Junagadh News: કથિત રીતે મહિલાઓ માટે સુરક્ષિત કહેવાતા ગુજરાતમાં મહિલાની સ્થિતિ કથળી રહી છે. ગુજરાતમાં એક પછી એક દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે. ત્યારે જૂનાગઢના કેશોદમાંથી બે દીકરીની માતા પર બે શખસો દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની કેસ સામે આવ્યો છે. મહિલા સાથે દુષ્કર્મ આચર્યા બાદ બે નરાધમો ત્યાં ન અટક્યાં, પરંતુ તેમની નજર મહિલાની બંને દીકરી પર હતી. જોકે, ચોંકાવનારી વાત એ છે કે, આ દુષ્કર્મ કેસમાં બે પુરૂષો સાથે એક મહિલા પણ સંડોવાયેલી હતી.
શું હતો સમગ્ર બનાવ?
પીડિત મહિલા પોતાની બંને દીકરીને અર્બન હેલ્થ સેન્ટરમાં નોકરી પર લગાવવા ઈચ્છતી હતી. જેથી અર્બન હેલ્થ સેન્ટરમાં જ ફરજ બજાવનાર શ્રદ્ધા ગોહેલ નામની મહિલાનો સંપર્ક કર્યો હતો. શ્રદ્ધા ગોહેલે પીડિત મહિલાની બંને દીકરીને કેશોદમાં નર્સિંગનો કોર્સ કરાવતા નરેન્દ્ર ઝાલા સાથે ઓળખાણ કરાવી. ઝાલાએ પીડિતાને પોતાની બંને દીકરી સાથે નોકરીની લાલચે ઓફિસ બોલાવી મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું. પીડિતાએ શ્રદ્ધા ગોહેલને સમગ્ર વાત જણાવી તો તેણે કહ્યું કે, અમે પણ આવી રીતે જ આગળ આવ્યા છીએ. ત્યારબાદ પીડિતાને જૂનાગઢના રજનીકાંત વાછાણી સાથે મુલાકાત કરાવી. તેણે બંને દીકરીને નોકરી અપાવી દીધી.
આ પણ વાંચોઃ રાજકોટની શરમજનક ઘટના : ફૂલ જેવી બાળાના શરીર સાથે 92 વર્ષના નરાધમ વયોવૃધ્ધે કર્યા અડપલાં
ઘરે આવી બળજબરી કરી
બંને દીકરીને નોકરી અપાવ્યા બાદ રજનીકાંત વાછાણી પીડિતાના ઘરે આવી બળજબરી પૂર્વક તેના પર દુષ્કર્મ આચર્યું. બાદમાં પીડિતાને કહ્યું કે, તારામાં મજા ન આવી, તારી દીકરીને તૈયાર રાખજે. પીડિતાએ તેનો ઈનકાર કરતાં વાછાણીએ તેની બંને દીકરીને નોકરીમાંથી કાઢી મૂકવાની અને જાનથી મારી નાંખવાની ધમકી આપી. પોતાની દીકરીઓના જીવ પર આવતાં આખરે પીડિતાએ કંટાળીને કેશોદ પોલીસ સ્ટેશનમાં શ્રદ્ધા ગોહેલ, નરેન્દ્ર ઝાલા અને રજનીકાંત વાછાણી સામે ગુનો નોંધાવ્યો છે.
પોલીસે દુષ્કર્મ અને બળજબરી સહિતનો ગુનો નોંધી ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. તેમજ અન્ય કોઈ મહિલા સાથે નોકરીના બહાને આવી ઘટના બની છે કે કેમ તે વિશે તપાસ કરી રહી છે.