- દિપડો મારણની શોધમાં કુવામાં પડ્યો
- ફોરેસ્ટ વિભાગે દીપડાને પાંજરે પૂર્યો
- તળેટીમાં 10 જેટલા દીપડાઓની રંજાડ
પાલીતાણા શહેરના તળેટી પાસે વાડી વિસ્તારમાં કુવામાં પડેલા દીપડાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. શહેરના વાડી વિસ્તારમાં અવારનવાર દીપડાના આંટાફેરા હોય ત્યારે દિપડો મારણની શોધમાં કુવામાં પડ્યો હતો. પાણી ભરેલા કૂવામાં દીપડો પડી ગયો હોવાની જાણ થતાં લોકોએ વન વિભાગને જાણ કરી હતી અને દીપડાને ભારે જહેમત બાદ બચાવી લેવાયો હતો.
પાણી ભરેલા કૂવામાં પડ્યો દીપડો
બનાવની વિગત એવી છે કે, પાલિતાણાના વાડી વિસ્તારમાં મારાં કરવા આવેલો દીપડો પાણી ભરેલા આશરે 60 ફૂટ ઉંડા કૂવામાં પડી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું અને દીપડાને બચાવી પાંજરે પૂર્યો હતો. વાડી વિસ્તારના લોકોના જણાવ્યા પ્રમાણે શહેરના તળેટી વિસ્તારમાં 10 જેટલા દીપડાઓની રંજાડ છે અને તેનાથી યાત્રિકો સહિત લોકો પરેશાન થાય છે.
તળેટીમાં ફરતા દીપડાને જંગલમાં છોડવા માંગ
ખેડૂતોએ જણાવ્યું હતું કે, વન્ય પ્રાણીઓ અવારનવાર માલઢોર તેમજ માનવોને નુક્શાન પહોચાડી રહ્યાં છે. શહેર વિસ્તાર નજીક ફરતા દીપડાને પાંજરે પૂરી જંગલમાં છોડવામાં આવે તેવી માગણી ખેડૂતો અને આસપાસના રહેવાસીઓએ કરી હતી.