- રજીસ્ટર મોબાઈલ નંબર મેળવી અજાણ્યા ઈસમે ઓનલાઈન ચાર ટ્રાન્જેક્શન કર્યા
- વોડાફોન કેરમાં ફોન કરીને સીમ ખોવાયુ હોવાની ફરિયાદ કરી નંબર બંધ કરાવી નાખ્યો
- ઓનલાઈન વ્યવહારના મેસેઝ આવતા મેનેજર સહીત કર્મચારીઓ દોડતા થયા
શહેરના જીઆઈડીસીમાં આવેલી હરીશ ટ્રાન્સપોર્ટ કંપનીનો મોબાઈલ નંબર ખોવાયો હોવાની વોડાફોન કેરમાં ફરિયાદ કરી નંબર બંધ કરાવી નાખ્યો હતો. ત્યારબાદ કોઈ અજાણ્યા ઈસમે તે મોબાઈલ નંબર મારફતે અલગ અલગ ચાર ટ્રાન્જેક્શન કરી કંપનીના ખાતામાંથી ઓનલાઈન રૂપિયા 29.46 લાખ ઉપાડી લઈ છેતરપીંડી આચરતા ગુનો નોધાવા પામ્યો છે.
પૂર્વ કચ્છ સાયબર ક્રાઈમ પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ ગત રવિવારના સવારના 10 વાગ્યાથી આજે સવારના 8 વાગ્યા સુધીમાં આ કારસ્તાનને અંજામ આપવામા આવ્યુ હતુ. શહેરના જીઆઈડીસી વિસ્તારમાં આવેલી હરીશ ટ્રાન્સપોર્ટ પેઢીના મેનેજર સંતોષ વિશનદાસ પંજવાણીએ પોલીસને જણાવ્યું હતુ કે, નિત્યક્રમ મુજબ કંપનીનો મોબાઈલ ફોન ઉપયોગ કરવા લીધો હતો. ત્યારે ફોન બંધ હોવાનું ધ્યાને આવ્યું હતુ. જેથી વોડાફોન કસ્ટમર કેરમાં ફોન કરીને કંપનીના કર્મચારીને બોલાવ્યો હતો. કર્મચારી અભિષેકે કસ્ટમર કેરમાં ફોન કરતા અન્ય એક મોબાઈલ નંબર પરથી ફોન આવ્યો હતો અને કંપનીનો નંબર ખોવાઈ ગયો હોવાથી બંદ કરવાની રીક્વેસ્ટ કરી હતી. જેથી તે નંબર બંદ કરી દેવામા આવ્યો હોવાનું ધ્યાને આવ્યું હતુ.
કંપની સંચાલકોએ આવી કોઈ રીક્વેસ્ટ ન કરી હોવાનુ જણાવી ફોન ચાલુ કરવા કહ્યું હતુ. જેથી ફોન ચાલુ કરવામા આવ્યો હતો, પરંતુ આ દરમિયાન કોઈ અજાણ્યા ઈસમે કંપનીના મોબાઈલ નંબરનો ઉપયોગ કરી તેના પર ઓટીપી મેળવી કંપનીના બેંક ખાતામાંથી અલગ અલગ ચાર ટ્રાન્જેક્શન કરી ઓનલાઈન રૂપિયા 29,46,000 ઉપાડી લીધા હતા. ઓનલાઈન વ્યવહારના મેસેઝ આવતા મેનેજર દોડીને કંપની સંચાલક પાસે પહોચી ગયા હતા. જેથી કંપની સંચાલક રોમેશ ચતુરાણીએ તાત્કાલીક હેલ્પલાઈન પર ફોન કરી ફરિયાદ દર્જ કરાવી હતી. જે અંગે સાયબર ક્રાઈમ પોલીસે અજાણ્યા ઈસમ સામે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.