- ધારાસભ્યે ટિકીટ લઇને મુસાફરી કરી
- બસને કંકુ તિલકથી વધાવવા મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટયા
- ધારાસભ્યએ બાયડ ત્રણ રસ્તાથી પાલૈયા સુધી બસમાં સવારી કરી
દહેગામથી નરોડા ટર્મીનલ સુધી શરુ કરવામાં આવેલી એએમટીએસની બસને આજે ધારાસભ્યએ લીલી ઝંડી બતાવીને શરુ કરાવી હતી. દહેગામના સેંકડો લોકો બસને જોવા માટે ઉમટી પડયા હતા. કંકુ તિલક કરીને શરુઆત કરાઇ હતી. બસમાં મુસાફરી કરવા માટે બેઠેલા ધારાસભ્યે પોતે ટીકીટ લઇને બસમાં સવારી કરી હતી. સાંજે ચાર વાગે પાલૈયા ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ તથા પાલિકા પ્રમુખ સહીત એએમટીએસના ચેરમેન હાજર રહ્યા હતા.ધારાસભ્યએ બાયડ ત્રણ રસ્તાથી પાલૈયા સુધી બસમાં સવારી કરી હતી. એએમટીએસ ચાલુ થતા દહેગામના લોકોમાં ભારે આનંદની લાગણી છવાઇ ગઇ હતી. અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ વિભાગે આજથી સીટીબસ શરુ કરી છે. એએમટીએસ બસ રોજની 32 ટ્રીપો નરોડાથી દહેગામ વચ્ચે દોડશે. આજે બે બસોને લીલી ઝંડી બતાવામાં આવી હતી. જોકે ચાર બસો ફાળવી દેવામાં આવી છે. દહેગામથી નરોડા વચ્ચે 22.40 કિલોમીટરના અંતરમાં મુસાફરી કરવી શહેરનીજનો માટે સલામત નિવડશે. તાલુકાના ગામડાથી આવતા લોકો માટે પણ લાલ બસથી મુસાફરી કરવી લાભદાયક હોવાનુ તેમજ તેમ ની અવર જવરનો સમય બચશે. બસનો ફાયદો હાઇવે ઉપર આવતા ગામડાના લોકોને પણ મળશે. આજે દહેગામ ખાતે બસના શુભારંભ પ્રસંગે ધારાસ ભ્ય સહીત પાલિકા પ્રમુખ વૈશાલિ સોલંકી, ચેરમેન ધરમશી દેસાઇની હાજરી રહી હતી.