- પાલનપુરમાં ભૂગર્ભ ગટરના ઠેકાણાં ન હોઈ
- આખા શહેરની ગંદકી આ તળાવમાં ઠલવાય છે
- પાણી ખેંચી પકવવામાં આવતાં શાકભાજીથી આરોગ્યને ખતરો
પાલનપુર શહેર અને શહેરીજનોની સ્થિતિ દિનપ્રતિદિન કથળી રહી છે. સ્થાનિક તંત્રની અણઆવડતથી શહેરમાં હજુ ભૂગર્ભ ગટર હેન્ડઓવર થઈ શકી નથી. ત્યાં શહેરનું ગંદુ અને કેમિલકયુક્ત પાણી નજીકમાં આવેલા ગુંગડી તળાવમાં ઠાલવવામાં આવે છે. જ્યાં કેટલાક પશુઓના મૃતદેહ પણ પડયા હોય છે. તો આવા દુર્ગંધ મારતાં પાણીને મશીન દ્વારા ખેંચી તેમાંથી પકવેલા શાકભાજી શહેરીજનોને પિરસવામાં આવતા હોવાની રાવ ઊઠી છે.
પાલનપુરની નજીક આવેલા ગુંગડીમાં શહેરનું ગંદુ અને કેમિકલયુક્ત પાણી ઠલવાય છે અને તેના કારણે દુર્ગંધથી અહીંથી પસાર થતાં લોકોને હાલાકી ભોગવવી પડે છે. જોકે, આવા ગંદા પાણીથી ખેતી કરી શાકભાજી પકવવાનો ધંધો કેટલો યોગ્ય? આવા શાકભાજી ખાધા બાદ કેન્સર સહિતના રોગ થવાની શક્યતા છે. તો આ બાબતે સ્થાનિક તંત્ર તેમજ આરોગ્ય વિભાગ કાર્યવાહી કરે તેવી માંગ ઊઠી છે. તો આ પ્રકારની ખેતી કરતાં લોકોએ જાતે જ સમજીને જનઆરોગ્ય સામે ખતરો પેદા ન કરવો જોઈએ તેમ સ્થાનિક ગોપાલભાઈ પટણીએ જણાવ્યું હતું.