.કે રાઠોડે બાળકોને શિક્ષણ ખાતાની તેમજ બદલી બાબતેની સમજ આપીને બાળકોને શાળાએ પાછા મોકલ્યા હતા.
બાળકો-વાલીઓ મને જવા દેવા માગતા નથી :શિક્ષિકા
શિક્ષિકા અર્ચનાબેન ગોહિલે જણાવ્યું કે હું પહેલા કતરપુર પ્રાથમિક શાળામાં હતી. અહીં મારી બદલી થયા પછી મેં મારું લોહી રેડી બાળકોને શાળાએ આવતા કર્યા છે. તેથી આ બાળકો કે તેમના વાલીઓ મને અહીંથી જવા દેવા માંગતા નથી. વાલીઓએ કહ્યું હતું કે જો મારી બદલી કરાશે તો શાળાને તાળું મારી દેવાશે.
આખા રાજ્યનો પ્રશ્ન છેઃ ડી.પી.ઓ પટેલ
જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે જે તે સમયે શિક્ષકો જ હાકોર્ટમાં ગયા હતા. હવે હાઇકોર્ટે તેમની ફ્વરનો હુકમ કર્યો છે. આ પ્રશ્ન આખા રાજ્યનો છે અને હુકમ હાઇકોર્ટનો છે કે તાત્કાલિક દરેક શિક્ષકને તેમના મૂળ ગામમાં પાછા મુકવા અને ખેડા જિલ્લામાં કુલ 43 શિક્ષકો આવા છે જેમની બદલી થઈ છે કોઈ શિક્ષકનો સ્વભાવ સારો હોય તો આવું બને છે.