નર્મદા: સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આદિવાસી મ્યુઝીયમનું કામ ચાલી રહ્યું છે, ત્યારે મ્યુઝીયમમાં કામ કરતા લોકોએ 2 આદિવાસી યુવાનોને ચોરીની શંકાએ ઢોર માર માર્યો હતો. દોરડા વડે બાંધીને ઢોર માર મારતા બંને યુવાનોનું મોત થયું હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. એક યુવાન જયેશ તડવીનું ઘટના સ્થળે મોત થયું, જ્યારે બીજા દિવસે સંજય તડવી નામના યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
પોલીસે સમગ્ર મામલે 6 લોકો વિરુદ્ધ હત્યા, રાયોટિંગ અને એટ્રોસીટી એક્ટ મુજબ ગુનો નોંધી ધરપકડ કરી છે. પકડાયેલા તમામ આરોપીઓનો મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે. નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખે બંને યુવાનોને સહાય આપવાની માંગ કરી છે.
બીજી બાજુ, નર્મદા આદિવાસી મ્યુઝિયમમાં ડબલ મર્ડર મામલે નર્મદા SP પ્રશાંત સુબેનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, નર્મદા જિલ્લા પોલીસે ડબલ મર્ડરનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. આરોપીઓના રિમાન્ડની પણ માંગ કરશું.
આ પણ વાંચો:
સુરત: સ્કૂલવાને રિવર્સમાં 5 વર્ષના બાળકને કચડતાં મોત, પરિવારે કર્યું આંખોનું દાન
કેવડિયાની ઘટના અંગે સાંસદ મનસુખ વસાવાનું ટ્વિટ સામે આવ્યું છે. મનસુખ વસાવાએ ઘટનાને સખત શબ્દોમાં વખોડી છે. બંન્ને પરિવારજનોને ન્યાય મળે તે માટે પોલીસને સૂચન કર્યા છે. SOU વહીવટી તંત્રને પણ તકેદારી રાખવા માટે સૂચન કર્યું છે.
નર્મદામાં 2 આદિવાસી યુવકનાં મોતનો મામલો ઘેરો બન્યો છે. MLA ચૈતર વસાવાએ બંધનું એલાન આપ્યું છે. આવતીકાલે ગરુડેશ્વર, કેવડિયા બંધનું એલાન જાહેર કર્યું છે. જ્યાં સુધી એજન્સીના મુખ્ય સંચાલકો અને મારનારાઓના નામ નહીં જાહેર થાય ત્યાં સુધી મૃતદેહના સ્વીકારનો પણ ઈનકાર કરાયો છે. આ બનાવ બાદ MLA ચૈતર વસાવા રાજપીપળા જૂની હોસ્પિટલ પહોંચ્યા હતા.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર