- ખનન, ડોલી અને રસ્તાને લઇને પ્રશ્નો છે : સંઘવી
- એક સ્પેશિયલ ટાસ્ક ફોર્સ બનાવવામાં આવશે : સંઘવી
- CM ભૂપેન્દ્ર પટેલે ટાસ્ક ફોર્સ રચવાનો આદેશ કર્યો છે : સંઘવી
પાલીતાણાના જૈન તીર્થધામ ગીરીરાજ શેત્રુંજય પર્વત પર થોડા દિવસ પહેલા તોડફોડની ઘટના બની હતી. ત્યારે યાત્રિકોની સુરક્ષાને ધ્યાને લઈ તાત્કાલિક ધોરણે આ સ્થળ પર એક પોલીસ ચોકી ઉભી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે પોલીસ ચોકીમાં એક પીએસઆઇ, બે એએસઆઈ, પાંચ કોન્સ્ટેબલ, મહિલા પોલીસ સહિતના સ્ટાફની ફાળવણી કરી પોલીસ ચોકી કાર્યરત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ મુદ્દે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, પાલિતાણા એ માત્ર ગુજરાતના કે ભારતના જૈનોનું નહીં પરંતુ દુનિયાભરના જૈનોનું આસ્થાનું કેન્દ્ર છે. પાલીતાણામાં ખનન અને અન્ય પ્રશ્નો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ચર્ચા કર્યા બાદ મુખ્યમંત્રીએ નિર્ણય લીધો છે. પાલિતાણાના તમામ મુદ્દાઓ પર એક ટાસ્ક ફોર્સ બનાવવામાં આવશે. અને આ ટાસ્ક ફોર્સ તમામ મુદ્દાઓ ઉપર નિર્ણય કરીને તમામ પગલાઓ ભરશે. જે કોઈ મહત્ત્વના કામો છે તે તમામ કામોમાં સરકાર ખૂબ જ ગંભીરતા પૂર્વક પગલા લઈ રહી છે. આ ટાસ્ક ફોર્સમાં દરેક વિભાગના અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેથી કોઈપણ નિર્ણય એક જ બેઠકમાં લઈ શકાય.
ગુજરાતમાં કોઈપણ ધર્મસ્થાન હોય એ ધર્મસ્થાનો પર લો એન્ડ ઓર્ડરના વિષય પર રાજ્ય સરકાર હંમેશા ગંભીર હોય છે. પાલિતાણામાં મહારાજ ઉપર જે અભદ્ર વર્તન કરવામાં આવ્યું એ તમામ લોકો ઉપર કડકમાં કડક પગલાં ભરવામાં આવ્યા છે. 386ની કલમ લગાવીને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમજ જેમણે પણ આદિનાથ દાદાના ચરણો તોડ્યા છે તે તમામને પકડી લેવામાં આવ્યા છે. આ બંને ગુનેગારોને પોલીસે પાંચ દિવસ પહેલા જ પકડી લીધા છે. તેમજ શેત્રુંજય પર્વત પર પોલીસ ચોકી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ગિરિરાજ પર્વતની રક્ષા માટે ઉચ્ચકક્ષાએ માગ થઈ હતી
ભાવનગર રેન્જ આઇ.જી ગૌતમ પરમાર અને જિલ્લા પોલીસ વડા ડૉક્ટર રવિન્દ્ર પટેલે તાત્કાલિક ધોરણે પાલીતાણા ખાતે શેત્રુંજય પર્વતની સલામતી અને યાત્રાઓની સુરક્ષા માટે પોલીસ ચોકી કાર્યરત કરવામાં આવી છે, પાલીતાણા ખાતે આવેલા જૈન તીર્થધામ પર્વત પર આદિનાથ દાદાના પગલાની તોડફોડ સહિતના બનાવને પગલે જૈન સમાજમાં ભારે રોષ પ્રવૃતિ રહ્યો છે અને ગિરિરાજ પર્વતની રક્ષા બાબતે ઉચ્ચકક્ષાએ માગ કરી હતી જેને પગલે સોમવારે મોડીરાત્રે પાલીતાણા શેત્રુંજી પર્વતની રક્ષા કાજે જૈન તીર્થ આવતા દર્શનાથીઓની સુરક્ષાને ધ્યાને લઈ તાત્કાલિક ધોરણે એક પોલીસ ચોકી ઉભી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
DySp અધિકારીના સુપરવિઝન હેઠળ કામગીરી કરવામાં આવશે
પાલીતાણામાં ઉભી થનારી પોલીસ ચોકી શેત્રુંજય ડુંગર પોલીસ ચોકીના નામે ઓળખાશે અને આ ચોકીમાં એક PSI, 2 આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર, 3 હેડ કોન્સ્ટેબલ, 5 કોન્સ્ટેબલ, 8 મહિલા પોલીસ તથા 8 ટીઆરબી જવાનો અને પાંચ ટ્રાફિક પોલીસ ફરજ બજાવશે. બહારગામોથી આવતા દર્શનાથીઓની સુરક્ષા પૂરી પાડવામાં આવશે. યાત્રિકોના સર સામાનની સલામતી, ટ્રાફિક નિયમન, દબાણ અટકાવવા, યાત્રી હેલ્પ ડેસ્ક, મહિલા સલામતી, ડોલી નિયમન, એન્ટ્રી પર સઘન ચેકિંગ તેમજ પાર્કિંગની ફરજ કામગીરી પોલીસ ચોકીનો સ્ટાફ કરશે, આજે આ મહત્વનો નિર્ણય ભાવનગર પોલીસ દ્વારા લેવામાં આવ્યો છે, આ ખાસ પોલીસ ચોકીની સીધો DySp અધિકારીના સુપરવિઝન હેઠળ કામગીરી કરવામાં આવશે.