• આયુષ હોસ્પિટલ માટે અધિક્ષકથી લઈ તમામ વર્ગના મળી 27 કર્મચારીની પણ ફાળવણી
• હોસ્પિટલ માટે 4.50 કરોડની ગ્રાંટ ફાળવી જે છેલ્લા પાંચ વર્ષથી પી.આઈ.યુ.ના ખાતામાં પડી છે
• આયુર્વેદિક હોસ્પિટલ કેમ બનતી નથી તે પણ એક મોટો પ્રશ્ન ઉભો છે
સુરત જિલ્લા મુખ્યત્વે આદિવાસી વસ્તી ધરાવતો વિસ્તાર છે. જ્યાં રાજ્ય સરકાર દ્વારા જિલ્લાના અને આદિવાસી સમાજ સર્વાંગી વિકાસ માટે વિકાસલક્ષી વિવિધ યોજના થકી વિશિષ્ટ ગ્રાંટની ફાળવણી કરાય છે. જેમાં આદિવાસી વિસ્તારના નાગરિકો પણ સમાજના અન્ય વર્ગના લોકોની જેમ ભાવિ ભારતના ઘડતરમાં ખભાથી ખભો મિલાવી સહભાગી થાય તે હેતુથી તમામ સુવિધા રાજ્ય સરકાર દ્વારા ઉપલબ્ધ કરાય છે. બારડોલીમાં રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા 4.50 કરોડના ખર્ચે હોસ્પિટલના અધિક્ષક વર્ગ 1 થી લઈને કુલ 27 કર્મચારીનું મહેકમ સાથે મંજુર કરેલી સરકારી આયુષ હોસ્પિટલનું નિર્માણ છેલ્લા પાંચ વર્ષ થવા છતાં થયુ નથી.
જ્યારે સમગ્ર વિશ્વ ભારતની ધરોહર સમાન આયુર્વેદના ગુણગાન ગાઈને ભારતીની વર્ષો જુની આ આયુર્વેદને અપનાવી તેને રોજીંદા જીવનમાં સ્વીકારી રહ્યુ છે. ત્યારે બારડોલીમાં મંજુર થયેલી આયુર્વેદિ સરકારી આયુષ હોસ્પિટલ હજુ સુધી બની નથી. આ અંગે કોઈને પડી નથી તેવી અનુભુતિ થઈ રહી છે. દિવસે દિવસે લોકજાગૃતિના કારણે લોકોમાં આયુર્વેદની દવાઓની લોકચાહના વધી રહી છે અને તબીબી સંશોધન પ્રમાણે જોવા જઈએ તો એલોપથી ઉપચારની સામે આયુર્વેદિક ઉપચાર ખૂબ જ કારગત અને સફળ ઉપચાર કહી શકાય જેનુ જમા પાસુ એ છે કે આની કોઈપણ આડઅસરો થતી નથી. તેવા સંજોગોમાં રાજ્ય સરકારે બારડોલીમાં મંજુર કરેલી સરકારી આયુષ હોસ્પિટલનો આખો પ્રોજેક્ટ કોણે ફાઈલમાં ધરબી દીધો છે તે સરકાર માટે પણ તપાસનો વિષય છે. રાજ્ય સરકારે સરકારી આયુષ હોસ્પિટલ બારડોલીમાં બને તે માટે રૂા.4.50 કરોડની ગ્રાંટ ફાળવી છે. સરકારી હોસ્પિટલ માટે ફળવાયેલી આ ગ્રાન્ટ પી.આઈ.યુ.ના ખાતામાં છેલ્લા પાંચ વર્ષથી પડી છે.
ત્યારે સુરત જિલ્લાના બારડોલીને મળેલી આ આયુર્વેદિક હોસ્પિટલ બાબતે સુરત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સેવાતી સુષુપ્તા આશ્ચર્ય પમાડે તેવી ઘટના કહી શકાય તેમ છે. આ અંગે સુરત જિલ્લા કલેક્ટર દ્વારા અભરાઈ પર મુકાયેલી ફાઈલ ઉતારી જિલ્લાના બારડોલી પ્રદેશમાં પ્રજાજનોના હિતમાં તાત્કાલિક અસરથી કાર્યવાહી કરી આયુર્વેદ હોસ્પિટલને કાર્યરત કરવાની દિશામાં કામગીરી કરાય એવી પ્રબળ લોકમાંગ ઉઠવા પામી છે. બારડોલીમાં ખાનગી હોસ્પિટલવાળા ગરીબો અને મધ્યમવર્ગીય પરિવારોનું લોહી ચુસી રહ્યા છે ત્યારે રાજ્ય સરકારે મંજુર કરેલી આયુર્વેદિક હોસ્પિટલ કેમ બનતી નથી તે પણ એક મોટો પ્રશ્ન ઉભો થયો છે.