- પેપરલીક મુદ્દે જીતુ વાઘાણીનું નિવેદન
- કોંગ્રેસ પેપર ફૂટ્યાના કોઈ પુરાવા રજૂ નથી કરી શકી
- યુવાનોનું મનોબળ તોડી રહ્યું છે વિપક્ષ
મહેસાણા જિલ્લામાં ઉનાવાની મીરાદાતાર સર્વોદય વિદ્યાલયમાં વન રક્ષકની પરીક્ષા દરમિયાન પેપર ફૂટવાની વાત વહેતી થતાં જ સરકારી તંત્ર દોડતું થઈ ગયું છે. બીજી તરફ કોંગ્રેસ પણ આક્રામક મૂડમાં હોય, તેમ સરકારને આ સમગ્ર મુદ્દે સરકારને ઘેરવાની એકપણ તક છોડવા નથી માંગતી. આજે પણ વિધાનસભા સંકુલમાં કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા પેપરલીક મુદ્દે નારેબાજી કરવામાં આવી હતી. જેના પર આજે રાજ્યના શિક્ષણ મંત્રી અને સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ પલટવાર કર્યો છે.
જીતુ વાઘાણીએ જણાવ્યું કે, ગુજરાતમાં PM મોદીના વખતથી પારદર્શક ભરતીઓ થઈ રહી છે. કોંગ્રેસ જ ફૂટેલી છે, એટલે પેપર ફૂટવાના ખોટા આરોપ લગાવી રહી છે. કોંગ્રેસ ગૃહમાં પેપર ફૂટ્યાના કોઈ જ પુરાવા રજૂ કરી શકી નથી. જો કોંગ્રેસ સાચી હોય, તો આધાર-પુરાવા સાથે પોતાની વાત રજૂ કરે.
વધુમાં સરકારના પ્રવક્તાએ જણાવ્યું કે, ગુજરાત યુવાનોને સૌથી વધુ રોજગારી આપતું રાજ્ય છે. વન રક્ષકની પરીક્ષાનું પેપર ફૂટ્યું જ નથી. એ માત્ર કૉપી કેસ જ છે. જો પોલીસ દ્વારા કોંગ્રેસના ધારાસભ્યોને રોકવામાં આવ્યા હશે, તો એક્શન લેવામાં આવશે. મુખ્યમંત્રીએ આદેશ આપ્યા છે અને તે મુજબ તપાસ કરીશું.
શું છે સમગ્ર મામલો?
ગુજરાતમાં વન વિભાગ તરફથી ગુજરાત યુનિવર્સિટીની પ્રોફેશનલ પરીક્ષા સમિતિ દ્વારા રવિવારે વન રક્ષકની ભરતી માટેની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉનાવાની મીરાં દાતાર સર્વોદય વિદ્યાલયના બ્લૉક નંબર 10માં ચાલુ પરીક્ષા દરમિયાન રવિ મકવાણા નામના યુવકે પાણી પીવાના બહાને વર્ગખંડની બહાર ગયો હતો. જ્યારે તે વર્ગમાં આવ્યો, ત્યારે ખંડ નિરીક્ષક દ્વારા તેની તપાસ કરતાં તેની પાસેથી પરીક્ષાને લગતું સાહિત્ય મળી આવ્યું હતું. જે બાદ વન રક્ષકની પરીક્ષાનું પેપર ફૂટ્યાની વાત વહેતી તઈ હતી. આ સમગ્ર મામલે પોલીસે 3 ઉમેદવારો સહિત 8 લોકોની અટકાયત કરી છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, માયા ઉર્ફે મનીષાને પાસ કરાવવા ષડયંત્ર રચ્યું હતું. તથા શાળાના પટાવાળાએ પેપરનો ફોટો રાજુ અને સુમિતને મોકલ્યો હતો. તેમાં રવિ મકવાણા નામનો વિદ્યાર્થી જોઈ જતાં તેને પણ જવાબ આપ્યા હતા. તથા સુપરવાઈઝરને પણ માયાને પાસ કરાવવા મદદ કરી હતી. તથા રવિ મકવાણા પકડાઈ જતાં સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે. જેમાં માયા ઉર્ફે મનીષા ચૌધરીએ જવાબો સાથે પેપર લખી નાખ્યુ હતુ. જેમાં હોબાળો થતા પટાવાળાએ કાગળ સળગાવી દીધા હતા. જે
આ તમામ આરોપીને સાંજે ઊંઝા કોર્ટમાં રજૂ કરાશે. તેમાં એક જ ગામના 3 ઉમેદવારને પાસ કરાવવાનું ષડયંત્ર હતુ. જેમાં રવિ નામનો ઉમેદવાર પકડાઈ જતાં કૌભાંડ ખુલ્યું છે. જ્યારે રાજુ ચૌધરી નામનો શિક્ષક ગેરરીતિનો મુખ્ય સૂત્રધાર છે અને પટાવાળા અને સુપરવાઈઝરની પણ સંડોવણી બહાર આવી છે.