– JUBILANT AGRI પૂર્ણ વર્ષ 2025-26ની અપેક્ષિત ઈપીએસ રૂ.75 સામે રૂ.10 પેઈડઅપ શેર રૂ.1279 ભાવે, 17ના પી/ઈએ ઉપલબ્ધ
મુંબઈ : વૈશ્વિક બજારોમાં ઉથલપાથલ મચાવનારી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની આક્રમક ટેરિફ નીતિના કારણે અમેરિકામાં જ સંકટ સર્જાવા લાગતાં અમેરિકી શેર બજારોમાં પણ પાછલા દિવસોમાં મોટા ધોવાણ બાદ હજુ અનિશ્ચિતતા છતાં ઓવરસોલ્ડ અમેરિકી બજારોમાં શુક્રવારે ઘટયામથાળેથી પ્રત્યાઘાતી ઉછાળો આવ્યો છે. પરંતુ બીજી તરફ વૈશ્વિક મહામંદીનો હાઉ અને યુક્રેન મામલે રશીયાની યુદ્વ અટકાવવા માટે આકરી શરતી તૈયારીને લઈ ટ્રમ્પ પરની ભીંસ વધી રહી છે. પુતિનના વલણે હજુ વિશ્વના માથે જીઓપોલિટીકલ ટેન્શન ઝળુંબતું રહેતાં વૈશ્વિક બજારોમાં ઈક્વિટી, ફાઈનાન્શિયલ એસેટ્સથી રોકાણકારો હળવા થઈને સુરક્ષિત ગોલ્ડ-સોનામાં રોકાણ વધારતાં વિશ્વ બજારમાં સોનું ઔંસ દીઠ ૩૦૦૦ ડોલરની સપાટી પાર કરી ગયું છે. ગોલ્ડમાં રેકોર્ડ તેજી અને બીજી તરફ ઈક્વિટીમાં મોટા કરેકશન બાદ પ્રત્યાઘાતી ઉછાળામાં હજુ વિશ્વાસ કેટલો જળવાશે એ અનિશ્ચિત છે. ટ્રમ્પના વલણને જોતાં વિશ્વમાં હજુ ક્યારે ક્યું નેગેટીવ પરિબળ સર્જાશે એ કહેવું મુશ્કેલ છે. જ્યારે અમેરિકા પરની વિશ્વસનીયતા ગુમાવનાર યુરોપના દેશો જર્મની સહિત તેમના ડિફેન્સ બજેટમાં જંગી વધારો કરી રહ્યું હોઈ વૈશ્વિક શસ્ત્ર ખરીદીની દોટ વધવાના સંજોગોમાં આગામી દિવસોમાં વૈશ્વિક બજારોમાં અસ્થિરતા વધતી જોવાઈ શકે છે. ઘર આંગણે ભારતમાં રોકાણકારોએ સીધા શેરોમાં પાછલા છ મહિનામાં કરેલી ખરીદી પર મોટું નુકશાન વેઠતાં અને વળતરમાં મોટા ગાબડાં પડતાં નવા રોકાણથી દૂર રહ્યા બાદ હવે મ્યુચ્યુઅલ ફંડોમાં પણ રેલો આવ્યો છે. ઉદ્યોગની એયુએમમાં ધરખમ ઘટાડા સાથે સ્મોલ, મિડ કેપ ફંડોથી રોકાણકારો વિમુખ બનવા લાગ્યા છે, એસઆઈપી એકાઉન્ટ ટપોટપ બંધ થવા લાગ્યાના અહેવાલે બજારમાં આગામી દિવસોમાં લિક્વિડિટીનું સંકટ સર્જાઈ શકે છે. જે સંજોગોમાં લોકલ ફંડોનો રોકાણ પ્રવાહ બજારમાં અટકવાના સંજોગોમાં શેરોના ભાવોમાં વધુ કડાકા બોલાઈ શકે છે. જેથી હાલ તુરત વૈશ્વિક પરિબળો નેગેટીવમાંથી પોઝિટીવ ન બને ત્યાં સુધી શેરોમાં મોટી ખરીદીથી દૂર રહીને સારા શેરોમાં ઘટાડે ટૂકડે ટૂકડે રોકાણનો વ્યુહ અપનાવવો રહ્યો. જો કે વર્તમાન ભાવોએ પસંદગીના શેરો આકર્ષક વેલ્યુએશને ઉપલબ્ધ બન્યા હોઈ શેરોની ખરીદીમાં પણ સિલેક્ટિવ રહેવું. આગામી સપ્તાહમાં નિફટી સ્પોટ ૨૨૬૬૬ ઉપર બંધ થવાના સંજોગોમાં ૨૨૮૮૮ અને સેન્સેક્સ ૭૪૫૫૫ ઉપર બંધ થવાના સંજોગોમાં ૭૫૫૫૫ જોવાઈ શકે છે.
