USA Colleges Urge Foreign Students: અમેરિકાની અનેક યુનિવર્સિટીઓએ અભ્યાસ કરતાં વિદેશી વિદ્યાર્થીઓને ડોનાલ્ડ ટ્રમ્પ દેશના પ્રમુખ પદે શપથ ગ્રહણ કરે તે પહેલાં રજાઓ પતાવી પરત ફરવા સલાહ આપી છે. ડોનાલ્ડ ટ્રમ્પ 20 જાન્યુઆરીએ રાષ્ટ્ર પ્રમુખ તરીકે શપથ લેશે. તદુપરાંત કર્મચારીઓને પણ કામ પર પરત ફરવા અપીલ કરી છે, નહીં તો હાલાકીનો સામનો કરવો પડી શકે છે.
શા માટે આપી આવી સલાહ?
ડોનાલ્ડ ટ્રમ્પ ઈમિગ્રેશન પોલિસીને આકરી બનાવવા તેમજ ગેરકાયદે વસતાં લોકો પર તવાઈ લાવવાની યોજના ધરાવે છે. જેથી રાષ્ટ્ર પ્રમુખ પદે શપથ લીધા બાદ તેઓ આ મુદ્દે અનેક કાર્યકારી આદેશો જાહેર કરી શકે છે. તેમાં જો પ્રવાસ પ્રતિબંધો અને પ્રવેશ બિંદુઓ પર આકરૂ વલણ અપનાવવામાં આવ્યું તો ફરી અમેરિકામાં પ્રવેશ મેળવવો અઘરો બની શકે છે.
અડધાથી વધુ વિદ્યાર્થીઓ ભારતના
અમેરિકાના વિદેશ વિભાગ બ્યૂરો ઓફ એજ્યુકેશનલ એન્ડ કલ્ચરલ અફેર્સ એન્ડ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ટરનેશનલ એજ્યુકેશનના આંકડાઓ અનુસાર, અમેરિકામાં અભ્યાસ કરતાં અડધાથી વધુ વિદ્યાર્થીઓ (54 ટકાથી વધુ) ભારત અને ચીનમાંથી છે. 2023-24માં ભારતમાંથી 3.3 લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે અમેરિકા ગયા હતા. જ્યારે ચીનમાંથી 2.7 લાખ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો.
વિદ્યાર્થીઓ માટે મુશ્કેલી વધી શકે
અમેરિકાની એમઆઈટી યુનિવર્સિટીના ઈન્ટરનેશનલ સ્ટુડન્ડ ઓફિસના એસોસિએટ ડીન અને ડિરેક્ટર ડેવિડ એલવેલે રાષ્ટ્ર પ્રમુખની ચૂંટણી બાદ પોસ્ટમાં લખ્યું હતું કે, દરેક ચૂંટણી સાથે સંઘીય સ્તર પર નિયમોમાં ફેરફાર થાય છે. પોલીસી, રેગ્યુલેટર્સમાં મોટા બદલાવ થઈ શકે છે. સુરક્ષા અને દસ્તાવેજોની આકરી તપાસ થઈ શકે છે. નિયમો કડક બની શકે છે.