- વરિયાળીમાં કારીયા ગુંદરીયા રોગે ખેડુતોને રાતાપણીએ રડાવ્યા
- ચેખલાપગી તથા પાટનાકુવા પંથકમાં વરિયાળીનું બમ્પર વાવેતર કરાયુ હતુ
- આ વર્ષે તાલુકામાં 800 હેક્ટરમાં વરિયાળીનું વાવેતર કરાયું હતું
દહેગામ તાલુકાના કેટલાક ગામડાઓમાં વરીયાળાના પાકમાં કારીયા ગુંદરીયા નામના રોગનો પગપેસારો થતા ખેડુતોને રાતાપાણીએ રોવાનો વારો આવ્યો હતો. આ રોગને કારણે પાક નિષ્ફળ ગયો હતો અને મોટાભાગના ખેડૂતોએ ઉભા પાકને વાઢી નાંખવાની ફરજ પડી હતી. આ સમસ્યા તાલુકાના ચેખલાપગી, કંથારપુરા, રાજાજીના મુવાડા, પાટનાકુવા , હણીયોલ જેવા ગામોમાં જોવા મળી હતી. આ ગામોમાં વરીયાળીના પાકનું બમ્પર વાવતેર કરવામાં આવ્યુ હતું.
કારીયા ગુંદરીયા રોગથી વરીયાળીના છોડ ઉપરના દાણા પાકટ થાય એ પહેલા આખેઆખી ડાળીઓ કાળી પડી જાય છે અને જેથી ખેડુતોની મહેનત પાણીમાં જતી રહે છે. તાજેતરમાં દહેગામ તાલુકામાં પાટનાકુવા, ચેખલાપગી, હણિયોલ , કંથારપુરા સહીતના ગામડામાં આ રોગ જોવા મળ્યો હતો. ખેડૂતના ખેતરમાં વરીયાળીના કાચા દાણા પાકા થાય એ પહેલા જ કારીયા રોગનો શિકાર બની ગયા હતો અને ખેડૂતોને આ વર્ષે વરીયાળીએ રોવડાવ્યા હોવાની વિગતો છે. ખેડૂતોએ કરેલો હજારો રુપિયાનો ખર્ચ માથે પડયો હતો.વરીયાળીના છોડ ઉપર લાગેલા રોગને કારણે વીધામાંથી અડધો પાક પણ ના મળ્યો હોવાથી ખેડૂતો કંટાળી ગયા હતા. પાકમાંથી આશા છોડી દીધી હતી. ખેડૂતોએ ઉભા પાકને આજે વચ્ચેથી જ વાઢી નાંખ્યો હતો અને ખેતરોને પાકમુક્ત કર્યા હતા. કેટલાક ખેડૂતોએ વરીયાળી કાઢીને બાજરીનુ વાવેતર પણ કરી દીધુ હતુ. પાટનાકુવામાં મોટા પ્રમાણમાં વાવેતર કરનારા ખેડૂતોને મોટુ નુકસાન વેઠવાનો વારો આવ્યો હોવાની વિગતો છે.ઉપરોક્ત ગામોમા આશરે 25 થી પણ વધુ ખેડૂતોની સેંકડો વીધા જમીનમાં વરીયાળીનો પાક ફેલ ગયો હોવાથી ખેડૂતોએ ખેતરોમાંથી પાક વાઢી નાખીને અન્ય પાકમાં જોતરાયા હતા. ઉલ્લેખનિય છે કે આ વર્ષે તાલુકામાં 800 હેક્ટરમાં વાવેતર કરાયુ હતુ. જેમાંથી મોટા ભાગના ખેડુતોને રોગની અસર થઇ હોવાની ચર્ચા છે.