અર્જુનની આંખે :
JUBILANT AGRI & CONSUMER PROUDCTS LTD.
બીએસઈ(૫૪૪૩૫૫), એનએસઈ(JUBLCPL) લિસ્ટેડ, રૂ.૧૦ પેઈડ-અપ, ૭૫ ટકા જયુબિલન્ટ ભરતિયા ગુ્રપ દ્વારા પ્રમોટેડ, જયુબિલન્ટ એગ્રી એન્ડ કન્ઝયુમર પ્રોડક્ટસ લિમિટેડ(JUBILANT AGRI & CONSUMER PRODUCTS LTD.) કંપની જયુબિલન્ટ ભરતિયા ગુ્રપની ચાર ફ્લેગશીપ કંપનીઓ પૈકી એક છે. ગુ્રપ તેની અન્ય ત્રણ ફ્લેગશીપ કંપનીઓ જયુબિલન્ટ ફાર્મોવા લિમિટેડ, જયુબિલન્ટ ઈન્ગ્રેવિયા લિમિટેડ અને જયુબિલન્ટ ફૂડવર્કસ લિમિટેડ મળીને ચાર ગુ્રપ કંપનીઓ થકી વૈશ્વિક ૪૩,૦૦૦થી વધુ કર્મચારીઓ ધરાવે છે. જયુબિલન્ટ ભરતિયા ગુ્રપના પ્રમુખ સેગ્મેન્ટોમાં એગ્રી અને કન્ઝયુમર પ્રોડક્ટસ, ફાર્માસ્યુટિકલ અને લાઈફ સાયન્સ, ફૂડ સર્વિસિઝ (ક્યુએસઆર), ફૂડ, ઓટો અને સર્વિસિઝ ધરાવે છે. જયુબિલન્ટ એગ્રી એન્ડ કન્ઝયુમર પ્રોડક્ટસ લિમિટેડ વિવિધ પ્રોડક્ટસ રેન્જમાં ઈન્નોવેશન અને સ્ટ્રેટેજીક એક્સિલન્સ થકી પોલીમર્સ ઓફરિંગમાં પ્રીમિયમ વૂડ એડહેસિવ્ઝ, ઉચ્ચ ગુણવતાના વૂડ ફિનિશિસ અને અસરકારક વૂડ પ્રિઝરવેટીવ્ઝનો સમાવેશ છે. જયુબિલન્ટ ઈન્ડસ્ટ્રીઝ ગજરૌલા-ઉત્તર પ્રદેશ, કાપાસન-રાજસ્થાન, સાહિદાબાદ-ઉત્તર પ્રદેશ અને સામળિયા-ગુજરાતમાં મેન્યુફેકચરીંગ સવલતો ધરાવે છે.
ફૂડ પોલીમર્સ : કંપની પોલી વિનાઈલ એસીટેટ (પીવીએસી)માં વૈશ્વિક અગ્રણી છે. વીપી લેટેક્સમાં કંપની વર્સેટાઈલ વીપી લેટેક્સનું વિવિધ ઉપયોગો માટે ઉત્પાદન કરે છે. એગ્રીકલ્ચર સોલ્યુશન્સમાં કંપની કંપની ક્રોપ ન્યુટ્રીશન, ગ્રોથ મો કોમ્પ્રિહેન્સિવ સોલ્યુશન્સ ઓફર કરે છે. કન્ઝયુમર એડહેસિવ્ઝમાં કંપની ભારતમાં બીજી સૌથી મોટી કન્ઝયુમર બ્રાન્ડ છે અને ૧૧ બ્રાન્ડ પોર્ટફોલિયો ધરાવે છે. પ્રોડક્ટસ પોર્ટફોલિયો જે ગ્રાહક ઉત્પાદનો જેમ કે એડહેસિવ્સ અને વૂડ ફિનિશથી લઈને પાક પોષણ, ગ્રોથ એજન્ટ સહિતનો સમાવેશ છે. આ ઉપરાંત કંપની ફૂડ પોલિમર અને લેટેક્સ જેવા કે વિનાઈલ પાયરીડીન, એસબીઆર અને એનબીઆર લેટેક્સ જેવા પર્ફોમન્સ પોલિમરમાં સક્રિય છે. કંપની આ સાહસોમાં તેની સફળતાનો શ્રેય તેના દરેક ક્ષેત્રમાં અગ્રેસરતા પ્રાપ્ત કરવાના વ્યુહાત્મક વિઝનને આપે છે. ઈન્નોવેશન સાથે કંપની તેના ગ્રાહકોને વિશ્વસ્તરીય ઉત્પાદનો અને સર્વિસિઝ પૂરી પાડવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ હેતુ સાથે કંપનીએ વ્યુહાત્મક રીતે તેના કન્ઝયુમર પ્રોડક્ટસ, ફૂડ પોલિમર્સ અને વીપી લેટેક્સને તેની સબસીડિયરી જયુબિલન્ટ એગ્રી એન્ડ કન્ઝયુમર પ્રોડક્ટસ લિમિટેડ હેઠળ મૂક્યા છે. કંપની પોલીમર્સમાં કુલ વાર્ષિક ૫૫,૦૦૦ મેટ્રિક ટનની ક્ષમતા અને સિંગલ સુપર ફોસ્ફેટમાં વાર્ષિક ૪,૦૦,૦૦૦ મેટ્રિક ટનની ક્ષમતા ધરાવે છે. કંપની કન્ઝયુમર પ્રોડક્ટસ માટે ૮૦૦ ડિસ્ટ્રીબ્યુટરો અને ૨૦,૦૦૦ રિટેલરોનું નેટવર્ક ધરાવે છે.
ફૂડ પોલીમર્સ : કંપની પોલીવિનાઈલ એસિટેટ (પીવીએ)ના ત્રણ મુખ્ય વૈશ્વિક સપ્લાયર્સમાં છે. પીવીએ એ ચ્યુઈંગ ગમ અને બબલ ગમ માટે ગમ બેઝ બનાવવા માટેનો મુખ્ય કાચોમાલ છે. કંપનીના ગ્રાહકોના પ્રોફાઈલમાં ચ્યુઈંગ ગમ ઉદ્યોગમાં વૈશ્વિક બજારના અગ્રણીઓનો સમાવેશ છે.
લેટેક્સ : ઓટોમોબબાઈલ ટાયર કોર્ડ અને કન્વેયર બેલ્ટ ફેબ્રિકના ડિપિંગમાં વપરાતા વીપી લેટેક્સ (વિનાઈલ પાયરિડિન લેટેક્સ)ના ઉત્પાદન માટે કંપની ભારતમાં પ્રથમ નંબરે અને વૈશ્વિક સ્તરે બીજા ક્રમે છે. કંપની ટાયર કોર્ડ ફેબ્રિકમાં વપરાતા એસબીઆર લેટેક્સનું પણ ઉત્પાદન કરે છે. કંપની વૈશ્વિક ઓટોમોબાઈલ ટાયર ઉત્પાદકો અને ડિપર્સને હોલસેલ સપ્લાયર છે. કંપની પાસે વિવિધ લેટેક્સ ઉત્પાદનો માટે પરીક્ષણ સુવિધાઓથી સજ્જ સંશોધન અને વિકાસ પ્રયોગશાળા છે.
એગ્રી બિઝનેસ : કંપની તેના વ્યવસાય પ્રમુખ બ્રાન્ડ રામબન હેઠળ પાક પોષણ અને છોડ વૃદ્વિ નિયમનકાર શ્રેણીઓમાં વિવિધ ઉત્પાદનો પ્રદાન કરે છે. કંપની સિંગલ સુપર ફોસ્ફેટ (એસએસપી), બાયો ઉત્તેજકો, સલ્ફયુરિક એસિડના ઉત્પાદનમાં રોકાયેલી છે અને પાક ઉત્પાદકતામાં સુધારો કરવા માટે આવશ્યક પોષક તત્વોની વ્યાપક શ્રેણી પ્રદાન કરવા માટે વિવિધ પ્રકારના પોષક તત્વો પણ પ્રદાન કરે છે.
