આજે સમગ્ર દેશમાં દશેરાની ઠેરઠેર ઉજવણી થઈ રહી છે, સવારથી જ લોકો જલેબી અને ફાફડાની જયાફત માણી રહ્યા છે, ત્યારે રાજ્યમાં દશેરના દિવસે પણ મેઘરાજાએ પધરામણી કરી છે. દશેરાના દિવસે કાલાવડ, ડાકોર, વિસાવદર, જેતપુરમાં વરસાદ વરસ્યો છે.
જામનગરના કાલાવડમાં વરસાદનું આગમન
જામનગરના કાલાવડમાં વરસાદનું આગમન થયું છે અને કાલાવડ શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. નીકાવા, આણંદપર, શિશાંગ, બેડિયા, ખડ ધોરાજી, નાના વડાલા, પાતા મેઘપરમાં વરસાદ વરસ્યો છે. 3 ઈંચથી વધુ વરસાદ વરસતા ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયા છે અને તેને લઈને ખેડૂતો મોટી ચિંતામાં મુકાયા છે. દશેરાની મોડી સાંજે કાલાવડ શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો, ત્યારે કમોસમી વરસાદ પડતાં ખેડૂતો પણ ચિંતિત બન્યા છે. અંદાજીત ત્રણ ઈચથી વધુ વરસાદ પડતાં ખેતરોમાં પાણી ભરાયા છે અને બીજી તરફ વરસાદ પડતા ખેલૈયાઓમાં પણ નિરાશા જોવા મળી છે.
જૂનાગઢના વિસાવદરમાં ધોધમાર વરસાદ
દશેરના દિવસે સાંજના સમયે જૂનાગઢના વિસાવદરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. વિસાવદરના રતાંગ સહિતના ગામોમાં વરસાદ જોવા મળ્યો છે. આશરે 2 ઈંચ કરતા વધુ વરસાદ વરસતા ખેતીને મોટું નુકસાન થવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.
રાજકોટના જેતપુર સહિત ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ
બીજી તરફ રાજકોટના જેતપુર સહિત ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેતપુરના તીન બત્તી ચોક, નવાગઢ, સામોકાઠો, ફૂલવાડી, સ્ટેન્ડ ચોક, દેસાઈ વાડી, ધોરાજી રોડ, જૂનાગઢ રોડ, વડલી ચોક સહિત વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. સવારથી જ આકાશમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને ત્યારબાદ રબારીકા, પીઠડીયા, વીરપુર, કાગવડ, મેવાસા, સરધારપૂર, પાંચપીપળા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો. જો કે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ શરૂ થતાં અસહ્ય બફારામાંથી લોકોને મોટી રાહત મળી છે પણ અણધાર્યા વરસાદને લઈ ખેડૂતો મોટી મુશ્કેલીમાં મુકાયા છે અને ચિંતામાં ગળાડૂબ છે.
યાત્રાધામ ડાકોરમાં દશેરાના દિવસે મુશળધાર વરસાદ
યાત્રાધામ ડાકોરમાં પણ દશેરાના દિવસે મુશળધાર વરસાદ વરસ્યો છે. જેના કારણે ડાકોર મંદિર બહાર ઘુંટણસમા પાણી ભરાયા હતા. ત્યારે વરસાદમાં ગોપાલ લાલજી મહારાજની સવારી નીકળી હતી. હાથી પર ગોપાલ લાલજી મહારાજની શોભાયાત્રા નીકળી હતી. પાંચ વર્ષ પછી શોભાયાત્રા નીકળી હોવાથી ભક્તોમાં ખુશી જોવા મળી રહી હતી.