- ચેકડેમ, તળાવો વગેરે ઊંડા ન થતાં ચોમાસા દરમિયાન પાણીનો સંગ્રહ થતો નથી
- 19 માર્ચે અભિયાનનો શુભારંભ પરંતુ વહીવટી મંજૂરીના અભાવે કામો બંધ
- રૂા.13.70 કરોડના ખર્ચે 237 કામો કરવાનો દાવો વહીવટી તંત્ર દ્વારા કરાયો
તાપી જિલ્લામાં સુજલામ સુફલામ જળસંચય અભિયાન અંતર્ગત રૂા.13.70 કરોડના ખર્ચે 237 કામો કરવાનો દાવો વહીવટી તંત્ર દ્વારા કરાયો છે. આ અભિયાનનો મૂળ ઉદ્દેશ ચેકડેમ,તળાવ વગેરેમાં ચોમાસા દરમ્યાન વધુ ને વધુ પાણીનો સંગ્રહ કરવાનો છે. તેના માટે હયાત ચેકડેમ,તળાવ,ખેત તલાવડી વગેરેમાંથી ચોમાસાનુ પાણી નકામુ વહી ન જાય તે માટે રીપેરીંગ કામ કરવાની સાથે જળસગ્ર્રહના કેચમેન્ટ એરીયામાં જમા થયેલા કાંપ,માટી,કચરો વગેરે ડીસીલ્ટીંગ કરવાનો છે. એટલે કે તળાવો,ચેકડેમ વગેરે ઉંડા કરવાનો મુળ ઉદ્દેશ આ યોજનાનો છે. 19 માર્ચ 2022ના રોજ વહીવટી તંત્ર દ્વારા વ્યારાના કાટીસકુવા ગામે મોટા ઉપાડે કાર્યક્રમ કરી સુજલામ સુફલામ યોજનાનો શુભારંભ કરાવાયો હતો. આ કાર્યક્રમમાં એક શ્રીજી કૃપા ટ્રસ્ટ નામની સંસ્થાને કામ કરવા માટે વર્ક ઓર્ડર અપાયો હોવાનો દાવો પણ કરાયો હતો. જોકે લોક ભાગીદારીથી તળાવ,ચેકડેમ ઊંડા કરવા માંગતી ઘણી સંસ્થાઓને હજુ સુધી વર્ક ઓર્ડર અપાયા નથી. તેના લીધે જિલ્લામાં ઘણા સ્થળે તળાવ,ચેકડેમ ઉંડા કરવાની કામગીરી શરૂ થઇ શકી નથી. જે કચેરીઓને સુજલામ સુફલામ યોજના અંતર્ગત તળાવો,ચેકડેમ ઉંડા કરવાની કામગીરી સોંપાઈ છે. તે કચેરીઓ હજુ સુધી સરકારમાંથી વહીવટી મંજૂરી આવી નથી. તેથી વર્ક ઓર્ડર આપી શકાય નહી તેવું ગાણું ગાઈ રહી છે. ત્યારે શ્રી જી કૃપા ટ્રસ્ટને વર્ક ઓર્ડર કેવી રીતે અપાયો તે પ્રશ્ન ઉઠી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે ચેકડેમ,તળાવો ઉંડા કરવાની કામગીરી ઘણા ટ્રસ્ટો લોક ભાગીદારીથી કરવા માંગે છે.છેલ્લા પાંચ વર્ષ દરમિયાનથી ચાલી રહેલી આ યોજનામાં ઘણા ટ્રસ્ટો સુજલામ સુફલામ યોજનામાં કામ કરવા તૈયાર હતા.પરંતુ આ યોજનાનું કામ કરાવતી કચેરીઓ તેમજ ખાસ કરીને યોજનાનું મોનિટરિંગ કરતા ઉચ્ચ અધિકારીઓ અને નોડલ અધિકારીઓમાં કામો કરાવવા માટેના ઉત્સાહના આભાવને કારણે છેલ્લા ઘણા વર્ષોથી સુજલામ સુફલામ યોજનામાં 40 થી 50 ટકા જ કામગીરી થઇ શકે તેમ છે. આમ અધિકારીઓના બિન જવાબદારી ભર્યા વલણના કારણે તાપી જિલ્લામાં ચેકડેમ,તળાવો વિગેરે ઉંડા થઇ શકાતા ન હોવાથી ચોમાસા દરમિયાન પાણીનો સંગ્રહ થતો નથી. સરપંચો અને માથાભારે તત્ત્વો યોજનાને સફળ થવા દેતા નથી
તાપી જિલ્લાના ઘણા ગામોમાં ચેકડેમ,તળાવો વગેરે ઉંડા કરવાની કામગીરીમાં ગામના સરપંચ તેમજ માથાભારે તત્વો અડચણરૂપ બની રહ્યાં છે.તળાવ,ચેકડેમ સરકારી માલિકીના હોવા છતાં તેને બાપદાદાની જાગીર સમજી ગામના માથાભારે તત્વો સુજલામ સુફલામની કામગીરી કરવા દેતા નથી.જેના કારણે જિલ્લાના 50 ટકા ચેકડેમ,તળાવમાં ડીસીલ્ટીંગની કામગીરી થઇ શકતી નથી.સુજલામ સુફલામ યોજનાના ઉચ્ચ અધિકારીઓ તેમજ નોડલ અધિકારીઓ આવા માથાભારે તત્વો સામે પોલીસ ફરિયાદ નોંધાવતા ન હોવાથી જિલ્લામાં સુજલામ સુફલામ યોજના સદંતર નિષ્ફળ જઇ રહી છે.