- રજાના દિવસ દરમિયાન ડુંગર પર ખાનગી વાહનો પર પ્રતિબંધ મૂકાયાં લોકો અટવાયાં
- 50 ઉપરાંત એસ.ટી બસમાં 33000 યાત્રાળુઓએ યાત્રા કરી ધન્યતા અનુભવી
- તળેટીના પાર્કિંગ પ્લોટમાં પાર્ક કરી એસટી બસમાં ડુંગર પર જવાની ફરજ પડી હતી
પંચમહાલના સુપ્રસિદ્ધ યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢ ખાતે રવિવારે દોઢ લાખ જેટલા માઇ ભક્તો માતાજીના દર્શનાર્થે તેમજ ડુંગરપરનો કુદરતી નજારો માણવા માટે વહેલી સવારથી જ આવી પહોંચ્યા હતા. જોકે રવિવારની રજાના દિવસ દરમિયાન ડુંગર પર ખાનગી વાહનો પર પ્રતિબંધ અંગેનું જાહેરનામું જિલ્લા સમાહર્તા દ્વારા પ્રસિદ્ધ કરાયેલ હોય યાત્રાળુઓને પોતાના વાહનો વડા તળાવ પાર્કિંગ પ્લોટમાં તેમજ તળેટીના પાર્કિંગ પ્લોટમાં પાર્ક કરી એસટી બસમાં ડુંગર પર જવાની ફરજ પડી હતી.
જોકે એસટી દ્વારા 50, એસ.ટી બસ તળેટીથી માંચી વચ્ચે ચલાવાતી હોવાથી અને લાખોની સંખ્યામાં ભક્તો ઊમટી પડયા હોય બસોની અગાઉના રવિવારે ની પરિસ્થિતિ ને એસ.ટી તંત્ર દ્વારા ધ્યાનમાં લઇ સાવચેતીના ભાગરૂપે અગાઉથી એસ.ટી બસોની સંખ્યામાં નોંધપાત્ર વધારો કર્યો હોય એસ.ટી સુવિધા રાબેતા મુજબ ચાલતી હોવાનું જોવા મળ્યું હતું. નિજ મંદિરના દ્વાર વહેલી સવારે 5.00 કલાકે ખુલ્લા મુકાતા મંદિર પરિસરમાં હાજર ભક્તોએ જય માતાજીના ભારે જયધોષથી મંદિર પરિસર ગુંજી ઉઠયું હતું.
તળેટીમાં તેમજ માચી ખાતે આડેધડ વાહનોના પાર્કિંગ થતા હોય છે. જેના કારણે ટ્રાફ્કિની જટિલ સમસ્યાઓ ઉત્પન્ન થતી હોવાનું જોવા મળે છે. સામાન્ય દિવસોમાં ડુંગર પર થતા પાર્કિંગની હજાર ઉપરાંત ગાડીઓ પણ હવે નીચે પાર્ક કરવાની નોબત આવતાં ગંભીર સમસ્યા ઉત્પન્ન થવાની ભીતી સેવાઇ છે. એસ.ટી નિગમ દ્વારા ખાનગી વાહનો પર પ્રતિબંધના જાહેરનામાને પગલે માત્ર એસ.ટી બસ ડુંગર પર જતી હોય એસટી દ્વારા રવિવારના રોજ 50 એસ.ટી બસો તળેટીથી માચી સુધી ચલાવવામાં આવી હતી જેમાં 600 ઉપરાંત, ટ્રીપ અપડાઉન કરી33000 યાત્રાળુઓ એ બસમાં યાત્રા કરી હતી. જેના થકી એસટી વિભાગને રૂપિયા 6.25 લાખ ઉપરાંત ની આવક થઈ હતી.