મુંબઈ : વિતેલા સપ્તાહમાં દેશમાં સેકન્ડરી માર્કેટની સાથોસાથ પ્રાઈમરી માર્કેટમાં પણ જોરદાર આકર્ષણ જોવા મળ્યું હતું. વિતેલા સપ્તાહમાં આવેલા એકંદર રૂપિયા ૧૧૬૧૫ કરોડ ઊભા કરવા આવેલા ત્રણ જાહેર ભરણાંમાં રોકાણકારોએ કુલ રૂપિયા ૨૨૨૪૩૬ (અંદાજે રૂપિયા ૨.૨૦ ટ્રિલિયન) કરોડ ઠાલવ્યા હતા.
બીજી બાજુ સેકન્ડરી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઈઆઈ)ની વેચવાલી ઓકટોબર-નવેમ્બરની સરખામણીએ ધીમી પડી રહી હોવાનું જોવા મળે છે. વિતેલા સપ્તાહમાં એફઆઈઆઈ ઈક્વિટી કેશમાં નેટ રૂપિયા ૨૨૫ કરોડની વેચવાલી કરી હતી જે તાજેતરના સમયની દ્રષ્ટિએ ઓછી હોવાનું માનવામાં આવે છે. ઘરેલુ સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈ)એ રૂપિયા ૬૮૮ કરોડની નેટ ખરીદી કરી હતી.
સંપૂર્ણ ડિસેમ્બર મહિનાની વાત કરીએ તો ભારતીય ઈક્વિટીસ કેશમાં એફઆઈઆઈએ રૂપિયા ૧૧૭૦૬.૮૯ કરોડની જ્યારે ડીઆઈઆઈએ રૂપિયા ૪૬૭૨.૪૯ કરોડની નેટ ખરીદી કરી હતી. ઓકટોબર તથા નવેમ્બરમાં વિદેશી ફન્ડો નેટ વેચવાલ રહ્યા હતા.
વિતેલા સપ્તાહમાં આવેલા ત્રણ જાહેર ભરણાં વિશાલ મેઘા માર્ટ, વન મોબિક્વિક સિસ્ટમ્સ તથા સાઈ લાઈફ સાયન્સિસે એકત્રિત રીતે રૂપિયા ૧૧૬૧૫ કરોડના ભરણાં બહાર પાડયા હતા જેની સામે રોકાણકારો ખાસ કરીને રિટેલ રોકાણકારોએ જોરદાર પ્રતિસાદ આપી અંદાજે રૂપિયા ૨.૨૦ ટ્રિલિયનની બિડ ભરી હતી.
નવેમ્બરની નીચી સપાટીએથી ડિસેમ્બરના પ્રારંભમાં બેન્ચમાર્ક સેન્સેકસમાં નોંધપાત્ર રિકવરી આવતા પ્રાઈમરી માર્કેટ માટે રોકાણકારોના સેન્ટિમેન્ટમાં સુધારો જોવા મળ્યો છે.
નવેમ્બરની નીચી સપાટીએથી નિફટી૫૦ ઈન્ડેકસમાં ૬ ટકા જ્યારે નિફટી મિડકેપ તથા નિફટી સ્મોલકેપમાં અનુક્રમે ૮.૫૦ ટકા અને ૧૦.૩૦ ટકા રેલી જોવા મળી છે. ત્રણ ભરણાંમાં મોબિક્વિક ૧૨૦ ગણો, સાઈ લાઈફ ૧૦ ગણો તથા વિશાલ મેગા ૨૭ ગણો છલકાયો હોવાનું પ્રાપ્ત ડેટામાં જણાવાયું હતું.
જાહેર ભરણામાં લિસ્ટિંગ સમયે જ ઊંચા વળતર મળી રહેતા હોવાથી રોકાણકારો તેમાં નાણાં ઠાલવવાનું પસંદ કરી રહ્યા છે. જાહેર ભરણાંનો દોર આવતા સપ્તાહે પણ જોવા મળશે. આવતા સપ્તાહે ૪ આઈપીઓ અને નવ કંપનીઓના શેરના લિસ્ટિંગ નિર્ધાર્યા છે.