- ત્રીજા દિવસે દીપડો જોયાનો દાવો કરાયો
- ફોરેસ્ટ વિભાગે એનિમલ રેસ્ક્યૂની એક્સપર્ટ ટીમો સાથે શોધ આદરી
- પરંતુ આજે તેમને કોઇ જ પગના નિશાન મળ્યા નથી
દહેગામ તાલુાકાના કડજોદરામાં શુક્રવારે દીપડાએ ગ્રામજનો ઉપર હુમલો કર્યા બાદ બીજા દિવસે તેના ફુટપ્રિન્ટ છેક 12 કિલોમીટર દુર મોતીપુરા પાસે જોવા મળ્યા હતા. જેના ઉપરથી વનખાતાએ સંભાવના વ્યક્ત કરી હતી કે દીપડો ગામમાંથી નીકળીને આંતરસુંબાના જંગલમાં જતો રહ્યો હશે. દીપડાના પંજાના નિશાન જે ગામની સીમમાંથી મળ્યા હતા તે મોતીપુરાની સીમ આંતરસુંબા ફોરેસ્ટ રેન્જ નજીકનુ ગામ છે. જોકે આજે ત્રણ જુદા જુદા ગામોમાં ફરીવાર બુમો ઉઠી હોવાથી ફોરેસ્ટ વિભાગે એનીમલ રેસ્ક્યુ ટીમના એક્સપર્ટ સાથે ફરીવાર સર્ચ શરુ કર્યુ હતુ.
શનિવારે રાત્રે જીંડવા ગામમાં દીપડો દેખાયો હોવાની બુમો ઉઠી હતી જેને લઇને વનવિભાગના અધિકારી વિશાલ ચોૈધરી તેમની ટીમે ગામમાં જઇને સર્ચ કર્યુ હતુ. પરંતુ આજે તેમને કોઇ જ પગના નિશાન મળ્યા નથી.
આ સિવાય આજે રવિવારે સવારે થાંભલીયા ગામના લોકોએ ખેતરમાં દીપડો જોયો હોવાનો દાવો કર્યો હતો પરંતુ આ દાવો પણ પોકળ નીકળ્યો હતો અને વનખાતાને તપાસમાં કંઇ મળ્યુ નથી. નાળીયાની એક બખોલમાં સંતાયો હોવાની બુમો પડતા તેમાં પણ તપાસ કરતા કંઇ જોવા મળ્યુ નહોતુ. બપોર બાદ થાંભલીયાથી નજીકના અંતરે આવેલા ગલેવા ગામમાં દીપડાના પગા જોવા મળ્યા હોવાનુ ગ્રામજનોએ વનતંત્રને જણાવ્યુ હતુ. જેથી વનતંત્ર દ્વારા એનીમલ રેસ્ક્યુ સંસ્થામાં કામ કરતા એક્સપર્ટની ટીમને બોલાવામાં આવી હતી અને તેમની સાથે રાખીને સર્ચ તથા ફુટપ્રીન્ટની ચોકસાઇ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.આમ આજે ત્રીજા દિવસે પણ તાલુકાના ગલેવા, જીંડવા અને થાંભલીયામાં દીપડાની બુમો યથાવત જોવા મળી હતી.