– વિરોધ પ્રદર્શન સામે લોકોના સવાલો
– રોડના કામમાં પાલિકાએ પેમેન્ટ અટકાવવા સાથે કે.ડી. ગોસ્વામી એજન્સીને નોટિસો પણ આપી છે
નડિયાદ : નડિયાદ શહેરમાં બનાવાયેલા આરસીસી રસ્તા હલકી ગુણવત્તાના બનતા પાલિકાએ અગાઉ એજન્સી કે.ડી. ગોસ્વામીને રસ્તાનું ફરી કામ કરવા નોટિસ આપવા સાથે બિલ અટકાવી બ્લેકલિસ્ટ કરી દીધી હતી. ત્યારે મોડી મોડી જાગેલી નડિયાદ શહેર કોંગ્રેસ સમિતિએ રસ્તાના કામોમાં ભ્રષ્ટાચારના આક્ષેપ કરી કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરવાની માંગણી કરતા લોકોમાં સવાલો ઉઠી રહ્યા છે.
નડિયાદ નગરપાલિકા દ્વારા સરકારની વિવિધ ગ્રાન્ટમાંથી કામો કરવામાં આવી રહ્યા છે. ત્યારે તા.૦૯/૦૮/૨૦૨૪એ નડિયાદ પાલિકાની સામાન્ય સભામાં નડિયાદ નગરપાલિકા વિસ્તારમાં સીસી રોડ કરવા એજન્સી કે.ડી.ગોસ્વામી નડિયાદને વર્કઓર્ડર આપવામાં આવ્યો હતો. પરંતુ એજન્સી દ્વારા વિજય રાવની ઓફિસથી નટપુર બેંક સુધીનાં સીસી રોડમાં નબળી કામગીરી કરી હોવાથી તા.૨૬/૦૨/૨૦૨૪થી નોટિસ આપી ફરી યોગ્ય રીતે કામ કરવા જાણ કરાઈ હતી. પરંતુ, એજન્સીએ કોઈ કાર્યવાહી કરી ન હતી. જેથી નગરપાલિકા દ્વારા એજન્સીને રોડના કામની ચુકવવાની થતી બાકીની રકમમાંથી કામગીરી યોગ્ય રીતે ન કરે ત્યા સુધી બિલનું પેમેન્ટ અટકાવી દેવા ઠરાવ કરી નગરપાલિકાના ચીફ ઓફિસરને સૂચના આપવામાં આવી હતી.
ઉપરાંત નડિયાદ નગરપાલિકા દ્વારા ફેઝપાર્ક-૨, બારકોશીયા રોડને નુકશાન થયું હોવાથી આ જ એજન્સીને નોટિસ આપી ફરીથી કામગીરી કરાવવા કોન્ટ્રાક્ટરને સૂચના આપવા સાથે પેમેન્ટ અટકાવી બ્લેક લિસ્ટ કરી દેવા સુધીના પગલાં લેવામાં આવ્યા છે.
ત્યારે આજે મોડી મોડી જાગેલી નડિયાદ શહેર કોંગ્રેસ સમિતિએ નડિયાદ નટપુર બેંકથી સિંદુસી પોળના રસ્તાના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કરી વિરોધ પ્રદર્શન કરી બ્લેક લિસ્ટ થયેલી એજન્સીને બ્લેક લિસ્ટ કરવાની માંગણી કરી હતી. ત્યારે નડિયાદ શહેર કોંગ્રેસના વિરોધ પ્રદર્શન સામે સવાલો ઉઠી રહ્યા છે.