Rani Ki Vav Patan : ગુજરાતમાં પટોળા માટે પ્રખ્યાત પાટણ ખાતે આવેલી રાણીની વાત ગુજરાતના સ્મારકો અને કલાનો ઉત્કૃષ્ટ વારસો છે. રાણીની વાવના જળ વ્યવસ્થાપન તેમજ કલાના ઉત્કૃષ્ટ વારસાને ધ્યાનમાં રાખીને યુનેસ્કો દ્વારા વર્ષ 2014માં રાણીની વાવને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન આપવામાં આવ્યું હતું. રાણીની વાવની કલાકૃતિને જોવા માટે રાજ્ય, દેશ અને દુનિયાના પ્રવાસીઓ મુલાકાતે આવતા હોય છે, ત્યારે છેલ્લા બે વર્ષમાં વર્લ્ડ હેરિટેજ સાઇટ રાણીની વાવ ખાતે દેશભરમાંથી આશરે પાંચ લાખથી વધુ મુલાકાતીઓ આવ્યા, જેમાંથી લગભગ ચાર હજારથી વધુ વિદેશી સહેલાણીઓનો પણ સમાવેશ થાય છે.
ભારતીય પુરાતત્ત્વીય સર્વેક્ષણ દ્વારા સમગ્ર ભારતમાં 19 નવેમ્બરથી 25 નવેમ્બર 2024 દરમિયાન વર્લ્ડ હેરિટેજ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ગુજરાતના પાટણમાં આવેલી વર્લ્ડ હેરિટેજ સાઇટ રાણીની વાવ વિશ્વભરના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. ભારતીય ચલણની 100 રૂપિયાની નોટમાં પણ રાણીની વાવનું ચિત્ર અંકિત કરાયું છે. બીજી તરફ, રાણીની વાવની અદ્ભુત કલાકૃતિ જોવા માટે દેશ-વિદેશથી પ્રવાસીઓ આવે છે.
છેલ્લા બે વર્ષમાં પાંચ લાખથી વધુ દેશ-વિદેશના પ્રવાસીઓ ઉમટ્યા
રાણીની વાવની અદ્ભુત કળા અને કોતરણી જોવા માટે ગત વર્ષ 2023-24માં આશરે 3.52 લાખથી વધુ ભારતીય અને 3,327 વિદેશી પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. જ્યારે ઑક્ટોબર 2024 સુધીમાં 1.58 લાખથી વધુ ભારતીય અને 962 વિદેશ પ્રવાસીઓ આવ્યા હતા. જ્યારે વર્ષ 2016માં રાણીની વાવ ‘આઇકોનિક ક્લીન પ્લેસ’ તરીકે પસંદગી પામ્યું હતું, આ પછી નરેન્દ્ર મોદીના હસ્તે ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો.
કલાકૃતિનો અદ્ભુત વારસો રાણીની વાવ
ગુજરાતમાં પ્રાચીન કાળમાં લગભગ 600 વર્ષોથી વધુ સમય સુધી ગુજરાતની ઐતિહાસિક રાજધાની પાટણ રહ્યું હતું. પાટણમાં પ્રતાપી સોલંકી વંશે ઈ.સ. 942થી 1134ના મધ્ય કાળ સુધી શાસન કર્યું. જે એ સમયે પશ્ચિમ ભારતની રાજધાની તરીકે પ્રખ્યાત હતું. આ દરમિયાન પાટણમાં કેટલાક મંદિરો, મસ્જિદો, મકબરા, વાવ અને તળાવોનું નિર્માણ કરાયું. જેમાં પ્રખ્યાત રાણીની વાવ કલા અને સ્મારકોની દૃષ્ટીએ ઉત્કૃષ્ટ વારસો છે. રાણીની વાવમાં જળ વ્યવસ્થાપન તેમજ કલાનું એક બેજોડ નજરાણું મુલાકાતીઓને જોવા મળે છે.
આ પણ વાંચો : ‘અમારી ગણતરી હતી કે….’, વાવ બેઠક પર કોંગ્રેસની હાર બાદ ગેનીબેનનું પ્રથમ નિવેદન
રાણીની વાતનો ઇતિહાસ અને તેની ખાસિયત
પાટણ જિલ્લાના પાટણ શહેરથી લગભગ બે કિ.મી. દૂર સરસ્વતી નદીના તટ પર રાણીની વાવ આવેલી છે. ઈ.સ. 1022થી 1063 દરમિયાન ‘સુવર્ણ યુગ’ તરીકે ઓળખાતા સોલંકી વંશના પ્રતાપી શાસક ભીમદેવ પહેલાની પત્ની રાણી ઉદયમતીએ તેમના પતિની યાદમાં આ વાવનું નિર્માણ કરાવ્યું હતું. આ વાવની દિશા પૂર્વ-પશ્ચિમ અને તેનું પ્રવેશદ્વાર પૂર્વ દિશામાં આવેલું છે. આ વાવની લંબાઈ 63 મીટર, પહોળાઈ 20 મીટર અને ઉંડાઈ 27 મીટર જેટલી છે. વાવનું બાંધકામ મુખ્યત્વે ઇંટો દ્વારા કરવામાં આવ્યું છે, પરંતુ તેનો ઉપરનો ભાગ પથ્થરોથી કંડારવામાં આવ્યો છે. વાવના મુખ્ય બે ભાગ છે, જેનો પૂર્વ ભાગ 7 માળનો પગથિયાવાળો, ગલીયારો તથા પશ્ચિમ ભાગ તરફનો કૂવો ગલીયારા સાથે જોડાયેલો છે.
મળતી માહિતી પ્રમાણે, દેશની આઝાદી પહેલાં એટલે કે ઈ.સ. 1936માં રાણીની વાવને ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ દ્વારા રાષ્ટ્રીય સ્મારક તરીકે સંરક્ષિત જાહેર કરવામાં આવી હતી. ઈ.સ. 1962-63માં ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણે આ સ્થળે ઉત્ખનન કાર્યનો પ્રારંભ કર્યો, જેના ફળસ્વરૂપે રાણીની વાવનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. ઉત્ખનન કાર્ય દરમિયાન રાણી ઉદયમતિની દેવનાગરી ભાષામાં લખાણવાળી પ્રતિમામાં મહારાજ્ઞી (મહારાણી) શ્રી ઉદયમતિ લખાણ હતું. જૂના લખાણોના આધાર પર આ વાવ લગભગ 13મી સદીની હોવાનું માનવામાં આવે છે, જે રાણી ઉદયમતિ દ્વારા નિર્મિત હોવાનું જણાયું હતું. વાવને યુનેસ્કો દ્વારા વર્ષ 2014માં વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન આપવામાં આવ્યું હતું.