બ્રાન્ડ્સ : કંપનીની બ્રાન્ડ્સમાં જીવંજોર, વામીકોલ, વેમીપોલ, પોલિસ્ટિક (વ્હાઈટ એડહેસિવ) હીરો (મલ્ટિ પર્પઝ વ્હાઈટ એડહેસિવ), અલ્ટ્રા ઈટાલિયા (લક્ઝરીવૂડ ફિનિશ), ચાર્મવૂડ એન્કોર્ડ (ટાયર માટે વીપી લેટેક્સ ), જુબીગમ, રામબન (સફલ કિસાન કી પહચાન)
શેર હોલ્ડિંગ પેટર્ન : પ્રમોટર્સ જયુબિલન્ટ ભરતિયા ગુ્રપ હસ્તક ૭૫ ટકા હોલ્ડિંગ, એચએનઆઈ, એફઆઈઆઈઝ, કોર્પોરેટ બોડીઝ અને અન્યો પાસે ૧૨.૮૮ ટકા અને રિટેલ ઈન્વેસ્ટરો પાસે ૧૨.૧૨ ટકા શેરો છે.
નાણાકીય પરિણામો :
(૧) પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૩ થી માર્ચ ૨૦૨૪ : કોન્સોલિડેટેડ ધોરણે ચોખ્ખી આવક રૂ.૧૨૫૫ કરોડ મેળવીને નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૪.૪૬ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૫૬ કરોડ નોંધાવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૩૭.૧૭ હાંસલ કરી છે.
(૨) નવ માસિક એપ્રિલ ૨૦૨૪ થી ડિસેમ્બર ૨૦૨૪ : નવમાસિક ચોખ્ખી આવક ૨૨ ટકા વધીને રૂ.૧૧૬૪ કરોડ મેળવીને નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૬.૧૯ ટકા થકી ચોખ્ખો નફો ૫૮ ટકા વધીને રૂ.૭૨ કરોડ નોંધાવી શેર દીઠ નવ માસિક આવક-ઈપીએસ રૂ.૪૬.૭૧ હાંસલ કરી છે.
(૩) અપેક્ષિત ચોથા ત્રિમાસિક જાન્યુઆરી ૨૦૨૫ થી માર્ચ ૨૦૨૫ :અપેક્ષિત ચોખ્ખી આવક ૩૩ ટકા વૃદ્વિએ રૂ.૪૦૦ કરોડ મેળવીને નેટ પ્રોફિટ માર્જિન ૫.૭૫ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૨૩ કરોડ મેળવી શેર દીઠ ત્રિમાસિક આવક રૂ.૧૫.૨૬ અપેક્ષિત છે.
(૪) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૪ થી માર્ચ ૨૦૨૫ : અપેક્ષિત ચોખ્ખી આવક ૨૫ ટકા વૃદ્વિએ રૂ.૧૫૬૪ કરોડ મેળવી એનપીએમ ૬.૦૭ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૯૫ કરોડ નોંધાવી શેર દીઠ આવક રૂ.૬૨ અપેક્ષિત છે.
(૫) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૫ થી માર્ચ ૨૦૨૬ : અપેક્ષિત ચોખ્ખી આવક ૨૦ ટકા વૃદ્વિએ રૂ.૧૮૭૭ કરોડ મેળવી અપેક્ષિત નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૬.૦૨ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૧૧૩ કરોડ નોંધાવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૭૫ અપેક્ષિત છે.
આમ(૧) લેખક ઉપરોકત કંપનીના શેરમાં કોઈ રોકાણ ધરાવતા નથી. લેખકના રીસર્ચ માટેના સ્ત્રોતોનું અંગત પ્રત્યક્ષ કે પરોક્ષ હિત-રોકાણ હોઈ શકે છે. કોઈપણ રોકાણ નિર્ણય લેતાં પહેલા ક્વોલિફાઈડ ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ લેવી. રોકાણ પર સંભવિત કોઈ નુકશાની માટે લેખક, ગુજરાત સમાચાર કે અન્ય કોઈપણ વ્યક્તિ જવાબદાર રહેશે નહીં. (૨) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૫ થી માર્ચ ૨૦૨૬માં અપેક્ષિત શેર દીઠ આવક રૂ.૭૫ અને અપેક્ષિત બુક વેલ્યુ રૂ.૨૦૦૦ સામે જયુબિલન્ટ એગ્રી એન્ડ કન્ઝયુમર પ્રોડક્ટસ લિમિટેડનો રૂ.૧૦ પેઈડ-અપ શેર એનએસઈ, બીએસઈ પર રૂ.૧૨૭૯ ભાવે એગ્રી કેમિકલ અને કન્ઝયુમર પ્રોડક્ટ ઉદ્યોગના સરેરાશ ૪૮ના પી/ઇ સામે ૧૭ના પી/ઈએ ટ્રેડ થઈ રહ્યો છે.