- સાફ-સફાઈના અભાવે ગંદકીથી ખદબદી રહી છે ઐતિહાસિક વિરાસત
- કીર્તિસ્તંભની શૃંગારસમી અસલ સાંકળો અને મહામૂલા સ્તંભ કાઢી નાખ્યા
- ધરોહર જાળવી ન શકનાર તંત્રની નબળાઇના લીધે હવે ઢાંકણા પણ તસ્કરો ઉઠાવી ગયા
પાલનપુરની ઐતિહાસિક વિરાસત એવા કીર્તિસ્તંભની દુર્દશા જોઈ શહેરજનોમાં નારાજગી પ્રવર્તી રહી છે.અને લાખો રૂપિયાના ખર્ચ પછી પણ કીર્તિસ્તંભની જાળવણી ન કરાતા કીર્તિસ્તંભને ખંડેર બનવામાં વાર નહી લાગે શહેરની શાન એવા કીર્તિસતંભની યોગ્ય જાળવણી કરવામાં આવે અને તેની આસપાસની વસ્તુઓ ચોરી જનારાઓ સામે ફરીયાદ કરવામાં આવે તેવી જનમાંગ ઉઠી છે.
પાલનપુરની એતિહાસિક વિરાસત એવા કિર્તિસ્તંભના પ્રાંગણમાં માવજત કરવાનુ તો ઠીક પણ સફાઈ કરવાની તસ્દી ન લેવાતા કિર્તિસ્તંભમાં ઉપરની બાજુએ છોડ ઉગી નીકળ્યા છે.જે બાંધકામને નબળુ કરી શકે છે.વળી ચારેક વર્ષ અગાઉ રીનોવેશનના નામે અમૃત યોજના હેઠળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.તેમાં કીર્તિસ્તંભની આસપાસ લગાવેલ અસલ સાંકળો અને સ્તંભ હટાવી નવા સ્તંભ લગાવ્યા છે.આમ ઐતિહાસિક વિરાસતે જાળવવા માટેના પ્રયત્ન કરાયા પરંતુ તેની પાછળ જે દરકાર લેવી જોઈએ તે ન લેવાતા હવે કીર્તિસ્તંભની છત પર છોડ ઉગી નીકળ્યા છે અને કમ્પાઉન્ડમાં બનાવેલ બગીચો નષ્ટ થયો છે.અને કચરાના ઢગ ખડકાયા છે.નવાઈની વાત એ છે કે કીર્તિસ્તંભની આસપાસ વરસાદી પાણીના નિકાલ માટેની લાઈનમાં લગાવેલ લોખંડની તમામ ગ્રીલની કોઈ ચોરી કરી લઈ ગયા પછી પણ કોઈ ફરીયાદ કરવામાં આવી નથી.આમ સિમલાગેટથી સ્ટેશનરોડ પર પણ આવી જ રીતે લોખંડની ગ્રીલ ચોરાઈ જવા છતાં કોઈ ફરીયાદ ન કરી ચોરોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યુ હોય તેવી પ્રતિતિ કરાવવામાં આવી રહી છે.
આમ પાલનપુર નગરપાલિકાની મિલકતો ચોરી જનાર સામે કોઈ પગલાં ન લેવાતા જાણે પોતાનુ શુ ગયું? મારે શુ? જેવી હાલત થઈ છે.સરકારી મિલકત પાઈની હોય કે કરોડોની પણ ચોરી એ ચોરી છે.આ અંગે શાસકો પગલાં નહી લે તો પાલિકા કચેરીમાંથી પણ વસ્તુઓ ચોરી જનારાઓને પ્રોત્સાહન મળી જશે.આમ આ અંગે યોગ્ય કાર્યવાહી થાય તેવી જનમાંગ પ્રવર્તી રહી છે.