- સોનાની ચેન લીધા બાદ બંગલો અને 25 લાખ રોકડાની માગણી કરતા ફરિયાદ
- ધાનેરાની યુવતીએ યુવકની જાણ બહાર બંનેના ફોટા પાડયા,
- વાતચીતનું રેકોડિંગ કરી પૈસા ન આપે તો ખોટી ફરિયાદની ધમકી આપી
થરાદના રાહ ગામના યુવકને ધાનેરા પંથકની યુવતીએ અલગ-અલગ સ્થળે ફરવા લઈ જવાના બહાને ફોટા પાડી મોબાઈલ પર વાતચીતનું રેકોડિંગ કરી વાયરલ કરવાની ધમકી આપી રૂ.20 હજાર, સોનાની ચેઈન પડાવી લીધી હતી. જો કે, ત્યારબાદ પણ યુવતીએ પાલનપુરમાં બંગ્લો અને રૂ.25 લાખની માંગણી કરતાં આ અંગે થરાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
થરાદના રાહ ગામના મુકેશભાઈ પ્રજાપતિને તેમના મિત્ર અને ભાગીદાર એવા નારણસિંહ મેઘજી વાઘેલાએ ચાર માસ અગાઉ ફેન કરી હાઇવે પર બોલાવ્યા હતા. જ્યાંથી ધાનેરા જતાં કારગિલ ત્રણ રસ્તા પાસે એક મહિલાને નારણસિંહે ગાડીમાં બેસાડી હતી. આ દરમિયાન મહિલા કોઇક ડોક્ટરને બ્લેકમેલ કર્યું હોવાની અને તેની પાસેથી રૂ. દોઢ લાખની લેતી દેતીની ચર્ચા કરતી હતી. બાદમાં મુકેશભાઈને નાણાં ગણવા પાછળની સીટ પર બોલાવી ફેનમાં ફોટા પાડી દીધા હતા. આ મહિલાનું નામ ટીનાબેન ઇશ્વરભાઇ ઠાકોર રહે.આશીયા તા.ધાનેરા અને હાલ તે ધાનેરા ક્રિષ્નાનગર સોસાયટીમાં રહેતી હોવાનું જણાવ્યુ હતું. પરિચય બાદ મોબાઈલ પર વાત થતી હતી. થોડા દિવસ પછી તેણીએ ફોન કર્યો કે, હું રાહ બસ સ્ટેન્ડ ઉભી છું. તમે મને ધાનેરા મુકવા આવો. જેથી મુકેશભાઈ ગાડી લઇને ધાનેરા મુકવા જતા તેણીએ ફોટા બતાવી ફોનમાં વાતચીતનું રેકોર્ડીંગ કર્યુ હોવાનું કહીં વાયરલ કરવાની ધમકી આપી હતી.
ત્યારબાદ તા.14મી મેના રોજ નારણસિંહે માઉન્ટ આબુ જવાનું કહેતા ત્યાં પણ ટીના ઠાકોર અને તેની સાથે બીજી એક યુવતી હતી. જ્યાં એક હોટલમાં બે રૂમ રાખી હતી. ઉપરના રૂમમાં મુકેશભાઈ એકલા સુઇ ગયા હતા અને બન્ને મહિલા અને નારણસિંહ ત્રણેય નીચેના રૂમમાં હતા. રાત્રીના એક વાગ્યા આસપાસના સમયે ટીના ઠાકોર મુકેશભાઈના બાજુમાં આવી સુઇ ગઇ હતી. બીજા દીવસે પણ રેવદરમાં હોટલમાં ટીના મુકેશભાઇ રૂમમાં રહી હતી. જો કે, બિયર પીધુ હોઈ રાત્રે શું થયુ તેની ખબર ન પડી.
જો કે, આરોપી મહિલાએ પાલનપુરમાં બંગલો લઇ આપ અને 25 લાખ રૂપિયા આપે તો હું તારા ફોટા વાયરલ નહી કરૂ. નહી તો હું તારા અને મારા ફોટા વાયરલ કરીને તારા ઘરે આવી જઇશ તેવી ધમકી આપી હતી બ્લેકમેઈલ કરી હોઈ આ અંગે મુકેશભાઈએ થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
તારી પત્ની બનીને ઘરે આવવાનું કહી ધમકાવ્યો
ટીના મુકેશભાઈને બ્લેકમેલ કરીને મંડાર ખાતે એક હોટલમાં બોલાવ્યા હતા . તેણીએ અને કહ્યું હતું કે મારે તારા ઘરે તારી પત્ની તરીકે આવવું છે, જેથી મુકેશભાઈએ કહ્યું હતું કે મારા લગ્ન થયેલા છે. તો ટીનાએ હું તો તારા ઘરે જ આવવાની છું અને નહી લઇ જાય તો તારા અને મારા બન્નેના હોટલના ફોટા છે તે હું બધે વાયરલ કરી નાખીશ અને તને ખોટા કેસમાં ફ્સાવી દઇશ તેમ કહીને બ્લેક મેલ કરતી હતી.
દુષ્કર્મની ફરિયાદ કરવાની ધમકી આપી હતી
મુકેશભાઈને બ્લેક મેઈલ કરી ટીના પૈસા પડાવતી હતી. આબરૂ જવાના ડરે મુકેશભાઈ કોઈની સાથે વાત કરતા ન હતા. ત્યારે ટીનાએ મેસેજ કરીને એમના ઉપર ખોટી ફરિયાદ કરવાની ધમકી આપતી હોવાથી મુકેશભાઈએ તેમના ઘરના માણસોને તથા મિત્રને તમામ વાત કરી હતી અને ટીનાબેન એમના ઉપર દુષ્કર્મની ખોટી ફરિયાદ કરવાની ધમકીઓ આપી બદનામ કરતી હોવાની ફરિયાદ નોંધાવી હતી.