- પરિવાર ગાબટથી મામેરું લઇને રણેચી આવ્યો હતો
- પત્ની અને પતિના કુટુંબીજનો પ્રસંગ બાજુ પર મૂકી સામસામે આવી ગયાં
- પત્નીએ પતિ સહિતના કુટુંબીજનો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી
બાયડ તાલુકાના રણેચી ગામે લગ્નપ્રસંગ સમરાંગણમાં ફેરવાયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.જેમાં કુંટુંબીજનો સાથે મામેરૂ લઇને ગયેલું દંપતિ ચાલુ વરઘોડાએ બાખડતાં મામલો બિચક્યો હતો.પતિના કુંટુંબીજનો અને પત્નિનો પિયરપક્ષ સામસામે આવી ગયો હતો. પતિએ પત્નીની મારઝૂડ કરી હતી અને બુટ્ટી ખેંચી કાઢતાં કાન લોહીલુહાણ થઇ ગયો હતો. ચાલુ વરઘોડાએ મારામારી થતાં નાસભાગ મચી હતી. ઇજાગ્રસ્તો બાયડ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દોડી આવ્યાં હતાં.
લગ્નસરાની મોસમ પૂરબહારમાં ખીલી ઉઠી છે. પાર્ટી પ્લોટોમાં શરણાના સૂર વાગી રહ્યા છે અને વરઘોડાઓમાં જાનૈયાઓ મન મૂકીને ફિલ્મી ગીતો પર ડાન્સ કરી રહેલા નજરે પડી રહ્યા છે. પરંતુ જ્યારે ચાલુ વરઘોડામાં છુટ્ટા હાથની મારામારી થાય ત્યારે લગ્નપ્રસંગ કેવી રીતે સમરાંગણમાં ફેરવાઇ જતો હોય છે તેવી જ એક ઘટના અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના રણેચી ગામે બની છે. જેમાં બાયડ તાલુકાના ગાબટ ગામે જોધાવાળા ફળિયામાં રહેતા પ્રિયંકાબેન હિતેશભાઇ ધીરૂભાઇ પટેલે (ઉં.વ.30) બાયડ પોલીસ સ્ટેશને નોંધાવેલી ફરિયાદ મુજબ, ગઇકાલે શનિવારે તા. 3જીના રોજ બાયડ તાલુકાના રણેચી ગામે રહેતા તેમના નણંદ શિલ્પાબેન કમલેશભાઇ પટેલના પુત્ર એટલે કે ફરિયાદીના ભાણેજ યશનો લગ્નપ્રસંગ હોઇ તેમના ઘેરથી મામેરૂ ભરવાનું હતું. આથી ફરિયાદી તેમના પતિ, પરિવાર, કુટુંબીજનો તેમજ તેમની બહેનો, બનેવીઓ, માતા સાથે સવારે દસેક વાગ્યાના અરસામાં ગાબટ જવા નીકળ્યા હતા. જ્યાં નણંદના ઘેર મામેરું કર્યું હતું. દિવસ દરમિયાન બધા રણેચી ખાતે હાજર હતાં. સાંજના સાતેક વાગ્યાના અરસામાં ભાણેજનો વરઘોડો નીકળતાં બધાં તેમાં જોડાયાં હતાં. દરમિયાનમાં ફરિયાદીનો નાનો દીકરો તેમની પાસે રડતાં રડતાં આવ્યો હતો અને કહેવા લાગ્યો હતો કે, પપ્પાએ તેને માર્યો છે. આથી માતાએ પુત્રને છાનો પાડયો હતો. આ સમયે તેમના પતિ હિતેશભાઇ અચાનક ત્યાં આવી ગયેલા અને પત્નીને પાછળથી જોરથી ધક્કો માર્યો હતો. ચાલુ વરઘોડાએ બબાલ થતાં પત્ની વરઘોડામાંથી બહાર નીકળી ગઇ હતી અને એકબાજુ ઉભી રહી ગઇ હતી. જેથી તેમના પતિ તેમની પાસે આવેલા અને ગુસ્સે થઇને બિભત્સ ગાળો બોલવા લાગ્યા હતા. તેમણે પત્નીને ધડાધડ લાફા ઝીંકી દીધા હતા. આથી વરઘોડાનો પ્રસંગ સમરાંગણમાં ફેરવાયો હતો. લોકો અવાચક થઇ ગયા હતા. પત્નીને પાડી દઇ પતિએ ગડાદાપાટુનો માર મારવાનો શરૂ કરતાં તેમની બહેનો, બનેવીઓ, પિયર પક્ષનાં સગાં આવી ગયાં હતાં અને તેમને વધુ મારમાંથી છોડાવ્યા હતા. આ સમયે તેમના પતિનું ઉપરાણું લઇને તેમના કુટુંબીજનો આવી ગયા હતા અને ફરિયાદીની ત્રણ બહેનોને ગડદાપાટુનો માર માર્યો હતો. તેમના બનેવીઓ સાથે ગાળાગાળી કરી ઝપાઝપી કરી હતી. આ ઝઘડા દરમિયાન પતિએ પત્નીના ગળામાં પહેરેલો સોનાનો સેટ, સોનાનું મંગળસૂત્ર અને સોનાની મગમાળા ખેંચતાં તૂટી ગઇ હતી. બુટ્ટી ખેંચી નાખતાં પત્નીનો કાન લોહીલુહાણ થઇ ગયો હતો. ફરિયાદી પક્ષને જાનથી મારી નાખવાની ધમકી અપાઇ હતી.
ફરિયાદી પ્રિયંકાબેનને કાનમાંથી લોહી વહેતું હોઇ બાયડ સરકારી હોસ્પિટલમાં આવી સારવાર કરાવવી પડી હતી. તેમણે પતિ, કુટુંબીજનો સહિત નવ શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતાં બાયડ પોલીસે તપાસ હાથ ધરી છે.
મારામારીના બનાવ મામલે કોની કોની સામે ફરિયાદ નોંધાઇ ?
હિતેશભાઇ ધીરૂભાઇ પટેલ, વસંતભાઇ પુંજાભાઇ પટેલ, રાકેશભાઇ કાંતીભાઇ પટેલ, જનકભાઇ કાંતીભાઇ પટેલ, અંશ રાકેશભાઇ પટેલ, મયુરભાઇ ધીરૂભાઇ પટેલ, મયંકભાઇ સુરેશભાઇ પટેલ, રવીકુમાર વસંતભાઇ પટેલ (તમામ રહે. ગાબટ, તા. બાયડ, જિ. અરવલ્લી), ઇશાન અતુલભાઇ પટેલ(રહે. રણેચી, તા. બાયડ, જિ. અરવલ્લી)