- શેવાલી નદી પરનો ચેકડેમ સૂકોભટ
- બોર, કૂવા સહિત પાણીનાં સ્રોતના ખોરવાયા
- ભૂગર્ભપાણી સપાટી નીચે જતાં ગ્રામજનોને પાણી માટે કકળાટ
નિઝર ગામ મુખ્ય નિઝર અને પ્લોટ ફળિયા મળી બે બાગમાં વહેંચાયેલુ હોય જેની વચ્ચેથી મહારાષ્ટ્ર રાજયની સરહદમાંથી આવતી શેવાલી નદી વહે છે. આ નદીના પાણી ખેતીના સિંચાઇ માટે તેમજ ફળિયાના રહીશો માટે ઉપયોગી છે. વરસાદી પાણીના વહેણ સંપૂર્ણપણે વહી ન જાય તે માટે નદી ઉપર ચેકડેમનું નિર્માણ વીતેલા વર્ષોમાં કરવામાં આવ્યું હતું, પરંતુ ચેકડેમ તકલાદી બનતા પાયાના ભાગેથી પોલો થઇ ચૂકેલા ચેકડેમમાંથી વરસાદી પાણીનો પ્રવાહ વહી જાય છે. શિયાળા સુધી તો નદીમાં પાણી રહેતું હોવાથી આસપાસ ખેતી ધરાવતા ખેડૂતો શિયાળુ પાક લઇ શકે છે. પરંતુ ચાલુ વર્ષે પાણી વહેલી તકે સુકાઇ જવાથી ખેતપાકોમાં એકથી બે પિયત આપવાનું ખેડૂતોનું રહી જવાથી ઘઉં, ચણા, મગ, તલ તથા અન્ય પાકની ઉપજ ઓછી થવાની શક્યતા સાથે આર્થિક નુકસાન ખેડૂતોને વેઠવું પડશે. પશુપાલન સાથે સંકળાયેલા પરિવારો માટે ચેકડેમના પાણી મહત્ત્વના હતા. જેઓએ પણ પશુઓ માટે પીવાના પાણી મેળવવા અન્ય સ્ત્રોત શોધવાની નોબત આવી છે.
ગરમીનો પ્રકોપ શરૂ થવા સાથે જ નદી પણ સૂકીભટ બની ચૂકતા પાણીની તંગીનો પ્રારંભ થઇ ચૂક્યો છે. ઘરવપરાશ, પીવાના પાણી તથા ઢોરઢાંખર માટે પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે નદીના ચેકડેમના પાણી ઉપયોગી બનતા હતા, પરંતુ જે સૂકોભટ થઇ ચૂક્યો હોવાથી આસપાસના બોર, કૂવાના ભૂગર્ભજળની સપાટી પણ નીચી જવાથી પાણીના કકળાટ શરૂ થઇ ચૂક્યો છે. ચેકડેમ અત્યંત જર્જરિત બની ચૂક્યો હોવાથી જેમાં પાણીનો પૂરતો સંગ્રહ થઇ શક્યું નથી, કદાચિત વીતેલા દિવસોમાં ચેકડેમની મરામતની કામગીરી થઇ હોત તો પાણીનો સંગ્રહ વધુ થવાથી જેનો લાભ નિઝરવાસીઓને થઇ શકે તેમ હતું. ચાલુ વર્ષે એપ્રિલ માસની શરૂઆત સાથે ગરમી સાથે પાણીની તંગીએ ખાતું ખોલાવ્યું છે. મે માસની કાળઝાળ ગરમીમાં પાણીનો કાળો કકળાટ નિઝરના રહીશોને વધુ અકળાવનાર બનશેની ચિંતા નિઝરના સામાજિક કાર્યકર્તા, ખેડૂતોએ વ્યક્ત કરી છે.